Dec 30, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૩

શ્રીરામ એ સૌ વાનરોને એક સાથે મળ્યા.ને પછી,એક એક વાનરને મળી તેમનું કુશળ પૂછ્યું.
તુલસીદાસજી કહે છે કે-પ્રભુની આ કંઈ મોટાઈ નથી,આ તો તેમનો સ્વભાવ છે.પ્રભુ સર્વ-વ્યાપક છે.વિશ્વ-રૂપ છે, 'યહ કછુ નહિં પ્રભુ અધિકાઈ,બિસ્વરૂપ બ્યાપક રઘુરાઈ.'
વાનરોની સભા એકઠી થઇ અને સુગ્રીવે,એક વાત સૌને સમજાવી દીધી કે-ચારે બાજુ જાઓ,
રાવણનાં ખાનગી નિવાસસ્થાનો ખોળી કાઢો,ને સીતાજીને ગમે ત્યાં રાખ્યાં હોય,તેની શોધ કરો,એક મહિનાની મુદત આપું છું,ભુલતા નહિ કે આ રામજીનું કામ છે.

અને તરત વાનરોની ટોળકીઓ નીકળી પડી સૌના અંતરમાં રામજીનું કામ કરવા નીકળ્યાનો ગર્વ હતો,.સૌ આને મોટું માન સમજતા હતા.અંગદ,નલ,નીલ,હનુમાન અને જાંબવાન-જેવા વીર ધીર અને બુદ્ધિશાળી વાનર મહારથીઓ પણ શ્રીરામનું કામ કરવા જવાને થનગની રહ્યા હતા.સુગ્રીવે તેમને બોલાવી જણાવ્યું કે-તમારે દક્ષિણ દિશામાં જવાનું છે,સીતાજીની શોધમાં મન,વચન અને કર્મથી આ એક જ કામમાં લાગી જજો.શ્રીરામ આપણા માલિક છે,તેમની સર્વ-ભાવે સેવા કરવાની છે,ને તેમાં જ દેહની સાર્થકતા છે.

સુગ્રીવની રજા લઇને સર્વ જવા નીકળ્યા ત્યારે,શ્રીરામે હનુમાનજીને પોતાની પાસે બોલાવ્યા,
ને તેમના મસ્તક પર હાથ પધરાવી,પોતાના હાથથી વીંટી ઉતારીને તેમના હાથમાં મૂકી.
શ્રીરામ જાણતા હતા કે,મારું કામ હનુમાનજીના હાથે જ થવાનું છે,તેથી તેમને વીંટી આપતાં કહ્યું કે-
સીતાજીને ધીરજ આપજો અને એમને મારા બળની અને વિરહ-વેદનાની વાત કરજો.અને કહેજો કે-
હું તમારા મનમાં છું અને તમે મારા મનમાં છો. જાઓ,કામ ફતેહ કરો.
શ્રીરામે પોતાના પર આટલો વિશ્વાસ પ્રગટ કર્યો તેથી હનુમાનજી કહે છે કે-મારો જન્મ સફળ થઇ ગયો.

વાનરો વનવગડા,નદી,સરોવરો પહાડો,ગુફાઓ-શોધતા ચાલી નીકયા.અંગદ અને હનુમાનની ટુકડી પણ 
દક્ષિણ દિશામાં આગળ વધતી હતી,રસ્તામાં કોઈ રાક્ષસનો ભેટો થઇ જાય તો અંગદ એક લપડાકથી જ તેને પુરો કરી નાખતો હતો,બીજા કોઈને લડવાની તક પણ ના આપતો.કારણ કે પોતે યુવરાજ હતો,અને ટોળીનો નાયક હતો તે પુરવાર કરવાની એક પણ તક તે જવા દેવા માગતો નહોતો.

એક વખત બધા ભૂખ-તરસથી પીડાતા હતા,પણ આજુબાજુ ક્યાંય પાણી નહોતું,તેવામાં તેમણે એક ગુફા જોઈ,કદાચ ગુફામાં પાણી મળશે એમ સમજી બધા ગુફામાં પેઠા.અંધારામાં બહુ દૂર સુધી ગયા,છેવટે,
થોડું અજવાળું જણાયું,ત્યાં જોયું તો નાના-મોટા તળાવો,ફળોથી લચી પડેલા વૃક્ષો, અને મહાલયો 
જોવામાં આવ્યા,બધાને ખૂબ જ આનંદ થયો.ત્યાં આગળ તેમણે એક તપસ્વિની,સ્વયં-પ્રભાને જોઈ.
હનુમાનજીએ પ્રણામ કરી,સર્વ હકીકત જણાવી અને ફળ તથા પાણી લેવાની આજ્ઞા માગી.
સ્વયં-પ્રભાને રામજી ના દૂતો ને મળીને ઘણો આનંદ થયો અને તેમણે રજા આપી.
વાનરો પણ ફળ અને પાણી થી રાજી થયા.

હનુમાનજીએ કહ્યું કે- માતાજી,અમે ભૂખ-તરસથી અધમૂવા થઇ ગયા હતા,આપે અમારો જાન બચાવ્યો,
આપના આ ઉપકારનો બદલો અમે કેવી રીતે વાળી શકીએ? તે કહો.
ત્યારે સ્વયં-પ્રભાએ કહ્યું કે-હું એક મુનિની પુત્રી છું અને આ બધો વૈભવ તો હેમા નામની અપ્સરાનો છે,
તેના વતી હું આ જમીન સાચવું છું અને તપશ્ચર્યા કરું છે,તમે અમારા આંગણે અતિથી તરીકે આવ્યા,
તેથી મને ઘણો આનંદ થયો,તમારા મનમાં આટલો ઉપકાર વસ્યો અને આટલું બોલ્યા તે જ ઘણું છે,
હું તમારા પર પ્રસન્ન છું,બોલો હું તમારી શી રીતે સેવા કરી શકું?

હનુમાનજી એ કહ્યું-અમે સીતાજીની શોધમાં નીકળ્યા છીએ,અને અહીંથી બહાર જવાનો રસ્તો ઘણો અટપટો છે,
કૃપા કરી અમને બહાર નીકળવાનો રસ્તો બતાવો.સ્વમ-પ્રભાએ કહ્યું કે- તમે અહીં આવ્યા તે જ નવાઈની વાત છે,અહીંથી નીકળવાનો માર્ગ ખરેખર દુષ્કર છે,પણ તમે શ્રીરામનું કામ કરવા નીકળ્યા છો,
એટલે તમે બધા આંખ મીંચી દો,હું તમને મારા યોગ બળથી બધાને ગુફાની બહાર મૂકી દઈશ.

બધા વાનરોએ આંખ મીંચી અને જેવી ફરીથી ખોલી ત્યારે બધા મહાસાગરને કિનારે પહોંચી ગયા.
એ પછી તો સ્વયં-પ્રભા શ્રીરામની પાસે પહોંચી ગઈ અને,તેમના ચરણમાં પ્રણામ કરી કહ્યું કે-
પ્રભુ આજે મારી તપસ્યા સફળ થઇ,આપનાં દર્શન થયા,હું આપની પાસે એટલું જ માગું કે મારી જીભ સદા આપના નામનો જપ કરતી રહે,અને એક ક્ષણ પણ આપને ભૂલું નહિ.પછી શ્રીરામે તે યોગિનીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી.પ્રભુની આજ્ઞા માની ને,યોગિની બદ્રિકાશ્રમ જઈને વસ્યાં.ને ત્યાં સતત રામ-નામનો જપ કરવા લાગ્યાં.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE