Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮૦

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

વિપરીત ‘વસ્તુ-બુદ્ધિ’,જ્યાં સુધી સંપૂર્ણ દૂર ના થાય,અને આત્મસાક્ષાત્કાર (અસ્ખલિત સ્વરૂપની સ્ફૂર્તિ)
બરાબર સિદ્ધ ન થાય,ત્યાં સુધી મોક્ષને ઇચ્છતા વિદ્વાન મનુષ્યે,પૂર્વે બતાવેલી છ યે સમાધિમાં જ
નિરંતર સમય ગાળવો,તેમાં પ્રમાદ ના કરવો,કારણકે જો પ્રમાદ કરાય તો,
નિંદ્રા માં જેમ અંધારું પ્રગટ થાય છે તેમ,માયા પ્રગટી નીકળે છે. (૯૦૧-૯૦૨)

માટે વિદ્વાનો,સ્વાનુભવ (આત્માનુસંધાન) વિના એક ક્ષણ પણ રહેતા નથી.
કેમ કે તેમના માટે-સ્વાનુભવ માં પ્રમાદ,એ મૃત્યુ-રૂપ છે,બીજો કોઈ યમ નથી. (૯૦૩)

જે મનુષ્ય આ સમાધિ માટે પ્રયાસ કરે છે,તેને સંકલ્પ- વિકલ્પ (ભેદ દૃષ્ટિ) કદી થાય જ નહિ.
“આ સર્વ કેવળ આત્મા જ છે” એવો સર્વાત્મ-ભાવ આ સમાધિથી જ સિદ્ધ થાય છે.
અને સર્વાત્મ-ભાવ એ જ કેવલપણું  (કૈવલ્ય-સ્થિતિ) છે. (૯૦૪)

સર્વ માં સમ-ભાવ એ જ જ્ઞાની ની બ્રહ્મ-વિદ્યા નું ફળ છે,અને આત્મ-સ્વરૂપના આનંદ નો અનુભવ,
એ જ જીવન-મુક્ત નું ફળ છે, એમ અનુભવીઓ કહે છે.  (૯૦૫)

મિથ્યા વસ્તુઓ પર ‘હું અને મારું’ –વગેરે ભાવનાને જે ગ્રહણ કરાવે છે,એ જ વાસનામય ગ્રંથિ(ગાંઠ) છે.
તે અને કર્મ-બંધ એ બંને સમાધિ થી નાશ પામે છે,તેમ જ ‘બ્રહ્મ એ આત્મા છે અને આત્મા એજ બ્રહ્મ છે’
આવું અસ્ખલિત જ્ઞાન સમાધિ થી જ થાય છે. (૯૦૬)

શુદ્ધ અંતઃકરણ વાળા મુમુક્ષુ એ એક સત્ વસ્તુનું જ બધે દર્શન કરવું.
એ જ મુક્તિનો તથા બ્રહ્મ-સ્વરૂપ સ્થિતિનો નિષ્કંટક માર્ગ છે.  (૯૦૭)

માટે હે શિષ્ય,તું અપ્રમાદી થઇ ઉપર દર્શાવેલી સમાધિઓ કાર,અને વાસનામય ગાંઠ બાળી નાંખી,
બ્રહ્મ-સ્વરૂપ માં જોડાઈ જા,પછી બ્રહ્માનંદ અમૃત ના સમુદ્રમાં મગ્ન થઇ,
નિત્ય ક્રીડા કરતો,આનંદી થઇ રમ્યા કર. (૯૦૮)

આત્મ-સ્વરૂપમાં નિશ્ચળતા-રૂપ,લક્ષણવાળી જે વૃત્તિ છે-એ જ નિર્વિકલ્પ સમાધિ છે.
અને એને જ યોગશાસ્ત્ર નો અર્થ જાણનારા વિદ્વાનો “યોગ” કહે છે. (૯૦૯)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE