Feb 15, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૯

ઇન્દ્રજીતના મરણ સંબંધી એક બીજી પ્રચલિત કથા એવી છે કે-લક્ષ્મણજીએ જયારે ઇન્દ્રજીતનો વધ કર્યો ત્યારે તેનું માથું રામજીની પાસે જઈ પડ્યું ને તેનો એક હાથ એના મહેલમાં જઈને પડ્યો.ઇન્દ્રજીતની પત્ની સુલોચના સાધ્વી-સ્ત્રી હતી,તે શેષ-નાગની કન્યા હતી.અને પૂર્ણ સતી-ધર્મ પાળતી હતી.મહેલમાં જયારે સુલોચનાની સામે પતિનો કપાયેલો હાથ આવીને પડ્યો,ત્યારે પતિનો હાથ ઓળખતાં જ સતીને સત્ ચડ્યું,તેણે પતિના કપાયેલા હાથ આગળ કાગળ અને કલમ મૂકી પ્રાર્થના કરી કે-આપનું મરણ શાથી થયું ને આપનું મસ્તક ક્યાં છે તે કહો.!!કપાયેલા હાથે કલમ પકડીને લખ્યું કે-મને લક્ષ્મણે માર્યો છે ને મારું મસ્તક શ્રીરામ પાસે છે.

સુલોચાનાએ સતી થવાનો નિશ્ચય કર્યો,તે રાવણ પાસે ગઈ ને તેને ઇન્દ્રજીતનું મસ્તક લાવી આપવાનું કહ્યું.
ત્યારે રાવણે કહ્યું કે-તું જ એ રામની પાસથી લઇ આવ.
સુલોચના કહે છે કે-તમે મને શત્રુ પાસે મોકલો છે?ત્યાં મારી મર્યાદા કેમ રહેશે? 
ત્યારે રાવણ શ્રીરામનાં વખાણ કરતાં કહે છે કે-હું રામને ઓળખું છું,તે તને માતાની જેમ માનશે,તારું પુરુ 
માન સાચવશે,હું રામની સાથે વેર રાખું છું પણ તે મને શત્રુ માનતા નથી.માટે તું રામને શરણે જા.
તે તને જરૂર તારા પતિનું મસ્તક આપશે,તું સતી થવા માગે છે તો અગ્નિમાં પ્રવેશતાં પહેલાં,
એકવાર તું રામજીનાં દર્શન કરી લે.રામદર્શનથી તારું મૃત્યુ મંગલમય થશે.
શત્રુ (રાવણ) પણ જેનાં વખાણ કરે તે જ પરમાત્મા (શ્રીરામ) છે,તે જ પરમાત્મા સમાન છે.

સુલોચના શ્રીરામ પાસે આવી,શ્રીરામે પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી કે- તારા પતિને લક્ષ્મણે માર્યો 
અને મસ્તક મારી પાસે છે? સુલોચના કહે છે કે-મારા પતિના કપાયેલા હાથે લખીને મને તે વાત કહી છે.
શ્રીરામ કહે છે કે-ધન્ય,છે તને અને તારા પતિને!! પણ આસપાસ ઉભેલા સુગ્રીવ –વગેરેને આ વાત માનવામાં આવી નહિ,એટલે સુગ્રીવે કહ્યું કે-કપાયેલા હાથે લખ્યું એ વાત માનવામાં આવતી નથી,
પણ જો તમારા પતિ નું આ મસ્તક જો હસે તો અમે એ વાત સાચી માનીએ.

સુલોચનાએ કપાયેલા મસ્તકને કહ્યું કે-હે,પતિદેવ,રોજ તમે મને જોઈને હસતા હતા,તેમ અત્યારે હસો.
પણ મસ્તક હસ્યું નહિ,ત્યારે સુલોચના અકળાઈને બોલી-હે નાથ તમારું મરણ થશે એવી મને ખબર પડી હોત 
તો પાતાળમાંથી મારા પિતા-શેષનાગને તમારી મદદે બોલાવત. અને આ સાંભળી ઇન્દ્રજીતનું મસ્તક ખડખડાટ હસી પડ્યું.મસ્તક શાથી હસી પડ્યું તે સુલોચના કે બીજા કોઈને ય સમજાયું નહિ.

ત્યારે રામજીએ ખુલાસો કરતા કહ્યું કે-સુલોચના શેષનાગની પુત્રી છે,અને તેણે જે શેષનાગને બોલાવવાનું કહ્યું, 
તે શેષનાગ (લક્ષ્મણ) ના હાથે જ ઇન્દ્રજીતનું મરણ થયું છે.
લક્ષ્મણ પોતે શેષનાગનો અવતાર છે.ઇન્દ્રજીત આ જાણે છે એટલે તે હસ્યો.

લક્ષ્મણ-ઇન્દ્રજીતનું યુદ્ધ એ સસરા-જમાઈનું યુદ્ધ નહિ પણ બે પતિવ્રતા નારીઓ વચ્ચેનું યુદ્ધ પણ હતું.
લક્ષ્મણની પત્ની ઉર્મિલા અને ઇન્દ્રજીતની પત્ની સુલોચના વચ્ચેનું યુદ્ધ હતું.
તેમાં સુલોચનાની હાર થઇ.સુલોચાનાએ લક્ષ્મણજી ને કહ્યું કે-જીત તમારી નથી પણ તમારાં પત્ની 
ઉર્મિલાની છે.મારા પતિ અધર્મને પડખે રહ્યા,તેમણે પરસ્ત્રીમાં કુભાવ રાખનારને મદદ કરી,
તેથી તે હાર્યા અને ઉર્મિલાની જીત થઇ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE