Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૬

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આત્મા, જ્ઞાન-સ્વ-રૂપ છે,તેથી તે શુદ્ધ ચૈતન્ય-રૂપ “ચિત્ત” કહેવાય છે.અને
અખંડ-સુખ-રૂપ હોવાથી “આનંદ” કહેવાય છે.
જાગ્રત-સ્વપ્ન અને સુષુપ્તિ-એ-ત્રણે અવસ્થાઓમાં આત્મા પરોવાયેલો છે-તેથી તેની હયાતી હોય જ છે.

અને “ હું છું” એમ અનુભવાય છે-તેથી એ નિત્ય અને નિર્વિકાર છે.

“હું સર્વ-કાળે હતો”એમ હરકોઈ સમયે પોતાના આત્મ-સ્વ-રૂપ નું અભેદ-જ્ઞાન દેખાય છે,પણ,
“કોઈ કાળે હું નહોતો” એમ જણાતું નથી-એટલે આત્માને “નિત્ય” માન્યો છે.

જેમ,ગંગા ના તરંગો ની પરંપરામાં,જળની સત્તાને –હયાતી (સત્તા)-રૂપે –અનુસરવું પડતું હોય છે,
તેમ, (૧) આવી ને ગયેલી,બાલ્ય-વગેરે અવસ્થાઓમાં—(૨) જાગ્રત-આદિ અવસ્થાઓમાં-અને
(૩) દુષ્ટ કે અદુષ્ટ બધી વૃત્તિઓમાં-“આત્મા” નું સત્તા-રૂપે (હયાતી-રૂપે) અનુસરણ જ હોય છે.
કેમ કે-તે સર્વ “સ્થિતિમાં” “હું-હું” એવી વૃત્તિ સદા સ્થિર હોય છે.તેથી,
“સાક્ષી” નું એક જ આત્મ-સ્વરૂપ છે.  (૬૧૧-૬૧૪)

વળી અહંકાર-વગેરે તો પગલે પગલે જુદા જુદા જણાય છે,અને ક્ષણે ક્ષણે પરિણામ પામનારા છે,
તેથી તેઓ વિકારી છે,
પણ આત્મા નું કોઈ પરિણામ થતું જ નથી,કેમ કે તે નિષ્કલછે-અવયવ-રહિત છે.અને
તેથી જ આત્મા એ અવિકારી અને નિત્ય જ છે. (૬૧૫)

“જે હું સ્વપ્ન જોતો હતો-તે “હું” જ છું,
જે હું સુખથી ઊંઘતો હતો-તે “હું” જ છું-
અને હું જે જાણું છું તે-“હું” જ છું”  આમ અવિચ્છિન્નપણે –નિરંતર અનુભવાય છે,
તેથી સર્વ-કાળે આત્મા ની હયાતી છે-એમાં સંશય જ નથી  (૬૧૬)

વેદમાં જે સોળ કળાઓ (આત્માની ?) કહી છે,
તે ચિદાભાસ (ચૈતન્ય ના આભાસ-રૂપ –જીવ) ની સમજવી.આત્મા ની નહિ,
કેમકે –આત્મા તો નિષ્કલ-અવયવ રહિત છે,તેથી આત્મા ની નિત્યતા છે . (૬૧૭)

જેમ,જડ વસ્તુઓ નો પ્રકાશક સૂર્ય પ્રકાશ-સ્વ-રૂપ જ છે,સૂર્ય એ જડ નથી,
તેમ,બુદ્ધિ –આદિ નો પ્રકાશક –આત્મા-ચૈતન્ય-સ્વ-રૂપ જ છે,જડ નથી. (૬૧૮)

જેમ, ભીંત-વગેરે જડ વસ્તુઓ નું જ્ઞાન સૂર્ય વગેરેના પ્રકાશ વિના સંભવ નથી,
તેઓ (ભીંત-વગેરે) થી પોતાથી જ તેમનું જ્ઞાન થવું સંભવ નથી (અંધારામાં ભીંત નું જ્ઞાન થાય નહિ)
તેમ,આત્મા વિના બુદ્ધિ-વગેરે જડ પદાર્થો નું સ્ફુરણ (જ્ઞાન) તેમનાથી પોતાથી,લેશમાત્ર પણ ઘટતું નથી,
(માત્ર-આત્મા ના પ્રકાશ થી જ બુદ્ધિ-વગેરે નું સ્ફુરણ થઇ શકે છે)

માટે-જેમ,સૂર્ય કાંતિમય છે તેમ આ આત્મા કેવળ ચૈતન્ય-મય છે-એમ શ્રુતિઓએ માન્યું છે. (૬૧૯)

જેમ,પોતાને અથવા બીજા પદાર્થો ને પ્રકાશિત કરવામાં સૂર્ય બીજાના પ્રકાશ ને લેશમાત્ર ઈચ્છતો નથી.
તેમ,ચૈતન્ય-રૂપ –આ પરમાત્મા પોતાને (કે બીજા અહંકાર વગેરેને) જાણવામાં,
બીજા કોઈની જરૂર જરા પણ ઈચ્છતો નથી. (૬૨૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE