Feb 3, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૦

શંકર ભગવાન પાર્વતીને કહે છે કે-શ્રીરામ તણખલાને વજ્ર જેવા બનાવે છે,
ને વજ્રને તણખલું બનાવે છે,તે એમના દૂત (અંગદ) ની પ્રતિજ્ઞા કેમ ખોટી પડવા દે? 
અંગદે,વાણીથી,બળથી,ભયથી-વગેરે અનેક રીતે રાવણને સમજાવ્યો,પણ રાવણ સમજ્યો નહિ,
ત્યારે તેણે રાવણને કહ્યું કે-“રણક્ષેત્રમાં તને રમાડી રમાડીને મારું નહિ તો મારું નામ અંગદ નહીં” આમ કહી એ પાછો ફરી ગયો,ને રાવણ અને તેના યોદ્ધાઓ તેને જોતા જ રહી ગયા....

વળી એ રાતે મંદોદરીએ રાવણને સમજાવ્યો-કે-જેના દૂત આવા પરાક્રમી છે,તેને કેમ જીતી શકશો?
પણ રાવણે તેનું કંઈ કાને ધર્યું નહિ.ત્યારે મંદોદરી મનમાં બોલી-કાળ લાકડી લઈને કોઈને મારતો નથી,
પણ તે માણસની ધર્મ-બુદ્ધિને હરી લે છે,પછી માણસ,પોતે જ પોતાનો નાશ કરે છે.
આ બાજુ અંગદ જયારે છાવણીમાં પરત થયો,ત્યારે રામજીએ તેની ચતુરાઈ અને બહાદુરીની વાતો 
સાંભળી અને તે સાંભળીને ખૂબ પ્રસન્ન થયા,તેમની આંખમાંથી હર્ષનાં આંસુ આવ્યાં.

રાવણને જ્યારથી ખબર પડી હતી કે –રામ વાનર-સેના લઈને આવે છે,એટલે તે પોતાના જાસુસોને 
અવાર-નવાર મોકલી અને બધી માહિતી મેળવતો હતો.
શ્રીરામે સમુદ્ર પર સેતુ બાંધ્યો તે પહેલાં તેણે “શુક” નામના રાક્ષસને મોક્લેલો.
રાવણે જોઈ લીધું હતું કે-રામને વાનરોનું મોટું બળ છે,અને સુગ્રીવ એ વાનરોનો અધિપતિ છે.
એટલે તેણે વિચારેલું કે –જો સુગ્રીવને રામથી છૂટા પાડી દેવામાં આવે તો,રામનું બળ તૂટી જાય.
એટલે સુગ્રીવને ફોડવા,તેણે શુકને ભણાવીને મોક્લેલો.

શુક છુપે વેશે રામની છાવણીમાં ગયેલો પણ વાનરોએ તેને પકડી પાડ્યો,શુકને લાગ્યું કે પોતાનાં 
નાક-કાન કાપી નાખશે એટલે તે બોલ્યો કે-તમે મારાં નાક-કાન કાપો તો તમને રામના સોગંધ છે.
શ્રીરામનું નામ આવ્યું એટલે વાનરોના હાથ હેઠા પડ્યા,અને બાંધીને તેને સુગ્રીવની પાસે લઇ ગયા,
શુકને તો તે જ જોઈતું હતું-તેણે રાવણનો સંદેશો કહ્યો-કે-રાવણ આપના પર અત્યંત પ્રસન્ન છે,અને 
તેમણે કહેવડાવ્યું છે કે-આપ મોટા કુળમાં જન્મેલા અને બળવાન છો,હું તમને શત્રુ નહિ પણ ભાઈ સમાન ગણું છું,આપને મારી સાથે લડવાથી શો લાભ છે? મેં રામની સ્ત્રીનું અપહરણ કર્યું છે,તેમાં તમારું શું બગડ્યું છે કે 
–તમે રામને સાથ આપો છો?ને મારા જેવા મહાબળવાન રાજવી જોડે વેર બાંધો છો? 
સમજીને તમારી સેના લઇ પાછા વળી જાઓ,તો હું તમારું ખૂબ માન સાચવીશ” 

શુકની આવી વાત સાંભળી,સુગ્રીવને એવો ગુસ્સો ચડ્યો કે –તે શુકની ડોકી મરડી નાખે,પણ 
સ્વસ્થતા જાળવી એણે કહ્યું કે-રાવણને કહેજે કે હું તારો મિત્ર નથી અને મિત્ર થવા પણ માગતો નથી,
હું રામજીનો છું ને રામજીનો જ રહીશ.હું તારી દયા માગતો નથી અને તારા પર દયા કરવાનો પણ નથી,
તારે દયા જોઈતી હોય તો રામજીની પાસે માગ.

તે જ વખતે અંગદ ત્યાં આવી પહોંચ્યો,તેણે કહ્યું કે-આ દૂત નથી પણ છુપે વેશે આવ્યો છે માટે જાસૂસ છે,
તેને કેદ કરવો જોઈએ.અને એ જ ઘડીએ શુકને બાંધ્યો,ત્યારે શુકે,રામજીનું નામ લઇ બુમાબુમ કરી,
એ બૂમો રામજીના કાને પહોંચી,અને તેમને આજ્ઞા કરી કે- એ ભલે જાસૂસ હોય તેને છોડી મુકો.
વાનરોએ શુકને છોડી મુક્યો,શુકે જઈને રાવણને સુગ્રીવનો જવાબ સંભળાવ્યો,તે સાંભળી રાવણ બોલ્યો-
એનું મોત આવ્યું હોય તેમ લાગે છે,એને તો હું ચપટીમાં ચોળી નાખીશ.

આ પછી જયારે રામની સેના સમુદ્ર ઓળંગી લંકામાં આવી પહોંચી ત્યારે રાવણના દિલમાં ફફડાટ પેઠો,
વાનરો સમુદ્ર પર પુલ બાંધી શકે તે વાત જ તેના માન્યામાં આવતી નહોતી.
એવા તે કેવા બળવાન આ વાનરો હશે? રામની સેનામાં કેવા કેવા યોદ્ધાઓ છે?સેનાનું બળ કેવું છે?
સેનાપતિઓ કોણ છે?રામ-લક્ષ્મણમાં ખરેખર કેટલી તાકાત છે?સેનાની વ્યૂહ રચના કેવી છે ?
વગેરે જાણવા માટે તેણે પોતાના “સારણ” નામના પ્રધાનને આજ્ઞા કરી.

સારણ મહા-ચતુર હતો,તે વાનરનું રૂપ લઈને વાનર-સેનામાં ગુસી ગયો.ને માહિતી મેળવવા માંડ્યો.
ત્યાં વિભીષણની નજરે તે ચડી ગયો,ને વિભીષણે તેને જોતાં જ ઓળખી નાખ્યો.કે આ તો સારણ છે.
એટલે તરત તેને પકડી ને રામની સમક્ષ હાજર કર્યો.
સારણ કાંપવા લાગ્યો અને શ્રીરામની આગળ બે હાથ જોડીને સાચી વાત કહી દયાની યાચના કરી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE