Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-10

જેમ જાગ્યા પછી સ્વપ્ન રહેતું નથી,તેમ આત્મા નું જ્ઞાન થયા પછી,પ્રારબ્ધ-કર્મ રહેતું જ નથી,
--કારણકે દેહ-વગેરે તો મિથ્યા જ છે,તો પછી દેહે કરેલાં કર્મ સત્ય કેમ હોઈ શકે? (૯૧)


બીજા (આગળના) જન્મ માં કરેલું કર્મ “પ્રારબ્ધ” કહેવાય છે,પણ ખરી રીતે,
--“આત્મા” ને “બીજો જન્મ” એવું કાંઇ છે જ નહિ,તો “પ્રારબ્ધ-કર્મ” છે જ નહિ. (૯૨)


જેમ સ્વપ્ન નું શરીર મિથ્યા છે,તેમ આ જાગ્રત નું શરીર પણ મિથ્યા જ છે,માત્ર ભ્રમ થી જ દેખાય છે,
--એવા કલ્પિત શરીર નો વળી જન્મ ક્યાંથી?
--અને જો જન્મ જ નથી તો પછી “પ્રારબ્ધ-કર્મ” ક્યાંથી?  (૯૩)


જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે,તેમ જગતનું ઉપાદાન કારણ “અજ્ઞાન” છે,એમ વેદાંતો કહે છે,
--તો આત્મા ના જ્ઞાનથી તે અજ્ઞાન નાશ પામે,ત્યારે,જગત બાકી રહે જ ક્યાં?  (૯૪)


જેમ,ભ્રમ ના કારણે,મનુષ્ય દોરડાને દોરડું સમજ્યા  વિના સર્પ જ સમજે છે,
--તેમ મૂઢબુદ્ધિ-અજ્ઞાની,સત્ય વસ્તુ “બ્રહ્મ” સમજ્યા વિના જગત ને જુએ છે. (૯૫)


જેમ દોરડા નું જ્ઞાન થાય છે,ત્યારે સાપ નો ભ્રમ રહેતો નથી,
--તેમ, બ્રહ્મનું જ્ઞાન થયા પછી,જગત શૂન્ય-પણું પામે છે-જગત રહેતું જ નથી  (૯૬)


--છતાં વેદ-શાસ્ત્ર જે પ્રારબ્ધ-કર્મ કહે છે તે,અજ્ઞાનીઓ ને સમજાવવા માટે જ છે. (૯૭)


વેદમાં સ્પષ્ટ કહ્યું છે કે-“પર-બ્રહ્મ નો સાક્ષાત્કાર થયા પછી જ્ઞાની ના કર્મો નાશ પામે છે”
--આ વાત પ્રારબ્ધ-કર્મ નો પણ નિષેધ કરે છે,અને નિષેધ કરવા માટે જ વેદમાં કહી છે. (૯૮)


અજ્ઞાનીઓ હઠથી પ્રારબ્ધ કર્મ ને સાચું કહે છે,પણ તેથી બે જાતના વાંધા આવે છે,
--એક તો “આત્મા સિવાય બીજી ઓઈ વસ્તુ છે જ નહિ” એ વેદાંત મત ખોટો ઠરે છે,અને
--“આત્મજ્ઞાન થી બધા પ્રપંચો નો નાશ થાય છે” એ પણ જુઠું ઠરે છે.
--આમ વેદાંત ના મત ને હાનિ પહોંચે છે,માટે પ્રારબ્ધ કર્મ મિથ્યા જ છે,સાચું નથી.(૯૯)


હવે પહેલાં (આગળ) કહેલો મોક્ષ મેળવવા માટે ના “પંદર અંગો” કહું છું,
--મુમુક્ષુએ હંમેશાં એ સર્વ પંદર અંગો થી નિદિધ્યાસન (આત્મ-ચિંતન) જ કરવું  (૧૦૦)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE