Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૭

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

હું આદિમાં “હોનાર” છું,હું અનાદિ કાળનો છું,હું વાણી અને મનથી સધાતી હરકોઈ વસ્તુરૂપ છું,
વેદ ના વચનો થી જાણવા યોગ્ય વસ્તુ હું છું,હું જાણેલું અને નહિ જાણેલું-એ બંને થી જુદો છું,
માયા અને તેનાં કાર્યોના લેશથી પણ રહિત છું,કેવળ દ્રષ્ટા-રૂપ છું,હું જ્ઞાન-સ્વરૂપ છું,અને
હું કેવળ એક જ વાર પ્રકાશેલો છું. (૮૬૭-૮૬૮)

હું અપર (સર્વથી જુદો)છું અને અન-અપર (સર્વ થી જુદો નહિ તેવો) પણ છું,
હું બહાર અને અંદર પૂર્ણ જ છું,હું અજર (ઘડપણ વિનાનો) છું, હું અક્ષર (અવિનાશી) છું,
હું નિત્ય આનંદ સ્વરૂપ છું,અને હું અદ્વિતીય –એક- જ છું. (૮૬૯)

જે ‘પ્રત્યક’  (દરેકમાં વ્યાપેલા) તત્વ થી જુદું નથી,અખંડ છે,સત્ય-જ્ઞાન આદિ લક્ષણ વાળું છે,
શુદ્ધ છે,શ્રુતિ દ્વારા જાણી શકાય છે ને ‘સત્ય’ છે,તે પરમ જ્યોતિ ‘બ્રહ્મ’ હું જ છું. (૮૭૦)

એમ માત્ર ‘સત્’ વસ્તુમાં પ્રવેશેલી વૃત્તિ વડે,માત્ર એ ‘સત્’ વસ્તુ ને જ ગ્રહણ કરાવનારા –“શબ્દો” દ્વારા,
યતિએ ઉત્તમ પ્રકારે પ્રાપ્ત થયેલી,વસ્તુ (સત્ય) નું નિશ્ચળ થઈને ધ્યાન ધરવું. (૮૭૧)

કામાદિ દૃશ્ય ભાવો નો લય કરવાપૂર્વક હું શુદ્ધ છું” ઈત્યાદિ-પૂર્વોક્ત “શબ્દો” સાથે,
દ્રષ્ટા-આત્મામાં જ સ્થિતિવાળા પુરુષ નો એવો જે ભાવ છે,
તેને શબ્દાનુવિદ્ધ -સવિકલ્પ-સમાધિ  કહેલ છે, (૮૭૨)

નિર્વિકલ્પ સમાધિ
આત્મા-જ  દૃશ્ય પદાર્થો નો સાક્ષી છે,એવા ભાવ-પૂર્વક –એ દૃશ્ય-પદાર્થો ને આત્મામાં જ લય કરી દઈ,
અને દૃશ્ય પદાર્થો તરફ જતી અટકાવનારી મન ની જે અવસ્થા છે તે નિર્વિકલ્પ-સમાધિ કહેવાય છે (૮૭૩)

જે મનુષ્ય લાંબા કાળ સુધી સંસ્કાર-પૂર્વક નિરંતર સવિકલ્પ સમાધિ નો અભ્યાસ કરે છે,
તેને નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થાય છે.  (૮૭૪)

જે મનુષ્ય નિર્વિકલ્પ સમાધિમાં નિષ્ઠા-પૂર્વક રહે છે,તેની અવશ્ય ‘નિત્યતા’ થાય છે,
તેનાં જન્મ-વગેરે જતાં રહે છે,અને તેને અસ્ખલિત,નિત્ય,નિશ્ચલ,અનંત શાંતિ પ્રાપ્ત થાય છે. (૮૭૫)

એ નિર્વિકલ્પ સમાધિમાં આરૂઢ થયેલાને ‘હું વિદ્વાન છું કે હું જગતરૂપ છું’ એવો કોઈ પણ પ્રકારનો,
બહારનો કે અંદરનો અનુભવ રહેતો નથી,એવો કોઈક જ પુરુષ આત્મા ના આનંદ-રૂપ,અમૃત-સાગર માં
મગ્ન થઈને અનન્ય (કેવળ આત્મા સ્વરૂપે) શાંત-મૂંગો બેસી રહે છે. (૮૭૬)

જેઓ નિર્વિકલ્પ પરબ્રહ્મ માં જ સ્થિતિવાળા હોઈ નિર્વિકલ્પ સમાધિમાં જ આરૂઢ થયા હોય છે,
તેઓ ખરેખર ‘ધન્ય’ છે,તેઓ બાહ્યદ્રષ્ટિવાળાઓની -નજરે જીવતા હોવા છતાં મુક્ત જ છે. (૮૭૭)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE