મૃત્યુ સુધરે તેનું કે જેણે જીવનને સુધાર્યું છે.જેણે પળેપળનો સદુપયોગ કર્યો છે.
તન,મન,ધન,વાણી –વગેરે સર્વેનો જે સદુપયોગ કરે,અને પ્રભુના નામ(રામ-નામ) નો આશરો લે તેનું મરણ સુધરે છે.હરિનામ સિવાય મરણ ને સુધારવાનો બીજો કોઈ સરળ ઉપાય નથી.તરાપ મારવા ટાંપીને બેઠેલા કાળ (મૃત્યુ)નો મનમાં બરાબર ખ્યાલ રાખીને વ્યવહારની ક્રિયાઓ કરવાની છે.તેને માટે સ્મશાન વૈરાગ્ય પુરતો નથી,દૃઢ વૈરાગ્યની જરુર છે,
રોજ સ્મશાનમાં જવાની જરૂર નથી પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે.
શંકર ભગવાન સ્મશાનમાં વિરાજે છે,તેઓ જ્ઞાનના દેવ છે,તેથી સ્મશાનમાં રહે છે.
સ્મશાનમાં સમભાવ છે,ત્યાં રાજા આવે કે રંક,મૂર્ખ આવે કે વિદ્વાન,સ્ત્રી કે પુરુષ સર્વના શરીરની ત્યાં રાખ થાય છે. સમભાવ એટલે “વિષમ ભાવનો અભાવ” સમભાવ એટલે ઈશ્વર ભાવ,
મનુષ્ય સર્વમાં સમભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે છે.
સર્વમાં સમભાવ આવે તો દીનતા (દૈન્ય) આવે છે,ને પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન દૈન્ય પણ છે.
શાસ્ત્રમાં મુક્તિના બે પ્રકાર કહ્યા છે.એક ક્રમ-મુક્તિ અને બીજી સદ્યો-મુક્તિ
ક્રમ-મુક્તિ ક્રમે ક્રમે –ધીમે ધીમે થાય છે.બસની લાઈનમાં ઉભા રહેલાનો વારો આવે ત્યારે તેને બેસવા મળે.તેમ.બધા ક્રિયમાણ,સંચિત અને પ્રારબ્ધ કર્મો બળી રહે,અને જીવ શુદ્ધ થાય ત્યારે મુક્તિ મળે..
જયારે સદ્યો-મુક્તિ તરત જ મળે.સદ્યો મુક્તિનો માર્ગ પ્રભુ-કૃપાનો છે.
એ માર્ગે જવાનું સાધન ભક્તિ છે (પ્રભુનું નામ-રામનામ-કૃષ્ણ નામ-હરિનામ છે)
મનુષ્ય ભગવદ-ભક્તિ કરે અને પ્રભુ પ્રસન્ન થાય તો પ્રભુ તેને સીધા પોતાના ધામમાં લઇ જાય છે.
પરમાત્માની સાધારણ કૃપા તો સર્વ જીવો પર છે પણ વિશિષ્ઠ કૃપા કોઈ કોઈ જીવ પર કરે છે.
જીવ જયારે વારંવાર પ્રભુની પ્રાર્થના કરી કરીને થાકી જાય,અને છેવટે દીન બનીને પ્રભુને પોકારે,
ત્યારે ભગવાનની તેના પર વિશિષ્ઠ કૃપા થાય છે.જીવ ખૂબ નમ્ર બને અને સાધન (ભક્તિ) કરે તો તે પ્રભુને
ગમે છે.તેમાંયે વળી નિસાધન બની સાધન કરે તો તો તે સહુથી શ્રેષ્ઠ છે.
મારે હાથે કંઇ થતું નથી,કર્તા પ્રભુ છે,હું કંઈ કરતો નથી,એવી દૃઢ ભાવના (નિસાધનની) જેની સિદ્ધ થઇ છે,
તેવો ભક્ત એ પરમાત્માની કૃપાનો અધિકારી બને છે.
ભક્તિને ઘણા લોકો સહેલી માને છે,પણ તે એટલી બધી સહેલી પણ નથી.
આ તો “શિર સાટે નટવરને વરવા” ની વાત છે.
પ્રભુ ને શિર દઈ દઈ દીધું - પછી ધડને ચલાવવાની જવાબદારી નટવરને હાથ છે.
શિર-સાટાની ભક્તિમાં મરણનો ડર નથી,દુઃખનો ડર નથી.
મરીને જીવે અને જીવીને મરે એ ખરો શૂરવીર છે.એ ખરો ભક્ત છે.તેની ભક્તિ એ તેનું પ્રમાણ છે.
મરણનું મરણ એ જ મુક્તિ છે.ભક્તિથી મન ને પ્રભુમાં જોડી દીધું એટલે મનની મુક્તિ થઇ.
મનની મુક્તિ થઇ એટલે જીવની પણ મુક્તિ થઇ.
માટે જ રોજ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે- હે પ્રભુ,મારું મન તમારા સિવાય જગતના કોઈ પદાર્થમાં
ના લાગો.હે નાથ,તમે મારા મનને ખેંચી લો,મારા મનને તમારા માં ભેળવી દો.
આપણું મન પથ્થરના જેવું પૂર્ણ જડ નથી,પણ અર્ધ ચેતન અને અર્ધ જડ છે.
જરા સંકલ્પ કરવામાં આવે તો મન હજારો માઈલ દૂર જઈ આવે છે.
મનનો લય તો માત્ર ઈશ્વરમાં જ થઇ શકે છે.કારણકે સજાતીય વસ્તુ સજાતીયમાં ભળે છે.
દૂધમાં ખાંડ ભળે તેમ.દુઃખમાં કાંકરો ભળી શકે નહિ.
જે ક્ષણે ક્ષણે સરી જાય છે તે સંસાર છે,સંસારનો પ્રત્યેક પદાર્થ નાશવંત છે, મન તેમાં ભળી શકે નહિ.
મન તો માત્ર ઈશ્વરમાં જ ભળે,તેમના સિવાય બીજી કોઈ વસ્તુમાં મન ભળતું નથી.