Dec 15, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-12-Bhakti Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-12-ભક્તિ યોગ




અર્જુન કહે છે-એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ભજે છે,
અને જે લોકો આપણી નિર્ગુણ સ્વરૂપ ની ઉપાસના કરે છે,તે બંને માં શ્રેષ્ઠ યોગવેતા કોણ? (૧)


શ્રી ભગવાન બોલ્યા- જેઓ મન ને એકાગ્ર કરી ,નિરંતર ધ્યાન ધરતાં શ્રેષ્ઠ શ્રધ્ધાથી યુક્ત થઇ મને
ઉપાસે છે તેમને મેં શ્રેષ્ઠ યોગવેત્તા ઓ માન્યા છે.(૨)


સર્વ જીવો (ભૂતો) નું હિત કરવા માં તત્પર અને સર્વ માં સમદ્રષ્ટિ રાખવાવાળા જે પુરુષો -


સર્વ ઇન્દ્રિયોનું યથાર્થ નિયમન કરીને અનિર્દ્રશ્ય,અવ્યક્ત,સર્વમાં વ્યાપેલા ,અચિંત્ય,કુટસ્થ,
અચળ,શાશ્વત તથા અવિનાશી બ્રહ્મની ઉપાસના કરેછે,તેઓ મને જ પામે છે.


નિર્ગુણ બ્રહ્મ ની ઉપાસના કરનારા દેહધારી મનુષ્યો કષ્ટ થી એ
ઉપાસના કરે છે અને તેમને અવ્યક્ત ગતિ ઘણા યત્નથી પ્રાપ્ત થાયછે.(૩,૪,૫)


કિન્તુ જેઓ મારા પરાયણ થઇ ને સર્વે કર્મો મને અર્પણ કરેછે અને મારુજ ધ્યાન ધરી
અનન્ય શ્રધ્ધા ભાવ થી મારીજ ઉપાસના કરેછે તથા


જેઓ પોતાનું ચિત્ત મને જ  સમર્પિત કરી દેછે એવા મારા ભક્તોનો હે પાર્થ ! હું જન્મ-મરણ રૂપી 
આ સંસાર માંથી તરત જ ઉદ્ધાર કરું છું.(૬,૭)


મનને મારા વિષે સ્થિર કર અને બુદ્ધિને પણ મારા વિષે  સ્થિર કર તેમ કરવાથી આ દેહના
અંત પછી તું મારા વિષે જ નિવાસ કરીશ,એમાં શંકા ને કોઈ સ્થાન નથી.(૮)


હે ધનંજય, જો મારા સગુણ રૂપ માં મન સ્થાપીને સ્થિર કરવા માટે તું અસમર્થ હોય તો -
અભ્યાસ ના યોગ વડે મને પામવાની ઈચ્છા કર.(૯)


અભ્યાસ નો યોગ કરવા માં પણ તું અસમર્થ હોય તો મારા ઉદ્દેશથી જ કર્મ કરતો રહે
મને ઉદ્દેશીને કર્મો કરીશ તો પણ તું સિદ્ધિ ને પ્રાપ્ત કરીશ.(૧૦)


જો મને ઉદ્દેશીને કર્મો કરવામાં પણ તું અશક્ત હોય તો મારા યોગ નો આશ્રય કરી-
મનનો સંયમ કર,અને અનન્ય ભાવે મારા શરણે આવી,સર્વ કર્મો નાં ફળ નો ત્યાગ કરી દે.(૧૧)


અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને
ધ્યાન કરતાં કર્મ ના ફળ નો ત્યાગ શ્રેષ્ઠ છે કારણકે કર્મફળ ના ત્યાગથી શાંતિ શ્રેષ્ઠ છે.
આ રીતે આગળ વધવાથી શાંતિ પ્રાપ્ત થાય છે.(૧૨)


જે સર્વ ભૂતો નો દ્વેષ નથી કરતો પરંતુ સર્વ નો મિત્ર છે,જે કરુણા મય છે,જે મમતા રહિત
છે,જે અહંકાર રહિત છે,જે સુખ દુઃખ માં સમાન ભાવ રાખે છે ,જે ક્ષમાવાન છે,(૧૩)


જે સદા સંતુષ્ટ રહે છે,જે સ્થિર ચિત્ત છે,જેનું મન સંયમિત છે,જે દઢ નિશ્વયી છે અને જેણે પોતાનું
મન તથા બુદ્ધિ મને અર્પણ કર્યાં છે એવો મારો ભક્ત મને પ્રિય છે.(૧૪)


જેનાથી લોકોને સંતાપ થતો નથી તથા લોકો ના સંસર્ગ થી જેને સંતાપ થતો નથી,
તેમજ જે હર્ષ ,અદેખાઈ ,ભય તથા ઉદ્વેગ થી મુક્ત છે તે મને પ્રિય છે.(૧૫)


મારો  જે ભક્ત સ્પૃહારહિત ,આંતર-બાહ્ય રીતે પવિત્ર,દક્ષ,ઉદાસીન,વ્યથારહિત અને સર્વ
આરંભ નો ત્યાગ કરનારો છે તે મને પ્રિય છે.(૧૬)


જે હર્ષ પામતો નથી ,જે દ્વેષ કરતો નથી,જે ઈચ્છા કરતો નથી,જે શુભ અને અશુભનો 
ત્યાગ કરનારો ભક્તિમાન છે તે મને પ્રિય છે.(૧૭)


જે શત્રુ તથા મિત્ર માં સમાનભાવ રાખે છે,માન-અપમાન માં સમ છે ,ટાઢ-તડકો,
સુખ-દુઃખ માંસમ છે,તથા સંગ થી રહિત (આસક્તિ વગરનો) છે


અને જે નિંદા-સ્તુતિમાં સમાનતાથી વર્તે  છે,જે મૌન ધારણ કરેછે,
જે કંઈ મળે તેમાં સંતુષ્ઠ રહેછે,જેનો નિવાસ સ્થિર નથી (સ્થળ ની આસક્તિ નથી)
જેની બુદ્ધિ સ્થિર છે તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે.(૧૮,૧૯)


પરંતુ મારામાં શ્રદ્ધા રાખીને અને મારા પરાયણ થઈને મારા જે ભક્તો અત્યાર સુધીમાં
વર્ણવેલા ધર્મ રૂપ અમૃત નું સેવન કરેછે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.(૨૦)

અધ્યાય-૧૨-ભક્તિ યોગ-સમાપ્ત.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE