Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૩૧

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આ જ “શુદ્ધ ચૈતન્ય” એ જ “તત્વમસિ” (મહા વાક્ય) કહેવાય છે.પણ,
--તે જયારે માયા અને અજ્ઞાન તથા તેના ગુણોથી અલગ ના હોય ત્યારે તે
  “તત્વમસિ” નો “વાચ્યાર્થ” ઈશ્વર અને જીવ (આત્મા-પરમાત્મા) કહેવાય છે, અને જયારે,
--તે “શુદ્ધ ચૈતન્ય” એ ઉપાધિ ઓ થી જયારે અલગ થાય છે,ત્યારે તે,
   “તત્વમસિ” નો “લક્ષ્યાર્થ” એ “શુદ્ધ ચૈતન્ય” કહેવાય છે.  (૩૨૯)

“માયારૂપ ઉપાધિ” વાળા “ઈશ્વર” અનંત શક્તિઓથી (માયા=શક્તિ) યુક્ત છે,અને તે,કેવળ,
દૃષ્ટિ (જોવા) માત્રથી જ આ સ્થાવર-જંગમ જગતને ઉત્પન્ન કરે છે. (૩૩૦)

એ “ઈશ્વર” કેવળ “આત્મ-સ્વ-રૂપ” જ છે, તેમનું કોઈ “ઉપાદાન કારણ” નથી, અથવા તો-
જગત-રચના માં તેમની પાસે કોઈ “ઉપાદાન-કારણ” નથી.
“તેમ છતાં તે પોતે જ સર્વ જગતને કઈ રીતે સરજે છે?”  - એવી શંકા કરવી નહિ,
કેમકે,એ પ્રભુ પોતે જ “નિમિત્ત અને ઉપાદાન કારણ” થઇ,
સ્થાવર-જંગમ જગતને સરજે છે,રક્ષે છે,અને સંહારે છે.(ઉત્પત્તિ-સ્થિતિ-લય)  (૩૩૧-૩૩૨)

“પોતાની મુખ્યતા” ને કારણે, એ “ઈશ્વર” જગત નું “નિમિત્ત કારણ” છે, અને
“ઉપાધિ (માયા) ની મુખ્યતા” (કારણ શરીર) ને કારણે,એ જ “ઈશ્વર” “ઉપાદાન કારણ” પણ છે.
જેમ,કરોળિયો “પોતાની મુખ્યતા” ને કારણે,જાળાં નું નિમિત્ત કારણ છે,અને
“પોતાના શરીર” ને કારણે તે જાળાં નું ઉપાદાન કારણ પણ છે.
તેમ,ઈશ્વર (આગળ જણાવ્યા મુજબ) જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ છે. (૩૩૩-૩૩૪)

ઈશ્વરની સૃષ્ટિ-“સૂક્ષ્મપ્રપંચ”

“તમોગુણ ની મુખ્યતાવાળી પ્રકૃતિ”  થી યુક્ત થયેલા,
--પરમાત્મા (ઈશ્વર) થી “આકાશ” થયું,આકાશ થી વાયુ,વાયુ થી અગ્નિ,અગ્નિ થી જળ અને જળ થી પૃથ્વી
  એ “ક્રમ” થી,પંચ-મહાભૂતો ની ઉત્પત્તિ થઇ.
--આ નું  (ભૂતોનું) “કારણ” ઈશ્વરની “શક્તિ” (પ્રકૃતિ-માયા) કે જે તમોગુણ ની મુખ્યતાવાળી છે.
   કારણ કે તેના “કાર્ય” માં જડતા દેખાય છે. અને
--એવો ન્યાય છે કે-જેઓ “કાર્ય”ના (અહીં પંચ મહાભૂતો) ગુણો આરંભે છે તે “કારણ”ના જ ગુણો હોય છે.
--આ ભૂતો (પંચ-મહાભૂતો)  “સૂક્ષ્મ-ભૂત” અથવા “ભૂતો ની તન્માત્રાઓ” પણ કહેવાય છે. (૩૩૫-૩૩૭)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE