Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૪૪

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

શિષ્ય નો પ્રશ્ન.

હે પ્રભુ,પ્રત્યગાત્મા (આત્મા) તો ઇન્દ્રિય નો વિષય છે જ નહિ,
છતાં તેમાં ભ્રાંતિ થી અનાત્મા-દેહાદિ નો આરોપ કેવી રીતે થાય છે?
જે વસ્તુ નજર આગળ દેખાયેલી હોય છે,તેમાં જ ભ્રાંતિ થી કોઈ બીજી વસ્તુ નો લોકો આરોપ કરે છે.
છીપ-દોરડી માં આપણે જોઈએ છીએ કે તેમાં રૂપું-સાપ વગેરે ની સમાનતા રહેલી છે,
તેના કારણે પહેલા જોયેલું રૂપું-સાપ તેને યાદ આવે છે,
અને તેને છીપ-દોરડીમાં,રૂપા-સાપ નો આભાસ થઇ જાય છે.
આવો અધ્યાસ (આરોપ-ભ્રમણા),ઇન્દ્રિયાદિ નો અવિષય,
પૂર્વે નહિ જોયેલા કે અનુભવેલા,આત્મા માં કેવી રીતે થાય છે? (૪૬૬-૪૬૮)

આત્મા ને જે કોઈએ કદી પણ અનુભવ્યો ના હોય,તો એ નહિ અનુભવેલી વસ્તુ ની સમાનતા એનાથી વિલક્ષણ (જુદા) અનાત્મા (દેહાદિ) માં કેવી રીતે સિદ્ધ થાય? (૪૨૯)

આમ છતાં અનાત્મા માં આત્મા-પણા નો આ અધ્યાસ કેવી રીતે આવ્યો છે?અને
તેની નિવૃત્તિ કયા ઉપાય થી થઇ શકે? (૪૭૦)

વળી,ઈશ્વર અને જીવ-બંને ને ઉપાધિ નો સંબંધ તો એક-સરખો છે,છતાં જીવ ને જ કેમ બંધન થાય છે?
ઈશ્વર ને બંધન કેમ નથી? (૪૭૧)

હે દયાના ભંડાર,હે સર્વજ્ઞ ગુરુદેવ,આ બધું આપ દયા-દ્રષ્ટિથી,
હાથમાં રહેલાં આમળાં (જેમ જોઈ શકીએ છીએ) ની પેઠે સ્પષ્ટ સમજાવો. (૪૭૨)

ગુરૂ નો ઉત્તર

આ આત્મા અવયવ-વાળો નથી અને કોઈનો (ઇન્દ્રિયો નો) વિષય નથી,(એ વાત સાચી છે),
છતાં,એ આત્મા “હું” એવા “જ્ઞાન” નો “વિષય” છે. અને તે આત્મા પરોક્ષ નથી પણ પ્રત્યક્ષ જ છે.
તેથી,સર્વ માં અને સર્વ સ્થળે તેની સિદ્ધિ (સિદ્ધતા) તો અવશ્ય છે જ.પણ તે કોઈના જોવામાં આવતો નથી.“હું” છું.એવું આત્મા વિશેનું  જ્ઞાન નથી –એમ તો નથી જ (પરંતુ છે જ) (૪૭૩-૪૭૪)

કોઈ પણ મનુષ્ય પોતાની હયાતીમાં પ્રમાણ ઇચ્છતો જ નથી,
ઉલટું,પ્રત્યક્ષ-વગેરે (જે દેખાય છે તે) પ્રમાણો નું “પ્રમાણ” એ આત્મા ને લીધે જ છે.
(એટલે કે આત્મા એ જ સર્વ પ્રત્યક્ષ દેખાતાં પ્રમાણો નું પ્રમાણ છે)
આ સત્ય મનુષ્ય ને જાતે સમજાવું  જોઈએ. (૪૭૫)

જેમ સૂર્ય મેઘ-મંડળ થી ઢંકાઈ જાય છે,ત્યારે તે અનુભવાતો નથી,
તેમ,આ આત્મા,માયા ના કાર્ય-રૂપ અહંકાર-વગેરેથી,ઢંકાઈ ગયો છે,તેથી તે અનુભવાતો નથી.(૪૭૬)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE