Jan 11, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૩

પોતાના મોટા મોટા યોદ્ધાઓનો નાશ થયેલો સાંભળી,રાવણને ભયંકર ગુસ્સો ચડ્યો અને તેણે,પોતાના સેનાપતિ,જંબુમાલીને હુકમ કર્યો કે-જાઓ એ બંદરને પકડીને મારી આગળ લઇ આવો.સેનાપતિ રથમાં બેસી ઉપડ્યો,હનુમાનજી દરવાજા આગળ તૈયાર ઉભા હતા,
સેનાપતિના મારા સામે હનુમાનજી એ એવો પ્રતિકાર કર્યો કે,ઘડીકમાં તો તે સેનાપતિ ધૂળ ચાટતો થઇ ગયો.
પછી રાવણે સાત પ્રધાન-પુત્રોને મોકલ્યા,તે સાતે ને હનુમાનજી એ પુરા કર્યા,
ત્યાર બાદ પાંચ સેનાપતિઓને મોકલ્યા પણ તેમની યે તેવી જ દશા થઇ.હવે રાવણ ગભરાયો,તેણે સભામાં પડકાર કર્યો કે- છે કોઈ એ બંદર ને પકડી લાવનાર? બહાદુર  અક્ષયકુમાર તૈયાર થયો.તેણે બહાદુરીથી હનુમાનજીનો સામનો કર્યો,પણ છેવટે તો તેના પણ રામ રમી ગયા.

છેલ્લે રાવણે પોતાના પુત્ર ઇન્દ્રજીતને મોકલ્યો,બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું,
ઇન્દ્રજીતને લાગ્યું કે-આ બંદર જેવો જબરો છે તેવો જ ચપળ છે.એટલે તેને કેદ કરવાની યુક્તિ કરી,
તેમના પર બ્રહ્માસ્ત્ર છોડ્યું.હનુમાનજીએ વિચાર કર્યો કે-જો હું બ્રહ્માસ્ત્ર ને નહિ માનું તો પછી બ્રહ્માજીનો 
મહિમા નહિ રહે.એટલે તે બ્રહ્માસ્ત્રને વશ થઇ,તે બ્રહ્માસ્ત્રના લાગવાથી મૂર્છિત થયા.
ઇન્દ્રજીત તરત દોડી આવ્યો અને નાગ-પાશથી બાંધીને રાવણના દરબારમાં લઇ ગયો.

હનુમાનજી માનવીને જોતાં જ તેનાં લક્ષણો પામી જતા હતા.દરબારમાં બેસેલા રાવણને જોઈ,તે મનમાં કહે છે કે-આનામાં ઉત્તમ લક્ષણો છે,જો એક અધર્મ તેનામાં ના હોય તો એ દેવોનો પણ દેવ બની જાય!!!
હનુમાનજીને બંધાયેલા જોઈ રાક્ષસોના આનંદનો પાર રહ્યો નહિ.તેઓ નાચવા કુદવા લાગ્યા.
હનુમાનજીને પણ ગમ્મત થઇ,પોતે પોતાનું બંધન તોડી નાખવા સમર્થ હતા,પણ એ જાણી જોઈને બંધાઈ રહ્યા હતા.તે મનમાં વિચારે છે કે-આ પણ ઠીક થયું,આ બહાને રાવણની સભા જોવા મળી.

તેમણે જોયું તો રાવણની સભામાં દેવતાઓ પણ મોટી સંખ્યામાં હાથ જોડીને ઉભા હતા.
ભોગને છોડી ના શકનાર તે દેવોની દશા દયાજનક હતી.
રાવણની આંખો ગુસ્સાથી લાલચોળ થઇ હતી,તેણે પૂછ્યું -હે,બંદર,તું કોણ છે?ક્યાંથી આવ્યો છે?તું કોની આજ્ઞાથી મારી વાડીમાં પેઠો? ને મારી વાડી ઉજ્જડ કેમ કરી? મારા રાક્ષસોને કેમ માર્યા?તું ચોર છે.
શું તને રાવણનો ડર નથી ? શું તેં દશાનન રાવણની બહાદુરી સાંભળી નથી?

ત્યારે હનુમાનજીએ જવાબ આપ્યો કે-ચરાચરના સ્વામી શ્રીરામનો હું દૂત છું.
હું ચોર નથી પણ ખરો ચોર તો તું છે,તું સીતા-માતાજીને ચોરી લાવ્યો છે.
મેં તો માત્ર ભૂખ લાગી એટલે ફળ ખાધા છે,વાનરનો એ ખોરાક છે ને એ ખાવાનો તેનો અધિકાર પણ છે.
કુદાકુદ કરવી ને ઝાડ ભાંગવા-એ પણ વાનરનો સ્વભાવ છે,તું મારા સ્વભાવને બદલાવનું કહે તે પહેલાં તારા સ્વભાવને બદલ.તારા રાક્ષસો મને મારવા આવ્યા હતા,અને સ્વ-બચાવ કરવો તે ધર્મ છે,એટલે મેં તેમને માર્યા છે.હે,દશાનન,તું પૂછે છે કે-“મારી બહાદુરી,તેં નથી સાંભળી?”

તો તેના જવાબમાં હું કહું છું કે-રાજા સહસ્ત્રાર્જુને તને ફટકાર્યો હતો,બલિરાજાએ તને બાંધ્યો હતો,
અમારા વાલી-મહારાજે તને બગલમાં ઘાલ્યો હતો.સીતાજીના ધનુષ્ય-યજ્ઞમાં તું ધનુષ્ય નીચે ચંપાયો હતો.
એ બધી બહાદુરી હું અને આખું મલક જાણે છે.એટલે જ હું તને અહીં કહેવા આવ્યો છું કે-મદ-મોહ ત્યજીને સીતાજીને પાછી સોંપી દે,અને શ્રીરામની ક્ષમા માગ,હે,રાવણ હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે-શ્રીરામનો દ્રોહ કરનારને હજારો,શંકર,બ્રહ્મા કે વિષ્ણુ –બચાવી શકનાર નથી.માટે ડાહ્યો થઈને રામને ભજ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE