Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૮


શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર
ધનવાન ને રાજાથી ભય,ચોરથી ભય,કોઈ ગફલત થઇ જાય તેનો ભય,અને સગાંસંબંધીઓથી પણ ભય રહે છે,આમ ખરું જોવા જાઓ તો ધન એ ભય થી જ ઘેરાયેલું હોવાથી,અનર્થો નું મૂળ છે.
અને તેથી જ તે સુખ આપવાને સમર્થ થતું નથી.  (૭૧)

ધન કમાવવામાં.પછી તે ધન ને સાચવવામાં,આપવામાં અને ખર્ચવામાં દુઃખ જ થાય છે.
એટલે ખરી રીતે ધન એ દુઃખ જ છે,સુખ નું સાધન છે જ નહિ. (૭૨)

સજ્જનો ને પણ કોઈ પદાર્થ નો લાભ થવાથી, લોભ વધે છે,અને લોભ વધવાથી વિવેક નાશ પામે છે,
અને વિવેક નાશ પામતા મનુષ્ય પોતે જ નાશ પામે છે. (૭૩)

ધન મળે નહિ તો મનુષ્ય ને નિર્ધનતા બાળે છે,અને ધન મળે તો લોભ બાળે છે,
માટે આમ ધન સંતાપ ઉપજાવનારું જ છે.તે કોને સુખ આપે છે? (કોઈને નહિ)  (૭૪)

ધન ભોગવવાથી મનુષ્ય મદોન્મત બને છે,અને તે જો થોડા ધન નું દાન કરે તો પણ,
દાન (સત્કર્મ) કરવાથી, ફરી સંસારમાં સારા કુળમાં પણ જન્મ તો લેવો જ પડે છે,
એમ દાન અથવા ભોગ બંને પ્રકારે ધન નકામું જ છે.એને બીજી કોઈ ગતિ તો છે જ નહિ (૭૫)

ધનથી અભિમાન વધે,અને અભિમાન વધવાથી સ્મરણ (હું કોણ છું?.શા માટે જન્મ્યો છું?) નાશ પામે,
સ્મરણ નો નાશ થતાં બુદ્ધિ નાશ પામે,અને બુદ્ધિ નો નાશ થવાથી, મનુષ્ય પોતે જ નાશ પામે છે. (૭૬)

જડ સ્વભાવના મૂઢ લોકો ને “ધન જ સુખ આપે છે” એવી અંતરની આશારૂપી ડાકણ મજબૂત રીતે વળગી પડી છે, તેથી તેવા લોકો નિરંતર ધન ને જોતા તેની પાસે જ રહે છે,
પરંતુ પાછળથી એ ધન પણ એના પ્રાણ હરી લઇ ને જતું રહે છે. (૭૭)

ધનવાન મનુષ્ય આંધળા જેવો છે,આંખથી ધન સિવાય બીજું કંઈ દેખતો જ નથી,
કોઈ કોઈ સજ્જનો તો એ માર્ગ ને ત્યજી દે છે,પણ ત્યાં,લોભી મુર્ખાઓ તે સજજનો ને દોરવા આવી જાય છે,
તેથી એ સજજનો ત્યજી દીધેલા,માર્ગે જાય છે,ને,
પગલે ને પગલે વારંવાર ઠોકરો ખાય છે.અને છેવટે આંધળા કુવામાં (નરકમાં) જઈ ને પડે છે.
આવા ધનવાન માણસો નો અંધાપો દૂર કરનાર “દારિદ્રય” એ ઔષધરૂપ અંજન છે. (૭૮)

ધન આવવાથી લોભ,ક્રોધ,દંભ,ગર્વ,અને અદેખાઈ વધે છે,તો પછી તે ચિત્ત ને શુદ્ધ કેવી રીતે કરે? (૭૯)

ધન મળે નહિ તો બે ગણું દુઃખ થાય છે અને મળ્યું હોય તો તેનો ખર્ચ થતાં ત્રણ ગણું દુઃખ થાય છે,
અને જો તે ધન ખોટી રીતે ખર્ચાય તો મનુષ્ય વિદ્વાન હોય તો પણ તેને ઘણું દુઃખ થાય છે. (૮૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE