Feb 8, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૩

હનુમાનજીએ તરત જ લક્ષ્મણજીને ફુલની જેમ ઉપાડ્યા,ને રામજીની પાસે લઇ ગયા.
રામજીની પાસે જતાં જ લક્ષ્મણજીના દેહમાંથી રાવણે મારેલી શક્તિની અસર નીકળી ગઈ.
અને લક્ષ્મણજી ભાનમાં આવી ગયા.રાવણની સામે હવે રામજી યુદ્ધે ચડ્યા.
શ્રીરામ પાસે તો કોઈ વાહન નહોતું,તેઓ પગે ચાલીને ઉઘાડા પગે રાવણની સામે જતા હતા,
તે જોઈ હનુમાનજીએ કહ્યું કે-રથમાં બેઠેલા રાવણની સામે તમે પગે ચાલીને જાઓ તે ઠીક નથી,વિષ્ણુ ભગવાન ગરુડ પર બેસીને જાય તેમ આપ મારા ખભે બિરાજો.

હનુમાનજીનો ભાવ જોઈને શ્રીરામ તેમના ખભા પર વિરાજ્યા.ને રાવણના રથ તરફ પ્રયાણ કર્યું.
રાવણ પણ હવે ભાનમાં આવી ગયો હતો,હનુમાનજી ને જોતાં જ –પહેલાં તેમને જ પુરા કરવા,તેણે 
બાણનો મારો ચલાવ્યો.અને હનુમાનજીને ઘાયલ કરી નાખ્યા.આ જોઈ રામજીને ક્રોધ ચડ્યો,તેમને તીક્ષ્ણ 
બાણો છોડીને,રાવણનો રથ ભાંગી નાખ્યો,એના આયુધોનો નાશ કર્યો,પછી,રાવણની છાતીમાં બાણોનો 
પ્રહાર કર્યો.રાવણનો મુગટ નીચે પડ્યો,તેના હાથમાંથી ધનુષ્ય પડી ગયું,ને એ નિસ્તેજ થઈને પડ્યો.

રાવણની આવી લાચાર હાલત જોઈ રામે તેના પરનું આક્રમણ થંભાવી દીધું અને કહ્યું કે-
આજે તું ખૂબ લડ્યો છે,તેથી થાક્યો હશે,માટે ઘેર જઈ આરામ કર,ફરીથી તાજો થઈને આવજે.
આ સાંભળી,રાવણ,રણભૂમિ પરથી ઉઠીને વીલે મોઢે લંકામાં ચાલ્યો ગયો.
રણ-ભૂમિમાં રાવણને જિંદગીમાં,હારનો આ પહેલી-વાર જ અનુભવ થયો.
અત્યાર સુધી તેના મનમાં ગર્વ હતો કે –કોઈ તેને હરાવી શકે નહિ,પણ હવે તો તેના મનમાં ડર પેઠો કે-
હરાવી તો શું? પણ મને મારી શકે તેવો નર પેદા થયો છે.
તે મનમાં ને મનમાં દુઃખી થયો કે-શું મે કરેલું ઘોર તપ અને તેનાથી મળેલું વરદાન નિષ્ફળ ગયું?
કે,જે નર અને વાનર ને હું તુચ્છ ગણતો હતો,પણ એ તુચ્છ લોકો આજે મને તુચ્છ ગણે છે.

“રાજનીતિ” કહે છે કે –શત્રુને મૂળમાંથી ઉખેડી નાખવો,અને જયારે એ ઢીલો પાડ્યો હોય ત્યારે તેને પુરો કરી નાખવો.પણ “રામ-નીતિ” તો અહીં જુદું જ કહે છે.તે તો દુશ્મન પર દયા કરવાનું કહે છે.
ઘવાયેલા રાવણને આરામ કરવા ઘેર જવાનું –જેવું રામે કહ્યું છે તેવું ઇતિહાસમાં બીજા કોઈ પુરુષે 
કહ્યું હોય તેવું બન્યું નથી.શ્રીરામ શત્રુ સાથે પણ સરળ છે,રાવણ પણ મનમાં રામની સ્તુતિ કરે છે કે-
આવો તો કોઈ જોયો નથી.આવાને હાથે મરવામાં પણ માન છે,મરવાની શોભા છે.

રાવણની અડધી સેનાનો નાશ થઇ ગયો હતો,રાવણે રાજસભા બોલાવી અને પશ્ન કર્યો કે- હવે શું કરવું?
વૃદ્ધ માલ્યવાને રાવણને સલાહ આપી કે-તું સીતાજીને લંકામાં લઇ આવ્યો ત્યારથી બધાની દશા બેઠી છે,
એટલે વેર છોડીને શ્રીરામના શરણે જા,એમાં જ તારું અને સૌનું કલ્યાણ છે,મને ખાતરી થઇ ગઈ છે કે-
રામ મનુષ્ય નથી પણ બ્રહ્મા અને શંકર જેને ભજે છે તે પરમાત્મા પોતે જ છે.ને સીતાજી જગદંબા છે.
રાવણ આ સાંભળી ગુસ્સે થયો,તેણે કહ્યું કે,દાદા,તમે ઘરડા થયા એટલે તમારી બુદ્ધિ પણ ઘરડી થઇ,
એટલે તમને ભય દેખાય છે,પણ શાણા માણસે રાજાને મજબૂત થવાની સલાહ આપવી જોઈએ,
બીકણ થવાની નહિ.ત્યાર પછી મેઘનાદે સભામાં કહ્યું કે –કાલે હું યુદ્ધ કરીશ,કાલે જો જો મારું પરાક્રમ !!

બીજે દિવસે ફરીથી યુદ્ધના હોકારા-પડકાર ચાલુ થયા.વાનરોએ શિલાઓથી મારો ચલાવ્યો.
ત્યારે મેઘનાદ આગળ આવ્યો અને પડકાર કર્યો કે-ક્યાં છે રામ-લક્ષ્મણ,નલ-નીલ,વિભીષણ? 
અને તેણે બાણનો મારો ચલાવ્યો,કેટલાયે વાનરો ધરાશયી થઇ ગયા,ત્યારે હનુમાનજી એ ગુસ્સામાં આવીને એક મોટો પહાડ મેઘનાદના રથ પર નાખ્યો,કે જેથી તેના રથના ચૂરે ચુરા થઇ ગયા.
મેઘનાદે હવે પોતાની રાક્ષસી-માયા બતાવવા માંડી,તેણે આકાશમાં ચડી ને અંગારા વરસાવવા માંડ્યા.
ત્યારે શ્રીરામે એક બાણ છોડી ને રાક્ષસી માયાનો નાશ કરી નાખ્યો,એટલે વાનરો ફરી જોરમાં આવી ગયા.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE