Dec 12, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-9-Rajvidhya-Rajguhya Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-9-રાજવિદ્યા - રાજ ગુહ્ય યોગ




શ્રી ભગવાન બોલ્યાઃ હે અર્જુન ! જે જાણવાથી તું આ અશુભ સંસારથી મુક્ત થઈશ.
એવું અત્યંત ગુહ્ય જ્ઞાન છે તે તારા જેવા નિર્મળને હું વિજ્ઞાન સહિત કહી સંભળાવું છું.(૧)


આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, સર્વ ગુહ્યમાં શ્રેષ્ઠ છે, પવિત્ર છે, ઉત્તમ છે,
પ્રત્યક્ષ અનુભવમાં લેવાય એવું છે,ધર્માનુસાર છે,સુખપૂર્વક પ્રાપ્ત થનારું અને અવિનાશી છે.(૨)


હે પરંતપ ! ધર્મમાં શ્રદ્ધા ન રાખનારા પુરુષો મારી પ્રાપ્તિ ન થવાથી
મૃત્યુયુક્ત સંસારના માર્ગમાં જ ભમ્યા કરે છે.(૩)


હું અવ્યક્તરૂપ છું, સકળ જગત મારાથી વ્યાપ્ત છે. મારામાં સર્વ ભૂતો સ્થિત છે,
પરંતુ હું તેમનામાં સ્થિત નથી.(૪)


ભૂતો મારામાં નથી, એવી મારી ઈશ્વરી અદભૂત ઘટના જો.  હું ભૂતોને ધારણ કરુંછું છતાં
ભૂતોમાં હું રહેતો નથી. મારો આત્મા ભૂતોની ઉત્પતિ અને સંરક્ષણ કરનારો છે.(૫)


જેવી રીતે સર્વત્ર વિચરનાર પ્રચંડ વાયુ કાયમ આકાશ માં જ હોય છે,
તેમ સર્વ ભૂતો મારામાં સ્થિત છે એમ તું માન.(૬)


હે કાંતેય ! સર્વ ભૂતો કલ્પ ના  અંતે મારી પ્રકૃતિમાં જ લીન થાય છે અને
કલ્પ ના આરંભમાં ફરી હું જ એને ઉત્પન કરું છું.(૭)


આ પ્રમાણે હું મારી પોતાની પ્રકૃતિનો આશ્રય કરીને સ્વભાવથી પરતંત્ર એવા
આ ભૂત સમુદાયને ફરી ફરી લીન કરું છું અને ઉત્પન કરું છું.(૮)


હે ધનંજય ! કર્મો  પ્રત્યે ઉદાસીન પુરુષ પ્રમાણે આસક્તિ વગરના રહેલા મને તે કર્મો બંધન કરતાં નથી.(૯)


હે કાંતેય ! મારી અધ્યક્ષતાથી આ ત્રિગુણાત્મક પ્રકૃતિ આ ચરાચર જગતને ઉત્પન કરે  છે.
એજ કારણ થી વિશ્વ ફરતું રહે છે.(૧૦)


મેં મનુષ્ય દેહ ધારણ કરેલો છે. તેથી મૂઢ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે.
હું સર્વ ભૂતોનો ઈશ્વર છું એવું જે મારું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે તેનું જ્ઞાન તેમને હોતું નથી.(૧૧)


તે અજ્ઞાનીઓની આશા ,કર્મો અને જ્ઞાન – સર્વ વ્યર્થ જ છે. તેઓ વિચારશૂન્ય થઇ જાય છે અને
મોહમાં બાંધનારા રાક્ષસી તથા આસુરી સ્વભાવનો જ આશ્રય કરે છે.(૧૨)


હે પાર્થ  !  જેમણે દૈવી પ્રકૃતિનો આશ્રય કર્યો છે એવા એકનિષ્ઠ મહાત્માઓ જાણે જ છે કે
હું ભૂતોનો આદિ અને અવિનાશી છું. તેઓ એમ સમજીને જ મને ભજે છે.(૧૩)


નિત્ય ભક્તિપૂર્વક શમાદિ વ્રતોને દઢતાપૂર્વક પાળી તે મહાત્માઓ , નિરંતર મારું કીર્તન કરી તથા
ઇન્દ્રિય દમન  અને નમસ્કાર કરતાં મારી જ ઉપાસના કરે છે.(૧૪)


જ્ઞાનયજ્ઞથી પૂજનારા કેટલાક મનુષ્યો મારી ઉપાસના કરે છે.અને વિશ્વતોમુખે રહેલા
કેટલાક મનુષ્યો મારી એકરૂપથી, ભિન્ન ભિન્ન રૂપથી મારી ઉપાસના કરે છે.(૧૫)


અગ્નિહોત્ર આદિ શ્રોતયજ્ઞ, વૈશ્વદેવાદિક સ્માર્તયજ્ઞ, પિતૃઓને અર્પણ થતું  “ સ્વધા” અન્ન,
ઔષધ, મંત્ર, હુત્દ્રવ્ય, અગ્નિ અને હવનકર્મ હું જ છું.(૧૬)


આ જગતનો પિતા, માતા, પિતામહ એટલેકે કર્મફળ આપનાર બ્રહ્મદેવનો પિતા,
પવિત્ર કરનાર યજ્ઞયાગાદિ કર્મો, ઓમકાર, ઋગવેદ, સામવેદ તથા યજુર્વેદ પણ હું જ છું.(૧૭)


પ્રાપ્ત થવા યોગ્ય કર્મફળ ,જગતનો પોષણકર્તા,  સર્વ નો  સ્વામી ,પ્રાણીઓના શુભાશુભ કર્મોનો સાક્ષી,
સર્વનું નિવાસસ્થાન,શરણાગત વત્સલ,અનપેક્ષ મિત્ર,જગતની ઉત્પતિ,પ્રલય રૂપ તથા 
સર્વનો આશ્રય,નિધાન અને અવિનાશી કારણ પણ હું જ છું.(૧૮) 


હે પાર્થ ! સુર્યરૂપે હું તપું છું, વરસાદ પાડનાર અને રોકનાર હું છું, અમૃત હું છું, મૃત્યુ હું છું,સત અને અસત પણ હું છું.(૧૯)


ત્રણ વેદ જાણનારા,સોમપાન કરનારા,અને તેના યોગથી નિષ્પાપ થયેલા,
યાજ્ઞિકો યજ્ઞ વડે મારું પૂજન કરીને સ્વર્ગ પ્રાપ્તિ માટે મારી પ્રાર્થના કરે છે અને 
તેઓ દીક્ષિત પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જઈ દેવોના ભોગો ભોગવે છે.(૨૦)  


તેઓ વિશાળસ્વર્ગલોક નો ઉપભોગ  કરી પુણ્ય સમાપ્ત થતાં પાછા મૃત્યુલોકમાં આવે છે.આમ ત્રણ વેદમાં 
નિર્દિષ્ટ કરેલા કેવળ વૈદિક કર્મ કરનારા કામના પ્રિય લોકો જન્મ-મરણના ચક્કરમાં પડે છે.(૨૧)  


જે લોકો એકનિષ્ઠ થઈને મારું ચિંતન કરતાં મારી ઉપાસના કરે છે,
એ સર્વદા મારી સાથે નિષ્કામ ભક્તોના યોગક્ષેમને હું ચલાવતો રહું છું.(૨૨)  


અન્ય દેવોને ઉપાસતા લોકો શ્રધાયુક્ત થઇ તે દેવતાઓનું પૂજન-યજન કરે છે.
હે કાન્તેય !તેઓ પણ મારું જ યજન કરે છે. પરંતુ તેમનું એ આચરણ અવિધિપૂર્વકનું હોય છે.(૨૩)


કેમ કે હું જ સર્વ યજ્ઞોનો ભોક્તા અને સ્વામી છું,અન્ય દેવોના ભક્તો મને તત્વત: જાણતા નથી.
તેથી તેઓ મુખ્ય યજ્ઞફળથી વંચિત રહે છે.(૨૪)


દેવોની ઉપાસના કરનારા દેવલોકમાં જાય છે,પિતૃભક્તો પિતૃલોકમાં જાય છે, ભૂતોના પુજકોને ભૂતોની 
પ્રાપ્તિ થાય છે અને મારું ભજન કરનારાઓને મારી પ્રાપ્તિ થાય છે.(૨૫)


શુદ્ધ ચિત્તવાળા ભક્તો પ્રેમ અને ભક્તિપૂર્વક મને પત્ર,પુષ્પ,ફળ,જળ વગેરે અર્પણ કરે છે.
તે હું સાકારરૂપ ધારણ કરી  પ્રેમપૂર્વક ગ્રહણ કરું છું.(૨૬)


હે કાન્તેય ! તું જે કઈ કર્મ કરે, ભક્ષણ કરે, હવન કરે, દાન આપે કે સ્વધર્માચરણરૂપ તપકરે,
તે સર્વ કંઈ  મને અર્પણ કરી દે.(૨૭)


આમ સર્વ કર્મો મને અર્પણ કરવાથી તારું અંત:કરણ સન્યાસયોગ યુક્ત થશે.આથી તું 
શુભ-અશુભ ફળ આપનારા કર્મબંધનથી મુક્ત થઇ જઈશ.અને એમ તું મારામાં મળી જઈશ.(૨૮)


હું સર્વ ભૂતોમાં સમાન છું, મારો કોઈ શત્રુ નથી કે કોઈ મિત્ર નથી.
મને જે ભક્તિથી ભજે છે તેઓ મારામાં સ્થિર છે અને હું પણ તેમનામાં રહું છું.(૨૯)


અતિ દુરાચારી હોવા છતાં જે એકનિષ્ઠાથી મારું ભજન કરે તેને સાધુ સમજવો.કેમ કે તે યથાર્થ 
નિશ્વયવાળો હોય છે.એટલેકે તે એવું માને છે કે પ્રભુભજન સિવાય અન્ય કઇ જ નથી.(૩૦)


હે કાન્તેય ! તે તરત જ ધર્માત્મા બની જાય છે અને શાશ્વત, પરમ શાંતિ પામે છે.
મારા ભક્તનો કદી નાશ થતો નથી, એ તું નિશ્વયપૂર્વક જાણ.(૩૧)


સ્ત્રીઓ,વૈશ્ય , શુદ્ર  વગેરે જે કોઈ પાપ યોનિમાં જન્મ્યા હોય તો પણ 
હે પાર્થ ! તેઓ મારો આશ્રય કરે તો તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે.(૩૨)


આ પ્રમાણે છે તો જે પુણ્યશાળી હોય અને સાથે મારી ભક્તિ કરનારા બ્રાહ્મણ અને રાજર્ષિ હોય તો તે 
મને અતિ પ્રિય જ હોય. તેં આ નાશવંત અને દુઃખી એવા મૃત્યુલોકમાં જન્મ ધારણ કર્યો છે,
તો મારું ભજન કર.(૩૩)


હે અર્જુન ! તું મારામાં મન રાખ, મારો ભક્ત થા, મારા પૂજન વિષે પરાયણ થા તથા મને નમસ્કાર કર.
આ પ્રકારે મારા શરણ ને પ્રાપ્ત થયેલો તું તારા અંત:કરણને મારામાં યોજવાથી મને પામીશ.(૩૪)
અધ્યાય-૯-રાજવિદ્યા-રાજ ગુહ્ય યોગ સમાપ્ત.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE