શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
જે આ સત્-ચિત્-સુખ સ્વરૂપ છે,
તે જ પરમ સત્ય તું છે,
એ જરા-જન્મ-મરણ થી રહિત હોઈ નિત્ય
છે,આ મારું વચન સત્ય છે. (૭૭૨)
તું કોઈ કાળે આ દેહ નથી,પ્રાણ
નથી,ઇન્દ્રિયો નથી,મન,બુદ્ધિ કે અહંકાર નથી કે -
એ બધાં નો સમુદાય પણ તું નથી,
હે, વિદ્વાન શિષ્ય,તું મારું શ્રેષ્ઠ વચન સાંભળ,
એ દેહ વગેરેનો સાક્ષી,અને નિર્મળ
સ્ફૂર્તિ-રૂપ ‘તત્વમસિ’ તે તું જ છે.
(૭૭૩)
જે વસ્તુ જન્મે છે,તે જ વધે છે,અને
તે જ સમય થતા મૃત્યુ ને પામે છે,પણ,
તું તો નિત્ય,વ્યાપક અને અજન્મા
(આત્મા) છે,તેથી તારો જન્મ નથી કે મૃત્યુ પણ નથી. (૭૭૪)
આ દેહ કર્મ ના યોગ થી જન્મ્યો
છે,તેથી જ તે વધે છે અને નાશ (મૃત્યુ) પામે છે,
તું તો એ બધી અવસ્થાઓમાં સાક્ષી-રૂપે
અને માત્ર જ્ઞાન-રૂપે રહેલો છે. (૭૭૫)
જે સ્વયં પ્રકાશ,સર્વ ના આત્મા-રૂપ
(અથવા સર્વસ્વ-રૂપ) અને
સુષુપ્તિ અવસ્થા સુધી,”હું-હું”
એમ એક જ આત્મા રૂપે નિત્ય પ્રકાશે છે,
વળી પોતે વિકારી નથી પણ બુદ્ધિ
ના સમગ્ર વિકારોને જાણે છે,ને જ્ઞાન સ્વરૂપ છે-તે તું છે. (૭૭૬)
જેનું જ્ઞાન કદી અસ્ત પામતું નથી,જેના
પોતાના સ્વરૂપમાં આકાશ-વગેરે સર્વ જગત કલ્પાયેલું છે,
અને તે સર્વ ને જે પોતાના પ્રકાશથી સતા આપે છે,તેમાં સ્ફૂર્તિ વધારે
છે,
પણ પોતે માત્ર બોધ-રૂપ છે-તે તત્વમસિ
સાક્ષાત બ્રહ્મ તું છે. (૭૭૭)
ઉત્તમ પ્રકારની સમાધિમાં તત્પર
રહેનારા અને નિર્મળ અંતઃકરણ વાળા પરમહંસોના સમુહો,
અપાર સુખમય જે આત્મતત્વ ને સાક્ષાત
જોઈને નિરંતર સંતોષ પામે છે,
અને જે કેવળ જ્ઞાન-સ્વરૂપ છે,
તે ‘તત્વમસિ બ્રહ્મ’ તું છે. (૭૭૮)
જે પોતે અંદર અને બહાર-અખંડિત-એક-રૂપ
જ છે,
છતાં મૂઢ-બુદ્ધિ-અજ્ઞાની ને,
તે આરોપિત પદાર્થ જેવું જણાય છે,પણ,
ખરી રીતે જે માટી વગેરે પદાર્થો
ની જેમ વિક્રિયા રહિત છે,અને માત્ર સ્વાનુભવથી જ જાણવા યોગ્ય છે,
એ જ્ઞાન-સ્વરૂપ ‘તત્વમસિ બ્રહ્મ’ તું છે. (૭૭૯)
વેદમાં જેને નિર્વિકાર,અનંત,અવિનાશી,આદિ-મધ્ય-અંત-રહિત,અવ્યક્ત,અક્ષર,આશ્રય
રહિત,અપ્રમેય,
આનદ તથા સત્યથી વ્યાપ્ત,રોગ કે
દોષ રહિત,અને અદ્વિતીય કહેલ છે,
એ જ્ઞાન-સ્વરૂપ ‘તત્વમસિ બ્રહ્મ’ તું છે. (૭૮૦)
તારામાં આ શરીર,તેનો સંબંધ અને
તેના ધર્મો-વગેરેનો જે આરોપ થયો છે-
તે ભ્રાંતિ ને લીધે જ થયો છે.ખરી
રીતે એ કંઈ છે જ નહિ,
આથી તું અજ્ન્મા છે,તને મૃત્યુ
નો ભય ક્યાં છે?તું તો પૂર્ણ છે. (૭૮૧)
તેં પોતાની ભ્રમિત દ્રષ્ટિથી જે
જે જોયું છે,તે તે –સારી રીતે વસ્તુ-દ્રષ્ટિથી જોતાં તું જ છે.
આ લોકમાં તારાથી જુદી કોઈ વસ્તુ
જ નથી,તું બીજા પદાર્થ થી રહિત જ છે.
તેથી તને કોનો ભય હોય? (૭૮૨)