શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
વળી સજ્જનો માં ઉત્તમ,બ્રહ્મ
ને જાણનારા અને ધન્યવાદ ને પાત્ર એવા,ધીર મહાત્માઓ,
પણ સમાધિમાં કેવળ
આનંદ-સ્વ-રૂપે (અપરોક્ષપણે-પ્રત્યક્ષ) અનુભવે છે.
એમ આ આત્મા વિષે સંશય જ નથી.
(૬૬૬-૬૬૭)
બ્રહ્માથી માંડીને સર્વ
પ્રાણીઓ,પોતપોતાની ઉપાધિ પ્રમાણે,આ આત્મા ના જ આનંદ-રૂપ એક અંશનો
અનુભવ કરી રહ્યા છે.(સર્વ ને
જે કંઈ આનંદ નો અનુભવ થાય છે તે આત્મા નો જ છે) (૬૬૮)
જેમ, ખાવાના પદાર્થોમાં જે
મધુર રસનો સ્વાદ જણાય છે તે ગોળનો જ રસ છે,બીજા કોઈ (તીખા-ખાટા)
પદાર્થ ની એ મીઠાશ નથી,
તેમ,વિષયો ના સામીપ્યથી જે
આનંદ જણાય છે,તે બિંબ-રૂપ આનંદ (આત્મા) ના અંશ નું
પ્રતિબિંબ (પ્રકાશ) જ છે, જડ
વિષયો નો એ આનંદ નથી. (૬૭૦)
એટલું જ નહિ,પણ જે કોઈ પદાર્થ
ના સંબંધ થી જે કોઈ સ્થળે આનંદ દેખાય છે,
તે પર-બ્રહ્મ ની સ્ફૂર્તિ
એટલે કે પ્રતિબિંબ (અથવા પ્રકાશ) છે. (૬૭૧)
જેમ ચંદ્ર-વિકસી કમળોનું
ખીલવું,તે ચન્દ્ર ના નિર્મળ પ્રકાશ થી જ થાય છે,
તેમ,સર્વ પ્રાણીઓ ને જે આનંદ
પ્રકટે છે તે,પરબ્રહ્મ-રૂપ વસ્તુ ના પ્રકાશથી જ પ્રકટે છે. (૬૭૨)
સત્-ચિત્ અને આનંદ-એ પરમાત્મા
નું “સ્વ-રૂપ” છે,પણ એ તેમના ગુણો નથી,
કેમ કે પરમાત્મા નિર્ગુણ
છે,તેથી તેમણે અને ગુણો ને સંબંધ ન જ હોય.
વળી સત્-ચિત્-આનંદ એ પરમાત્મા નાં વિશેષણ પણ નથી,કેમકે-
કોઈ બીજું દ્રવ્ય હોય તો
તેનાથી અલગ પાડવા વિશેષણ અપાય છે.પણ પરમાત્મા એક અને અદ્વિતીય છે.
અને આ દેખાતો પ્રપંચ (માયા)
તો મિથ્યા જ છે,
શ્રુતિ પણ “કેવલો
નિર્ગુણમ્-પરમાત્મા એક જ અને નિર્ગુણ છે” એમ કહે છે.તેથી તે સત્-ચિત્-આનંદ
પરમાત્મા ના ગુણો હોય એમ
ઘટતું જ નથી.
માટે જેમ ઉષ્ણતા અને પ્રકાશ એ
અગ્નિ નું જ સ્વ-રૂપ છે,
તેમ સત્-ચિત્-આનંદ,એ
પરમાત્મા નું જ સ્વરૂપ છે,એમ વેદોએ નિશ્ચય કર્યો છે.
અને આજ કારણથી,પરમાત્મા-રૂપ
અદ્વિતીય વસ્તુમાં સજાતીય કે વિજાતીય વગેરે લક્ષણ વાળો
પણ કોઈ ભેદ નથી.
પ્રપંચ-રૂપ (માયા-રુપ) આ
સંસાર નો તો “અપવાદ” કરેલો છે,તેથી તે વિજાતીય ભેદ મનાતો નથી.
એ કેવી રીતે? તો તેનો પ્રકાર હું કહું છું તે તું આદર-પૂર્વક સાંભળ. (૬૭૩-૬૭૮)
જેમ,દોરી તે સાપ નથી,છતાં ભ્રાંતિથી તે સાપ દેખાય,એ દોરીમાં સાપ નો વિવર્ત (ભ્રમ) છે,
ખરી રીતે તે સાપ નથી.માત્ર દોરી જ છે, આમ સમજવું તે “અપવાદ” છે,
તેમ,વિવર્ત (ભ્રમ)રૂપ આ જગત ને માત્ર સત્ (બ્રહ્મ)સ્વરૂપે જોવું ,તેને પણ
અદ્વૈત બ્રહ્મવેત્તાઓ “અપવાદ” કહે છે.(૬૭૯-૬૮૦)
સૂક્ષ્મ બુદ્ધિવાળા પુરુષોએ,ભ્રાંતિ થી જણાયેલા વિવર્ત-રૂપ આ જગતને તેની “ઉત્પત્તિ” ના
ઉલ્ટા ક્રમ થી તપાસવું અને ઉત્તમ પ્રકારની યુક્તિઓથી માત્ર સત્ (બ્રહ્મ) સ્વરૂપે જોવું. (૬૮૧)
ચાર પ્રકારનાં (જરાયુજ-અંડજ-સ્વેદજ-ઉદ્ભિજ્જ) સર્વે સ્થૂળ શરીરો,તેના ખોરાક-રૂપ અન્ન વગેરે,
તેનો આશ્રય વગેરે અને આખું બ્રહ્માંડ અતિશય સ્થૂળ છે.
અને પંચીકરણ પામેલાં પંચ મહાભૂતો માત્ર જ છે –તેમ જોવું.
જો વિચારવામાં આવે તો
આ જગતમાં જે જે વસ્તુ કાર્ય-રૂપે દેખાય છે તે તે બધી માત્ર કારણ-રૂપ જ હોય છે, ઘડો-વગેરે પદાર્થો,
માટી ના કાર્ય-રૂપે અલગ દેખાય છે,પણ તેમ છતાં તે માટી થી જુદા નથી જ.(૬૮૨-૬૮૩)
ઘડો-વગેરે જે પદાર્થો દેખાય છે તે અંદર-બહાર માટી જ છે,માટીથી જુદું છે જ નહિ.
માટે “કાંઠલા વગેરે આકારવાળો ઘડો છે” એમ કહેવું ન જ જોઈએ,પણ
“આ માટી જ છે,બીજું કંઈ નથી” એમ કહેવું જોઈએ. (૬૮૪)
આમ ઘડો-વગેરે પદાર્થો સ્વરૂપ-દ્રષ્ટિએ માટી જ છે,તેમ છતાં મૂઢ લોકો,તેં “ઘડો” વગેરે નામથી કહે છે.
તે વિષે વિચારવામાં આવે તો,નામ નો જ ભેદ દેખાય છે,વસ્તુ નો ભેદ દેખાતો નથી. (૬૮૫)
કેમ કે હે,ભાઈ,હરકોઈ કાર્ય તેના કારણથી જુદું હોતું જ નથી.તેથી આ જગતમાં જે જે ભૌતિક પદાર્થો છે,
તે બધા યે માત્ર ભૂતો (પંચ-મહાભૂતોથી બનેલા) જ છે.-તેઓથી જુદા નથી. (૬૮૬)
એ જ પ્રમાણે,પંચીકરણ પામેલાં સર્વ ભૂતો,તેમના પોતાના શબ્દ-વગેરે ગુણો,અને સૂક્ષ્મ શરીરો—
આ બધું પણ પંચીકરણ નહિ પામેલા પંચ મહાભૂતો જ છે.(૬૮૭)
એ જ પ્રમાણે,તે અપંચીકૃત મહાભૂતો પણ રજોગુમ-તમોગુણ-સત્વગુણ ની સાથે માત્ર-
અવ્યક્ત-પ્રધાન-પ્રકૃતિ જ છે,અને તે અવ્યક્ત-પ્રધાન-પ્રકૃતિ પોતે તથા આ જગત,
પણ “સ્વ-રૂપ-દૃષ્ટિ” એ કેવળ આભાસ જ છે. (૬૮૮)
ખરી રીતે શુદ્ધ બ્રહ્મ જ સર્વના આધારરૂપ છે. કે જે સર્વ ના આદિ,સત્ય-સ્વરૂપ અને એક જ છે.
તે જ માત્ર સત્-વસ્તુ છે, એ સત્ થી જુદો કોઈ ભેદ (વિકલ્પ) છે જ નહિ,
સર્વ થી પર,કેવળ એ (બ્રહ્મ) જ વસ્તુ છે. (૬૮૯)