Oct 27, 2021

Gujarati-Ramayan-Rahasya-112-ગુજરાતી-રામાયણ-રહસ્ય-112

ભરતજીનું આ ચરિત્ર અતિ પાવનકારી છે,તુલસીદાસજી કહે છે કે-જે એનું ભક્તિ-પૂર્વક શ્રવણ-મનન કરશે,તેને અવશ્ય શ્રીસીતારામના ચરણોમાં પ્રેમ થશે,અને સંસારથી વૈરાગ્ય થશે.મહારાજા દશરથ,શ્રીરામને ગાદીએ બેસાડી રામરાજ્યની સ્થાપના કરવા માગતા હતા,પણ રામરાજ્યની સ્થાપના તેમને હાથે થઇ નથી,એ તો થાય છે ભરતજીના હાથે ચિત્રકૂટમાં.દશરથજીની રામરાજ્યનો સંકલ્પ શુભ છે,પવિત્ર છે તો યે તેમાં વિઘ્ન આવે છે.મહાન લક્ષ્ય તરફ આગળ વધતાં વિઘ્ન તો આવવાનું જ,જેટલું લક્ષ્ય મહાન એટલું વિઘ્ન મહાન.દશરથ રાજાના રામરાજ્યની સ્થાપનાના સંકલ્પમાં એવું મોટું વિઘ્ન આવ્યું કે-તેમાં દેશ,કાળ અને વ્યક્તિ પણ બદલાઈ જાય છે.

દશરથજી મૂર્તિમાન વેદ-સમાન (ધર્મ-પ્રિય) છે જયારે ભરતજી એ મૂર્તિમાન પ્રેમ છે.
વેદ ત્રણ ગુણથી પર નથી,વેદ,વધુમાં વધુ સાત્વિક સ્તર સુધી મનુષ્યને લઇ જાય છે.તે સ્તરથી ઉપર નહિ.
ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે-વેદો ત્રણ ગુણવાળા છે,માટે,હે અર્જુન,તુ ત્રણે ગુણોથી પર થા.
ભરતજી પ્રેમનું સ્વરૂપ હોવાને લીધે,ત્રણે ગુણોથી પર છે,પ્રેમ-ધર્મ એ સાત્વિક સ્તરથી પણ ઉંચે લઇ જાય છે.
એટલે રામરાજ્યની સ્થાપના કરવામાં ભરતજી સફળ થાય છે,દશરથજી નહિ.

વશિષ્ઠજીએ ભરતજીને સલાહ આપેલી કે-તમારા પિતાએ સત્યની ખાતર રામનો ત્યાગ કર્યો અને રામના પ્રેમમાં
 પ્રાણનો ત્યાગ કર્યો,આવા મહાન પિતાનું તમે અનુકરણ કરો,તેમનું વચન માથે ચડાવી રાજા બનો.પિતાની
 આજ્ઞા ઉચિત છે કે અનુચિત છે એનો વિચાર તમારે કરવાનો ના હોય.તમારે તો માત્ર તેનો અમલ જ કરવાનો
 હોય.એમ કરવાથી જ તમે સુખી થશો.

પણ ભરતજી જયારે તેમની આ સલાહ સ્વીકારતા નથી,ત્યારે વશિષ્ઠજીને એમ લાગે છે કે-આ ઠીક થતું નથી,
આમાં સત્યનું માન સચવાતું નથી.પણ ત્યાર પછી તેમણે, ભરતજીનું વર્તન જોયું,તેમની ભાવના જોઈ,
ત્યારે ભરતની એક નવી જ જીવન-દૃષ્ટિ તેમને દેખાઈ,અને ભરતજી પર તે મુગ્ધ થઇ ગયા,
અને કહેવા લાગ્યા કે-ભરતજીનું દર્શન સત્ય છે.

શ્રીરામે અને ભરતે,અહીં જે જીવન દર્શન પ્રગટ કર્યું છે,
તે એકલું જ માનવ-જીવનને પૂર્ણતાએ પહોચાડવા શક્તિમાન છે.
સિંહાસન પર બેસીને બધા રાજ્ય કરી શકે,પણ સિંહાસન પર પાદુકા પધરાવી,સત્તાધારી થયા વિના 
રાજધાનીની બહાર રહીને,દુરથી રાજ્ય ચલાવવું,એ એક જુદી જ વાત છે.
વશિષ્ઠજી આગળ ભરતે જયારે આ વાત મુકેલી ત્યારે વશિષ્ઠજી ગળગળા થઇ ને બોલ્યા હતા કે-ભરત,
આજ સુધી હું ધર્મની વ્યાખ્યા માટે શાસ્ત્રનો આધાર લેતો હતો,પણ હવે મને ધર્મની સાચી વ્યાખ્યા મળી ગઈ છે,
અને તેના પછી તેમણે જે શબ્દો કહ્યા,તે રામાયણમાં ભરત સિવાય બીજા કોઈ માટે કહેવાયા નથી. 

વશિષ્ઠજી કહે છે કે-ભરત,મારો દૃઢ મત એવો છે કે-તું જે કહેશે,સમજશે અને કરશે તે જ ધર્મનો સાર છે.
હવે ધર્મની વ્યાખ્યા હું શાસ્ત્ર જોઈને નહિ પણ તારું જીવન જોઈને કરીશ,.હું ખરું કહું છું કે-ભરત તારું ચરિત્ર 
ધર્મથી પણ આગળ છે,તારા ચરિત્ર દ્વારા ધર્મ-સાર પ્રગટ થાય છે,આજ લાગી હું કેવળ ધર્મ જાણતો હતો,
ધર્મ-સાર નહિ,પણ આજે ધર્મ-સાર સમજાઈ ગયો છે.

સંતો ધર્મને કેરી સાથે સરખાવે છે.કેરીને જેમ,છાલ,રસ અને ગોટલો હોય છે,તેમ ધર્મના પણ ત્રણ અંગો છે.
શબ્દ એ છાલ છે,ફલશ્રુતિ એ ગોટલો છે,અને ધર્મનું ખરું તાત્પર્ય તે રસ છે.
છાલના આધારે રસ રહે છે પણ છાલ એ રસ નથી,તેવી રીતે શબ્દ એ ધર્મ નથી.પણ શબ્દમાં ધર્મ છે.
મોટા ભાગના લોકો શબ્દને પકડે છે અને ધર્મના સારને છોડી દે છે.તેના તાત્પર્યને છોડી દે છે,
શબ્દને પકડવામાં આવે અને તેના તાત્પર્યને ના પકડવામાં આવે તો,કશું જ સમજ્યા નથી એમ જ માનવાનું.
 ધર્મને શબ્દનો કેદી બનાવવાથી માણસ પોતે જ કેદી બને છે ને બંધનમાં આવે છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE