Nov 2, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૬

જેની આંખોમાં વિષમતા છે,એનું મન બગડે છે.પણ જે માત્ર એક આંખથી જગતને જુએ,એટલે કે,જગતને એક જ ભાવથી જુએ,સમાન ભાવથી જુએ તેનું મન બગડતું નથી.
ભગવાન શ્રીરામે જયંતની એક જ આંખ ફોડી,તેને સજા નથી કરી પણ સમાનતાનો પાઠ ભણાવ્યો છે.મનુષ્યને પ્રભુ વારંવાર પાઠ શીખવે છે,છતાં તે સુધરતો નથી અને પછી,તેને શિક્ષા થાય છે.પાઠથી સુધરી જાય તે ખાનદાન અને પાઠથી સુધરે નહિ તે દૈત્ય.

રાવણ ઉંચા કુળમાં જન્મ્યો છે પણ એનો અહમ,તેને પાઠ શીખવાની ના પાડે છે,વાલીએ એને પાઠ શીખવ્યો હતો,સહસ્ત્રાર્જુન અને બલિરાજાએ પણ પાઠ શીખવ્યો હતો પણ છતાં તેને કોઈ પડી નહોતી. રામજીએ પણ તાડકા,મારીચ,સુબાહુની શિક્ષા દ્વારા પાઠ ભણાવ્યા હતા,વળી,યુદ્ધ પહેલાં હનુમાન અને અંગદ દ્વારા પણ પાઠ ભણાવ્યા હતા,પણ અહમના જોરે જેને શીખવું નથી તેને કોણ શીખવી શકે?

શ્રીરામે જયંતને પાઠ શીખવ્યો એમાં એનું જ શ્રેય હતું. શ્રીરામની લીલા માનવ-સમાજના કલ્યાણ માટે 
થઇ છે,શ્રીરામ કેવળ રાવણને મારવા નહિ પણ માનવ-જીવનને શિક્ષણ આપવા આવ્યા છે,
શ્રીરામ વનમાં રહી ને તપ કરે છે,પણ આપણને તપ કરવું ગમતું નથી.
તપ ન કરે તો તપને ઉલટાવો તો જેમ પત થાય છે ,તેમ મનુષ્યનું પતન થાય છે.
વાસનાના ચક્કરમાં ફસાય છે,ને પછી છૂટી શકાતું નથી,તપ વગર વાસનાનો વિનાશ થતો નથી.
માનવ-સમાજમાં રહી “સામાન્ય” થવું સહેલું છે,પણ “અસામાન્ય” થવું અઘરું છે,
એટલા માટે જ સંતોએ વરસમાં થોડો વખત પણ વનમાં ને એકાંતમાં જઈને સાધના કરવી એમ કહ્યું છે.

ગૃહસ્થનું ઘર એ ભોગ ભૂમિ છે,ઘરમાં વાસના અને ભોગના પરમાણુઓ રહેલા છે, એટલે ઘરમાં રહી 
સાધનામાં સમતા રહેતી નથી,વિષમતા આવી જ જાય છે.અને વિષમતામાંથી વેરનો આવિર્ભાવ થાય છે.
ઘરમાં 'ભક્તિ' થાય પણ 'સાધના'માં વાસનાના પરમાણઓને લીધે વિક્ષેપ પડે છે.
ભૂમિના પરમાણુઓ પણ માનવીના મનમાં ચંચળતા પેદા કરે છે,ભક્તિ માટે પણ 
સ્થાન શુદ્ધિની જરૂર પડે છે.ભૂમિના અને સ્થાનના વાતાવરણ ની અસર મન પર જરૂર થાય છે.

માર્કન્ડેય પુરાણ માં એક કથા આવે છે.
રામ-લક્ષ્મણ જંગલમાં થઈને જતા હતા ત્યાં એક જગ્યાએ ઝાડ નીચે આરામ કરવા બેઠા.
ત્યાં લક્ષ્મણને મનમાં વિચાર આવ્યો કે,કૈકેયીએ રામને વનવાસ આપ્યો છે,મને નથી આપ્યો,પછી હું શું કરવા
 વનમાં આવ્યો?મારે શા સારું આટલા કષ્ટ ઉઠાવવા જોઈએ?શા માટે રામ-સીતાની સેવા કરવી જોઈએ? 
આમ લક્ષ્મણના મનમાં પહેલી વાર રામ-સીતા પ્રત્યે કુભાવ આવ્યો.
શ્રીરામ,લક્ષ્મણના મનની આ ચંચળતા જાણી ગયા,તેમણે લક્ષ્મણને કહ્યું કે-
લક્ષ્મણ આ ખેતરની માટી ઘણી સારી છે,આપણે થોડી માટી સાથે લઇ જઈએ.લક્ષ્મણે માટીનું પોટલું બાંધ્યું.

પોટલું લઇને થોડે દૂર ગયા પછી,શ્રીરામે કહ્યું કે-લક્ષ્મણ,પોટલું અહીં છોડી દે.અને લક્ષ્મણે જેવું પોટલું છોડ્યું 
એટલે તેમનું મન રામ-સીતાની સેવાના ભાવના વિચારોથી ભરાઈ ગયું.
થોડી વાર પછી રામે કહ્યું કે લક્ષ્મણ પેલું પોટલું લઇ આવ.અને,લક્ષ્મણે જેવો તે પોટલાને હાથ અડકાડ્યો કે –
તરત તેમનું મન ચંચળ બની ગયું કે-મારે ભાઈ ની સેવા કરવાની શી જરૂર? હું શું કામ દુઃખ વેઠું છું? 
અને ફરીથી પોટલું છોડી દીધું તો મન પાછું હતું તેવું ને તેવું સેવાની ભાવનાવાળું થઇ ગયું.

આવું ફરી ફરી બન્યું એટલે તે મુંઝાણા,તેમણે રામને કહ્યું કે -મને કંઈક થાય છે.
ત્યારે શ્રીરામે કહ્યું કે-હું જાણું છું.પણ તેમાં તારો દોષ નથી,દોષ એ ભૂમિનો છે,એ માટીનો છે.
જે ભૂમિમાં જેવાં કામ થાય તેવા તેના પરમાણુઓ ત્યાંની ભૂમિમાં અને વાતાવરણમાં રહે છે.
એમ કહીને રામ તે ભૂમિની કથા કહે છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE