કેવટ ના પ્રસંગનું રહસ્ય એવું છે કે-કેવટ એ નિઃસાધન છે,એટલે કે તેણે પરમાત્મા માટે કોઈ સાધન કર્યું નહોતું,પણ,એનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ (સ્નેહ) એ,સંપૂર્ણ છે,એનું પ્રભુ પ્રત્યેનું સમર્પણ સંપૂર્ણ છે.તેથી એ પ્રભુની કૃપાનો અધિકારી બન્યો છે.માગ્યા વગર (અયાચિત) જ પ્રભુનો અનુગ્રહ (કૃપા) પામનારો એ પુષ્ટિ-ભક્ત છે.અને પ્રભુનો અનુગ્રહ (કૃપા) તેણે ઉતરાઈ-રૂપે મળે છે.(બીજું કશું પ્રભુ પાસે તે વખતે નહોતું!!)
ગંગા પાર કર્યા પછી શ્રીરામે ગુહ-રાજાને કહ્યું કે- હવે તમે પાછા ફરો.
આ સાંભળતાં જ ગુહને અત્યંત નિરાશા થઇ,તેને રામજી સાથે રહેવું હતું.તે હાથ જોડી બોલ્યો કે-
થોડા દિવસ સાથે રહેવા દો,પછી આપને માટે પર્ણકુટી બનાવી આપીને હું વિદાઈ લઈશ.
ત્યારે રામજી એ ગુહને સાથે આવવાની મંજૂરી આપી.
આગળ વધી રામજી પ્રયાગરાજનાં દર્શન કરે છે,ગંગા,જમના ને સરસ્વતીનો ત્યાં સંગમ થાય છે.પ્રયાગરાજ તીર્થરાજ (તીર્થો નો રાજા) કહેવાય છે.માઘ માસમાં સૂર્ય મકર રાશિમાં જાય છે,ત્યારે સઘળાં તીર્થ પ્રયાગમાં આવે છે.તે વખતે સઘળા દેવો અને ઋષિ-મુનિઓ ત્યાં સ્નાન કરી અક્ષય-વટનાં દર્શન કરે છે.
અહીં ભરદ્વાજઋષિનો આશ્રમ છે.રામજી ત્યાં પધાર્યા.
મનુષ્ય ભરદ્વાજ બને તો રામજી તેના ત્યાં પધારે.
દ્વાજ એટલે ગુરૂનો બોધ.ગુરૂ નો બોધ જે કાનમાં ભરી રાખે છે તે ભરદ્વાજ.
એક કાનથી સાંભળી બીજા કાનથી બોધ કાઢી નાખે તે ભરદ્વાજ થઇ શકે નહિ અને ત્યાં રામજી પધારે નહિ.
આ જગતની વાતો સાંભળવામાં કોઈ ફાયદો નથી,ઉલટું ભક્તિમાં વિક્ષેપ થાય છે.
ભરદ્વાજ બહુ બોલતા નથી.તેઓ રામ-ચરણના અનુરાગી હતા.રામ-કથા સાંભળતાં થાકતા નહિ.
રામજીના દર્શન કરી ને તેમને અતિ આનંદ થયો છે.રામજીની પધરામણીની ખબર સાંભળી આસપાસના બીજા ઋષિઓ પણ રામજીના દર્શને આવ્યા છે.
ભરદ્વાજ-ઋષિ કહે છે કે-હે,શ્રીરામ,આપ તો તીર્થોમાં પણ તીર્થ બનાવનારા સ્વયં તીર્થ-સ્વ-રૂપ છો,
હે પરમ-પુરુષ,હું આપના ચરણ-કમળમાં પ્રણામ કરું છું.
આપનાં દર્શન થયા એટલે મેં અત્યાર સુધી જે સાધન કર્યું તેનું ફળ મને મળી ગયું.
સર્વ “સાધન” નું ફળ છે “સાધ્ય” એવા ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન.કે જે દર્શન પરમાનંદનું દાન કરે છે.
જીવનું જીવન સફળ થાય છે અને પ્રત્યક્ષ દર્શનથી જીવને અપાર શાંતિ-પરમાનંદ મળે છે.
પ્રભુએ એક રાત્રિ ભરદ્વાજ-ઋષિના આશ્રમ માં મુકામ કર્યો,અને બીજે દિવસે સવારે ઋષિની વિદાઈ માગી.
રામચંદ્રજીએ ઋષિને પ્રણામ કર્યા અને એમના આશીર્વાદ માગ્યા.
ત્યારે સામેથી ઋષિએ કહ્યું કે-હું શું આશીર્વાદ આપું?આપનાં દર્શન થી મારું જીવન ધન્ય બન્યું છે,
આપ કૃપા કરી મને એવું વરદાન આપો કે,આપનાં ચરણ-કમળમાં સદા પ્રીતિ રહે.
પછી ભરદ્વાજ-ઋષિએ વાલ્મિકીજીના આશ્રમનો રસ્તો બતાવવા ચાર શિષ્યોને તેમની સાથે મોકલ્યા.
વનની વિકટ વાટ છે,રસ્તામાં કાંટા-કાંકરા છે,સાંકડી પગ-દંડી છે.
રામજી આગળ ચાલે છે,તેમની પાછળ સીતાજી તેમનાં ચરણની (ચરણના છાપની) આમન્યા રાખી ચાલે છે, તેમની પાછળ લક્ષ્મણજી છે તે રામજી અને સીતાજી બંનેના ચરણ ની આમન્યા રાખીને ચાલે છે.
તેથી સાંકડી પગદંડીમાં તેમને પગ મુકવા જગા રહેતી નથી,અને કાંટાળી જમીન પર તે ચાલે છે.
રામજીને આ વસ્તુની ખબર પડી,તેમનાથી આ જોવાણું નહિ,એટલે તેમણે ક્રમ ફેરવ્યો.
પહેલાં લક્ષ્મણ,પછી સીતાજી અને પછી પોતે.
જીવ (લક્ષ્મણ) અને બ્રહ્મ (રામ) ની વચ્ચે માયા (સીતાજી) શોભે છે તેમ સીતાજી શોભે છે.