Jan 1, 2021

ભાગવત રહસ્ય -૪૯3 (સંપૂર્ણ)

શુકદેવજી કહે છે કે-રાજા,તારા લીધે મને કૃષ્ણ-કથા કરવાનું મળ્યું,હું પણ કૃતાર્થ થયો.તારા લીધે મને પણ કૃષ્ણ-પ્રેમમાં તન્મયતા થઇ.મારા હૃદયમાં શ્રીકૃષ્ણ આવી વિરાજ્યા.રાજા,તારા શરીર ને તક્ષક નાગ કરડશે તે મારાથી જોઈ શકાશે નહિ.આગળ નો પ્રસંગ જોવાની મારી જોવાની ઈચ્છા નથી.રાજા,તારા મનમાં કાંઇ શંકા હોય તો પ્રશ્ન કર.કારણ મારે જવું પડશે,હું બ્રહ્મ-નિષ્ઠ છું,તક્ષક મારી હાજરીમાં આવશે ને મારી નજરે ચડશે તો તેનું ઝેર અમૃત થઇ જશે.

પરીક્ષિતે ગુરુદેવ ને વંદન કરી કહ્યું કે-મારા મનમાં હવે કોઈ શંકા રહી નથી.તમારા પ્રતાપે હું નિર્ભય થયો છું,
મને હવે ચારે બાજુ નારાયણ નાં દર્શન થાય છે.
શુકદેવજી કહે છે કે-મારું કામ પુરુ થયું,હવે હું જાઉં છું,તું મને રજા આપ.

પરીક્ષિત કહે છે કે-ગુરુજી આપ તો મહાન છો,આપને કોણ રજા આપી શકે?મારી એક જ ભાવના છે કે,
મારા સદગુરુદેવ ની એક વખત છેલ્લે પૂજા કરું.પછી જ આપ જાવ.
રાજા પરીક્ષિતે શુકદેવજી ની પૂજા કરી,ગુરુદેવના ચરણ માં માથું મુક્યું,
પ્રસન્ન થયેલા ગુરુદેવે રાજાના મસ્તક પર પોતાનો વરદ હસ્ત પધરાવ્યો.
અને તે જ વખતે પરીક્ષિત ને પરમાત્માનાં દર્શન થયાં છે સાક્ષાત્કાર થયો છે.જીવ અને બ્રહ્મ એક થયા છે.

મોટા મોટા ઋષિ ઓ આ જ્ઞાન-સત્ર માં બેઠા હતા.તેઓ ને પરમ આશ્ચર્ય થયું છે.
શુકદેવજી નું જ્ઞાન,તેમનો વૈરાગ્ય અને તેમની પ્રેમ-લક્ષણા ભક્તિ અલૌકિક છે.

વ્યાસજી પણ તે કથા સાંભળવા બેઠા હતા,વ્યાસજી વિચારે છે કે-
ભાગવત મેં મારા પુત્ર શુકદેવજી ને ભણાવ્યું,પણ તેનું તત્વ,તે સમજ્યા છે તેવું હું પણ સમજ્યો નહિ.
મારો પુત્ર છે પણ મારાથી પણ શ્રેષ્ઠ છે.
સાધારણ રીતે પિતા પુત્ર ને માન ના આપે,પણ વ્યાસજી ઉભા થઇ શુકદેવજીને વંદન કરે છે.
તે પછી,શુકદેવજી ત્યાંથી અંતર્ધાન થયા છે.

પરીક્ષિત ગંગાજી માં સ્નાન કરી આદિનારાયણ પરમાત્મા નું ધ્યાન કરે છે.
રાજા પરીક્ષિત ના શરીરમાંથી એક જ્યોતિ નીકળી અને મહા જ્યોતિમાં ભળી ગઈ.
તે પછી તક્ષક ત્યાં આવે છે,અને રાજા ના શરીરને કરડે છે,વિષાગ્નિમાં શરીર ભડભડ બળી ગયું.
ધન્ય છે પરીક્ષિત ને કે જે કાળ કરડતાં પહેલાં જ તે ભગવાનના ધામ માં ગયો.
ધન્ય છે શુકદેવજી ને અને ધન્ય છે આ ભાગવત કથાને.

સૂતજી કહે છે કે-હું તે વખતે ત્યાં બેઠો હતો,પરીક્ષિત નો મોક્ષ મેં નજરે જોયો છે.

આ પ્રમાણે શ્રીમદ ભાગવતમાં સર્વ પાપો નો નાશ કરનારા ઇન્દ્રિયોના નિયંતા ભગવાન શ્રી હરિનું
સાક્ષાત વર્ણન કર્યું છે.

મહારાજ કહે છે કે-આ જ્ઞાન-સત્ર છે,કથા સાંભળી ને કાંઇ પણ જીવન માં ઉતારો તો કથા સાર્થક થાય.
સત્કર્મ ની સમાપ્તિ હોતી નથી,જીવન ના છેલ્લા શ્વાસ સુધી સત્કર્મ કરજો,પરોપકારમાં શરીર ઘસાવજો.
સર્વમાં પરમાત્મા વિરાજેલા છે.એવો સદભાવ રાખી સર્વની સેવા કરજો.
જીવનની સમાપ્તિ સુધી,શ્રીકૃષ્ણ સેવા-સ્મરણ કરજો.

આ કથા સાંભળવામાં વક્તા-શ્રોતા થી અજાણ્યે પ્રમાદથી કોઈ દોષ થઇ ગયા હોય તો તેનું પ્રાયશ્ચિત કરવાનું હોય છે.મોટે થી સર્વ ત્રણ વાર “શ્રી હરયે નમઃ” બોલો.
આ મંત્ર થી સર્વ પાપો નો નાશ થાય છે.અને મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.

અંતમાં જેમનું નામ-સંકીર્તન સર્વ પાપોનો નાશ કરે છે,અને જેમને કરેલા પ્રણામ સર્વ દુઃખો ને હરી લે છે,
તે પરમેશ્વર શ્રી હરિને હું નમસ્કાર કરું છું.

સ્કંધ-૧૨-સમાપ્ત.
ભાગવત-રહસ્ય-સંપૂર્ણ

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE