Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૪

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર
ઘડપણમાં દેખાવ બેડોળ થાય,સર્વ લોકો અપમાન કરે,બધે દીનતા નો અનુભવ થાય,
પોતાની બુદ્ધિમાં ઉણપ થાય-વગેરે વૃદ્ધાવસ્થાની આવી દુર્દશાઓ ને  વિચારીને,
કયો મનુષ્ય વૈરાગ્ય ના  પામે? (૩૧)

આ ઉપરાંત પિત્ત,તાવ,હરસ,ક્ષય,શૂળ,સળેખમ –વગેરે રોગો થી થયેલાં તીવ્ર દુઃખોનો,દુર્ગંધ નો,
અસ્વસ્થ સ્થિતિઓનો અને ઘણી જાતની ચિંતાઓનો વિચાર કરી,કયો મનુષ્ય વૈરાગ્ય ના પામે? (૩૨)

પછી પ્રાણ જતી વેળા યમરાજ ના દર્શન,અને તેથી ઉત્પન્ન થતાં ભય,કંપારી,મર્મસ્થાનો માં પીડા અને
શ્વાસ થઇ જવો-વગેરે દેખાતી વેદના નો વિચાર કરી,કયો મનુષ્ય વૈરાગ્ય ના પામે?  (૩૩)

મર્યા પછી, નરકમાં જતાં,અંગારા જેવી વૈતરણી નદીમાં થઈને જવાનું,અગ્નિ થી તપવાનું,
વિચિ નામના નરકમાં,તલવાર જેવાં પાંદડાંવાળાં-અસિપત્ર વનમાં,યમરાજ ના દૂતો દુઃખ દે છે,
તેનો વિચાર કરી કયો મનુષ્ય વૈરાગ્ય ના પામે?   (૩૪)

મર્યા પછી જો સ્વર્ગમાં જાય તો પણ,પુણ્યશાળીનાં પુણ્ય ખૂટી જાય,ત્યારે સ્વર્ગ ના દેવો નીચે ધકેલી મૂકે છે,અંગો ને ઢીલાં કરી નાખે છે,અને તે વેળા નક્ષત્ર-રૂપે સ્વર્ગમાંથી તે ખરી પડે છે,
તેનો વિચાર કરી કયો મનુષ્ય વૈરાગ્ય ના પામે?   (૩૫)

વાયુ,સૂર્ય,અગ્નિ કે ઇન્દ્ર –વગેરે દેવો છે,અને તેમનાં હૃદય પણ શત્રુ-પક્ષ ના ઉગ્ર ભયથી ગૂંથાયેલાં જ રહે છે ને દુઃખ ને પામ્યા કરે છે,તેનો વિચાર કરી કયો મનુષ્ય વૈરાગ્ય ના પામે ? (૩૬)

વેદ કહે છે કે-બ્રહ્માથી માંડી પૃથ્વીના રાજાઓ સુધીનાં સુખો,ઓછાં-વતાં અને કેવળ ઉપાધિ-યુક્ત જ છે.
એટલે તે પણ વાસ્તવિક રીતે તો નથી જ,તો તેનો વિચાર કરી કયો મનુષ્ય વૈરાગ્ય ના પામે? (૩૭)

સાલોક્ય,સામીપ્ય,અને સારૂપ્ય –એ મુક્તિ ના ભેદો છે,અને તે બધી અમુક સત્કર્મો થી સિદ્ધ થાય છે,
અને જે કોઈ વસ્તુ સત્કર્મ થી  સિદ્ધ થઇ હોય તે નિત્ય હોતી જ નથી.
એવો વિચાર કરી કયો મનુષ્ય વૈરાગ્ય ના પામે?   (૩૮)

આ લોકમાં જ્યાં ઉત્તમ-અધમ ગતિ છે,ત્યાં તેણે લીધે ઊંચ-નીચ પણું હોય છે,તેમ જ દુઃખ પણ હોય છે જ.
આવો વિચાર કરી,કયો મનુષ્ય વૈરાગ્ય ના પામે?  (૩૯)

ઘર વગેરેનાં તુચ્છ સુખ અવશ્ય નાશવંત છે,એમ સમજનારો કયો વિવેકી પુરુષ તેના પર પ્રેમ કરે?
વળી વ્યર્થ મોહ થી મરણ પામતાં પ્રાણોને નિત્ય જે (પોતે) જોઈ રહ્યો છે,તેવા મનુષ્ય ને,
તેના પર (મોહ અને સુખ પર) પ્રેમ થાય જ કેમ? (૪૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE