Dec 9, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૯

શબરીને શ્રીરામ કહે છે કે-ભક્તિ નવ પ્રકારની (નવધા-ભક્તિ) છે.
૧) પહેલી ભક્તિ -સત્સંગ છે,માટે સંતોનો સત્સંગ કરવો.
૨) બીજી ભક્તિ –મારી (પ્રભુની) કથાનું શ્રવણ છે,માટે ભાવથી મારી કથા સાંભળવી.
૩) ત્રીજી ભક્તિ-ગુરુચરણની સેવા છે.અભિમાન રહિત થઇ સેવા કરવી.


૪) ચોથી ભક્તિ-મારા (પ્રભુના) ગુણોનું ગાન છે.માટે નિર્મળ મનથી મારું ગુણ-કીર્તન કરવું.
૫) પાંચમી ભક્તિ-મારું (પ્રભુનું) નામ છે.માટે શ્રદ્ધા-ભાવે મારા નામનો જપ કરવો.
૬) છઠ્ઠી ભક્તિ-સદધર્મ પ્રત્યે રતિ-અને કર્મ પ્રત્યે વિરતિ,ઇન્દ્રિયદમન અને શીલનું સેવન છે.
૭) સાતમી ભક્તિ-સમભાવ છે.માટે સર્વ મારામાં ઓત-પ્રોત છે એમ જોવું.
૮) આઠમી ભક્તિ-સંતોષ છે,જે પ્રાપ્ત છે તેમાં સંતોષ અને પરદોષ જોવા નહિ.
૯) નવમી ભક્તિ-નિષ્કપટતા છે.હૃદયમાં દૃઢ શ્રદ્ધા રાખવી અને હર્ષ-શોક કરવો નહિ.
આ નવમાંથી કોઈ એક પણ ભક્તિ જો હોય તો તે મને અતિ-પ્રિય છે.

આ સાંભળી શબરી તો વિચારમાં પડી ગઈ,કે –હું તો અજ્ઞાન અબળા છું,મારામાં આવી ભક્તિ હોય ખરી?
ત્યારે શ્રીરામ તેના મનની વાત કળી જઈ ને કહ્યું કે-હે,શબરી,તારામાં તો આ નવે પ્રકારની ભક્તિ દૃઢ છે,
એટલે જે ગતિ યોગીઓને પણ દુર્લભ છે,તે તારા માટે સુલભ છે.
શ્રીરામ અહીં શબરીને, યોગીઓથી પણ અધિક ગણે છે.

અહીં જો વિચારવામાં આવે તો-શ્રીરામ શબરીને દશ વાનાં છોડીને ભક્તિનાં નવ-વાનાં પકડવાનું કહે છે.
એટલે એમ પણ કહી શકાય - કે દશને છોડ અને નવને પકડ.
(દશ વાનાં તે-જાતિ,પાંતિ,કુળ,ધર્મ,વડાઈ,ધન,બળ,પરિજન,ગુણ અને ચતુરાઈ)
દશને છોડીને નવ કોણ પકડે? કોઈ વેપારી તો કહેશે કે-ખોટનો ધંધો છે.
ગણિત શાસ્ત્રી કહેશે કે-દશ કરતાં નવ વધારે છે એમ કહેવું એ મૂર્ખાઈ છે.
પણ અહીં પ્રભુ કહે છે કે-દશ ખોટા છે ને નવ સાચા છે.

પણ જો કોઈને પૂછવામાં આવે કે-
-મોટામાં મોટો –એક-સંખ્યાનો આંકડો કયો? તો કહેશે- ૯ (નવ)
-મોટામાં મોટો –બે-સંખ્યાનો આંકડો કયો? તો કહેશે કે-૯૯ (નવ્વાણું)
આમ નવ નો આંક એ-- એક અને બે સંખ્યામાં મોટામાં મોટો છે તે બતાવે છે કે-તે મોટો છે.
તો દશ (૧૦) શું છે?
દશ એટલે સહુથી નાનામાં નાનો અંક-૧-એક-અને જેની કશી કિંમત નથી તે શૂન્ય (૦)
એ બંને ભેગા મળીને -૧૦-(દશ) બન્યો છે.અને તેણે-૯-(નવ) ને હરાવ્યો છે.

પ્રચંડ અને પ્રબળ-જાતિ-પાંતિ-વગેરે દશ વાનાં એ પોતાનું મુલ્ય વધારવા માગે છે,
પણ તેમણે (૦) શૂન્યનો આશરો લીધો છે.પણ વસ્તુત તેનું (જાતિ-પાંતિ વગેરેનું) કોઈ મુલ્ય નથી.
એટલે નવ એ દશ કરતાં વધારે છે-એમ અહીં કહેવા માગે છે !!!!!

શબરીના મનમાં એવી ભાવના હતી કે –હુ ભગવાનને ભોગ ધરું અને મારા હાથે મારા દેખાતાં ભગવાન આરોગે.એટલે પડિયામાં બોર અર્પણ કરે છે.અતિ-પ્રેમમાં શબરીને કશું ભાન રહ્યું નથી.
પ્રભુને કદાચ ખાટું બોર ખાવામાં ના આવી જાય તેની બીકે તે પ્રત્યેક બોર ચાખી ચાખી ને આપે છે.
અને ભગવાન શબરીના એંઠાં બોર હસીહસીને આરોગે છે,અને બોરનાં તથા શબરીની ભક્તિનાં વખાણ 
કરે છે.ભગવાન શબરીનો મેલોઘેલો વેશ કે તેનો બહારના દુર્બળ શરીરને જોતા નથી,પણ શબરીનો ભાવ 
જુએ છે,અને પ્રસન્ન થઈને એઠાં બોર આરોગે છે."સબસે ઉંચી પ્રેમ-સગાઇ"


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE