Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૩૪


શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

ચિંતા,ખેદ,હર્ષ વગેરે અને ઈચ્છા-કામના વગેરે-આ મનોમય કોશ ની વૃત્તિઓ છે.
આ મન વડે જ વિચાર ઉદ્ભવે છે અને મન સંકલ્પ-વિકલ્પ કરે છે.અને પછી બહાર તેનું ફળ ઈચ્છે છે.
આમ મન જ યત્ન કરે છે,કર્મ કરે છે,અને તેનાં ફળ ભોગવે છે.સર્વ નું કારણ એ મન જ છે. (૩૫૬)

મન જ જીવ ને અંદર-બહાર દોરી જાય છે,અને મન વડે જ જીવ સર્વ પદાર્થો ને જાણે છે.વળી,
આ મનથી જીવ સાંભળે છે,સુંઘે છે,બોલે છે,અડકે છે,ખાય છે ને બધું કરે છે. (૩૫૭)

મન ને લીધે જ મનુષ્યો ને બંધન અને મોક્ષ થાય છે,તેમ જ મનથી જ અર્થ અને અનર્થ પ્રાપ્ત થાય છે.
શુદ્ધ મનથી મોક્ષ પ્રાપ્ત થાય છે,અને મલિન મન થી અવિવેક થતાં બંધન થાય છે. (૩૫૮)

આ મન જયારે રજોગુણ અને તમોગુણ થી યુક્ત બને છે,ત્યારે મલિન અને અશુદ્ધ થઇ,કેવળ અજ્ઞાનથી જન્મેલું જ બની જાય છે,
વળી તમોગુણ ના દોષ થી યુક્ત થવાને લીધે,તે મન જડતા,મોહ,આળસ અને પ્રમાદ થી સત્ વસ્તુ ને જાણતું  નથી,અને પદાર્થો નું વાસ્તવિક તત્વ મળતું હોય તો પણ તે તમોગુણી-મન તેને સમજતું નથી.
તે જ રીતે જયારે મન કેવળ રજોગુણ ના દોષ થી યુક્ત થાય છે,ત્યારે સન્માર્ગ થી વિરુદ્ધ જય છે,અને
આડા-અવળા ખેંચી જતા કામ-વગેરે ને લીધે જીવ ને હેરાન કરે છે.
જેમ,પ્રબળ વાયુ થી દીવો ડોલવા લાગે છે,અને તેનો મહિમા નાશ પામે છે.
તેમ, મન-રૂપી દીવો,સૂક્ષ્મ પદાર્થો નું જ્ઞાન કરાવનારો હોવાં છતાં,અતિશય ભમવા લાગે છે,
અને તેનો મહિમા નાશ પામે છે.  (૩૫૯-૩૬૦)

માટે મુમુક્ષુએ સંસાર-રૂપ બંધન થી છૂટી જવા સારું,મન ને રજોગુણ,તમોગુણ અને તેનાં કાર્યો થી છુટું પાડી,કાળજીથી શુદ્ધ સત્વગુણમય અને તેના પર જ પ્રીતિવાળું કરવું જોઈએ.(૩૬૧)

સારી બુદ્ધિ-વાળા મનુષ્યે,ગર્ભાવાસ,જન્મ,મૃત્યુ,રોગ-વગેરેનો અને નરકમાં પ્રાણીઓ ને જે દુઃખ દેવાય છે,
તેનો વારંવાર  વિચાર કરવો,સર્વ વિષયો ને દોષ-રૂપે જ જોવા,અને સર્વ પ્રકારની આશા નો ત્યાગ કરવો.પછી,ચિત્ત-રૂપ ગાંઠ ને છોડી નાખવા સત્વ-ગુણ નો આશ્રય લેવો. (૩૬૨)

જે વિવેકી મનુષ્ય,યમો તથા નિયમોમાં કાળજીથી તત્પર રહે છે,તેનું ચિત્ત પ્રસન્નતા ને પામે છે. (૩૬૩)

જે મનુષ્ય આસુરી સંપત્તિ નો ત્યાગ કરી,કેવળ મોક્ષ ની ઈચ્છા થી દૈવી સંપત્તિ ને સેવે છે,
તેનું ચિત્ત નિત્ય પ્રસન્ન (નિર્મળ) રહે છે. (૩૬૪)

પારકું દ્રવ્ય,પારકો દ્રોહ,પારકી નિંદા,અને પારકી સ્ત્રીઓ તરફ જેનું મન જતું નથી,
તેનું ચિત્ત નિર્મળ થાય છે.  (૩૬૫)

જે મનુષ્ય વિવેક થી એમ જુએ છે કે-“પોતાની પેઠે જ સર્વ પ્રાણીઓ ને સુખ-દુઃખ સરખાં થાય છે”
તેનું ચિત્ત નિર્મળ થાય છે.  (૩૬૬)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE