Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૦

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

‘આ બધું હું જ છું’ એમ સર્વ ને જે આત્મારૂપે જુએ અને જાણે,તેણે કોનાથી ભય થાય?
પોતાથી પોતાને કદી ભય હોય નહિ. (૭૮૩)

માટે તું નિર્ભય,નિત્ય,કેવળ આનંદ-રૂપ લક્ષણ-વાળો,અવયવરહિત,ક્રિયારહિત,શાંત  અને
અદ્વય (બીજા પદાર્થ થી રહિત) બ્રહ્મ જ છે. (૭૮૪)

જે જ્ઞાતા,જ્ઞાન અને જ્ઞેય-એ ભેદો થી રહિત છે,જે જ્ઞાતા થી જુદું નથી,અખંડ જ્ઞાન-રૂપ છે,અને
જ્ઞેય-અજ્ઞેય પણું –વગેરે ધર્મો થી રહિત છે,શુદ્ધ અને બુદ્ધ છે –તે જ તું તત્વ છે, (૭૮૫)

જે અંતઃપ્રજ્ઞ -આદિ ભેદો થી રહિત છે,માત્ર દર્શન-રૂપ અને સત્તા-સ્વરૂપ છે,સમાન-એક જ રસવાળું,
અને એક જ છે-તે શુદ્ધ અને બુદ્ધ તત્વ તું છે.   (૭૮૬)

જે સર્વ આકાર-રૂપ,સર્વ સ્વ-રૂપ,સર્વથી રહિત,સર્વ નિષેધો ના અવધિરૂપ,સત્ય,સનાતન,એક,
અનંત,શુદ્ધ અને બુદ્ધ તત્વ છે તે તું છે. (૭૮૭)

નિત્ય આનંદરૂપ,અખંડ,એકરસવાળું,અવયવરહિત,ક્રિયાશૂન્ય,નિર્વિકાર,પ્રત્યકરૂપે જુદું નહિ,સર્વશ્રેષ્ઠ,
અવ્યક્ત,શુદ્ધ,અને બુદ્ધ એવું જે તત્વ છે,તે તું છે. (૭૮૮)

સમગ્ર વિશેષો અથવા વિભાગો જેમાં દૂર થયા છે,અને જે આકાશની પેઠે અંદર ને બહાર પણ પૂર્ણ છે,
તે અદ્વૈત પરમબ્રહ્મ તું છે,તું જ એ શુદ્ધ બુદ્ધ તત્વ છે. (૭૮૯)

‘હું જ બ્રહ્મ છું,હું જ નિર્વિકલ્પ (ભેદ રહિત)તથા સતવાદી ગુણો થી રહિત બ્રહ્મ છું.’
આવી અખંડ વૃત્તિ –થી એ નિષ્ક્રિય બ્રહ્મ માં તું  સ્થિતિ કર. (૭૯૦)

આ જ અખંડ વૃત્તિ –પરમાનંદ ની લહેરો સાથે જોડનારી,દ્વિત જ્ઞાનનો વિનાશ કરનારી,અને નિર્મળ છે.
તેને છોડ્યા વિના અનુપમ સુખ-સ્વરૂપ અને પરબ્રહ્મ એવા પોતાના આત્મામાં તું રમણ કર.
અને આ સુખમય વૃત્તિમાં રહી,પ્રારબ્ધ કર્મ ને ખપાવી નાખ. (૭૯૧)

હે,મુનિ,હે,વિદ્વાન,બ્રહ્માનંદ ના રસ નો સ્વાદ લેવામાં જ તત્પર-
એવા ચિત્ત થી તું સદાકાળ સમાધિનિષ્ઠ રહે. (૭૯૨)

શિષ્ય નો પ્રશ્ન
આ અખંડ વૃત્તિ ‘તત્વમસિ’ આદિ વાક્યોનો માત્ર અર્થ સાંભળવાથી જ થાય છે,
તે સાંભળ્યા પછી,સાંભળનારને બીજી ક્રિયા કરવાની જરૂર રહે છે?
સમાધિ એ શું છે?તે કેટલા પ્રકારની છે?તેને સિદ્ધ કરવાનું સાધન કયું? અને એ સમાધિ સિદ્ધ કરતાં
કયાં વિઘ્નો આવે છે? આ બધું મને સમજાવો. (૭૯૩-૭૯૪)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE