Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-6

જેમ સોનામાંથી બનેલી વસ્તુઓ (દાગીના) સદા સોનું જ છે,
--તેમ “બ્રહ્મ” માંથી ઉપજતું “જગત” ,એ સદા “બ્રહ્મ”  જ છે.  (૫૧)


જે અજ્ઞાની મનુષ્ય,જીવાત્મા (આત્મા) અને પરમાત્મા માં જરા પણ જુદાઈ (ભેદ) માની બેસે છે,
--તેને જન્મ-મરણ નો ભય છે.(બંધન છે) એમ વેદે કહ્યું છે.  (૫૨)


જ્યાં અજ્ઞાનથી ભેદ-ભાવ થાય છે,ત્યાં મનુષ્ય પોતે જુદો પડી જુદું જુએ છે,પણ
--જયારે તે મનુષ્ય બધું “આત્મા-રૂપે” જુએ છે,ત્યારે તે પોતે જુદો પડતો નથી,તે ભેદ જોતો નથી (૫૩)


જ્ઞાન પામ્યા પછી,મનુષ્ય બધાંને આત્મા-રૂપે જ (અભેદ-ભાવે) જાણે છે,અને
--એ અભેદ-જ્ઞાન ના કારણે તેને ક્યારે ય મોહ(ભ્રમ) કે શોક થતો નથી. (૫૪)


“સર્વ ના આત્મા-રૂપે રહેલો આ આત્મા “બ્રહ્મ” જ છે”
--આમ બૃહદારણ્યક-ઉપનિષદ ની શ્રુતિ એ નક્કી કર્યું છે. (૫૫)


જેમ સ્વપ્ન અનુભવાય છે,છતાં જાગ્યા પછી (તે સ્વપ્ન નું) કાંઇ હોતું નથી,
--તે જ રીતે આ સંસાર અજ્ઞાન અવસ્થામાં અનુભવાય છે,અને વ્યવહાર-યોગ્ય લાગે પણ છે,
--પણ જ્ઞાન થયા પછી તે સંસાર જણાતો જ નથી.(મિથ્યા લાગે છે)  (૫૬)


જાગ્રત-અવસ્થામાં,સ્વપ્ન જુઠું લાગે છે,પણ સ્વપ્ન માં જાગ્રત-અવસ્થા હોતી નથી,
--વળી સુષુપ્તિ-અવસ્થામાં તો જાગ્રત અને સ્વપ્ન-અવસ્થા, એ બંને હોતા નથી,
--અને જાગ્રત તથા સ્વપ્ન માં સુષુપ્તિ-અવસ્થા પણ હોતી નથી.  (૫૭)


આમ સત્વ,રજસ અને તમસ –એ ત્રણ ગુણો થી ઉપજેલી,
--સુષુપ્તિ,સ્વપ્ન અને જાગ્રત –એ ત્રણે અવસ્થાઓ મિથ્યા જ છે,
--પણ એ ત્રણેય ને જોનાર(દ્રષ્ટા),અનુભવનાર આત્મા, તો
--એ ત્રણેય ગુણ વિનાનો,અવિનાશી,એક અને ચેતનમય છે.  (૫૮)


જેમ માટીમાં જ ઘડાની ભ્રાંતિ થાય છે અથવા છીપમાં ભ્રમ ને લીધે રૂપું ભાસે છે,
--તેમ બ્રહ્મમાં ભ્રાંતિ-રૂપ અજ્ઞાનથી જ અજ્ઞાની મનુષ્ય જીવ-પણું જુએ છે.
(ખરી રીતે જીવ એ બ્રહ્મ થી જુદું કોઈ તત્વ જ નથી)  (૫૯)


જેમ ભ્રાંતિ (ભ્રમ) થી જ, માટીમાં જ “ઘડો” –એમ નામ પડે છે,સોનામાં જ “કુંડળ” એમ નામ પડે છે,
--અને છીપ માં રૂપા ની ખ્યાતિ ભાસે છે,
--તેમ “બ્રહ્મ”માં જ “જીવ” શબ્દ (અજ્ઞાનથી જ) પ્રસિદ્ધ થયો છે.  (૬૦)
(બ્રહ્મ=પરમાત્મા  અને જીવ=આત્મા, એ બંને માં કોઈ ભેદ છે જ નહિ-બંને જુદા નથી)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE