શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
“આ બ્રહ્મ ને ઉત્પન્ન કરનાર
કોઈ નથી” એમ વેદ કહે છે.તેથી બ્રહ્મ એ સર્વનું “કારણ” ઠરે છે,
માટે તે “બ્રહ્મ” એ ઉપર
દર્શાવેલા,”ઉત્પાદ્ય” (ઉત્પન્ન થનાર) કર્મ-ફળ-રૂપ નથી. (૧૫૬)
“મેળવનાર” (પામનાર) અને “મેળવવા
યોગ્ય” (પામવા યોગ્ય)–એવો ભેદ હોય (બે જુદા હોય) તો જ,
મેળવનારો એ મેળવવા યોગ્ય
વસ્તુ ને મેળવે છે.પણ,
બ્રહ્મ તો મેળવનાર સ્વરૂપ
(પામનાર) જ છે,
તેથી તે આપ્ય (મેળવવા
યોગ્ય-પ્રાપ્ત થનાર) કર્મ ફળરૂપે હોઈ શકે નહિ.(૧૫૭)
દર્પણ વગેરે જે મેલી વસ્તુ
હોય તેનો જ સંસ્કાર (સફાઈ વગેરે) કરવો પડે છે,પરંતુ,
“બ્રહ્મ” તો આકાશ ની પેઠે
નિત્ય શુદ્ધ જ છે,તેથી તેનો સંસ્કાર હોય જ નહિ.
દુષ્ટ વસ્તુ ના સંબંધથી
લાગેલા દોષ ને દૂર કરવા,માટે સંસ્કાર ની જરૂર રહે છે,પણ
બ્રહ્મ ને તો કોઈ દુષ્ટ વસ્તુ
જોડે સંબંધ જ નથી તો તેને સંસ્કાર કેવો?
વળી જે વસ્તુ નિર્ગુણ
છે,તેમાં ગુણો નું સ્થાપન ઘટતું (થઇ શકતું) નથી,અને
શ્રુતિ કહે છે કે-બ્રહ્મ એક જ
અને નિર્ગુણ છે, એમ બ્રહ્મ નિર્ગુણ હોવાથી,
“સંસ્કાર્ય” કર્મ ફળ રૂપ (સંસ્કાર ને યોગ્ય-સંસ્કાર ને પામનાર) હોઈ
શકે નહિ. (૧૫૮-૧૬૦)
તેમ જ દૂધ-વગેરે વસ્તુઓ
અવયવવાળી અને પરિણામ ધર્મવાળી છે,
તેથીજ બીજી કોઈ વસ્તુ થી તે
વિકાર પામનારી થઇ શકે, પણ,
બ્રહ્મ તો નિષ્ક્રિય
વસ્તુ-ક્રિયાશૂન્ય છે.તેથી તેનામાં વિકારી-પણું હોઈ શકે નહિ.
વેદ પણ કહે છે કે-બ્રહ્મ એ અવયવો
રહિત,ક્રિયાશૂન્ય,શાંત,નિર્દોષ અને નિર્લેપ છે.તેથી તે
“વિકાર્ય” (વિકાર પામનાર-વિકારને યોગ્ય) કર્મ ફળ રૂપ પણ ન જ હોઈ
શકે.
આ રીતે બ્રહ્મ-રૂપ વસ્તુ નું
યથાર્થ સ્વ-રૂપ, શ્રુતિ અને યુક્તિથી, ચોક્કસ થયેલું છે. (૧૬૧-૧૬૨)
માટે (આમ) બ્રહ્મ કોઈ પણ રીતે
કર્મ-સાધ્ય (ફળ) રૂપ નથી,
વળી જે કર્મ-સાધ્ય હોય,તે તો
અનિત્ય હોય છે,જયારે બ્રહ્મ તો નિત્ય અને સનાતન છે. (૧૬૩)
કર્મ થી મેળવેલો આ દેહાદિ લોક
જેમ નાશ પામે છે,તેમ પુણ્ય-કર્મ થી મેળવેલો સ્વર્ગાદિ લોક પણ
નાશ જ પામે છે,વળી
અનિત્યપણામાં સર્વકાળે કૃત્રિમતા કારણ રૂપ હોય છે.
તેથી (આમ) સ્વર્ગાદિ અનિત્ય કર્મ ફળ માં કયો બુદ્ધિમાન પુરુષ મોહ પામે?
(૧૬૪-૧૬૫)