Dec 7, 2020

ભાગવત રહસ્ય -૪૬૯

સુશીલા કહે છે કે-હું એમ નથી કહેતી કે તમે માગવા જાવ.પ્રભુને તો હજાર આંખો છે.બાગમાં જઈ ને બેસો તો પુષ્પની સુવાસ માગ્યા વગર આવે છે.ભગવાન પાસે માંગવાની કોઈ જરૂરત રહેશે જ નહિ,તમને જોતાં જ તે સર્વ હકીકત સમજી જશે.તે ઉદાર એવા છે કે આત્મા નું પણ દાન કરે છે.પ્રભુને ત્યાં માગવા નહિ પણ તેમને મળવા જાવ.તેમનાં દર્શન કરવા જાવ.

સુદામા કહે છે કે-હું અહીં જ તેમનાં દર્શન કરું છું.હું મારા કૃષ્ણને મનથી મળું છું.રોજ તેને રિઝાવું છું.
શરીરના મિલનમાં થોડું સુખ છે પણ મનથી મળું છું તેમાં અનેકગણો આનંદ છે.
સુશીલા કહે છે કે-મનથી તમે રોજ મળો છો પણ એક વખત તમે ત્યાં પ્રત્યક્ષ દર્શન કરવા જાવ.
મને ખબર છે કે કોઈને દ્વારે નહિ જવું તેવી તમારી પ્રતિજ્ઞા છે,પણ તમે કોઈ જીવને દ્વારે નહિ પણ
પરમાત્માના દ્વારે જાઓ છો,તેમના દ્વારે જવામાં સંકોચ રાખવો જોઈએ નહિ,તેમનાં દ્વાર સર્વને માટે
સદા ખુલ્લાં છે.કનૈયો તમને મળશે તમને પ્રેમથી આલિંગન આપશે.

સુદામા જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ હતા,છતાં સુદામા માં સૂક્ષ્મ અભિમાન છે.
“હું બીજા બ્રાહ્મણો કરતાં શ્રેષ્ઠ છું.બીજા બ્રાહ્મણો ઘેરઘેર રખડે છે,પ્રભુના દ્વારે પણ હું માગવા નહિ જાઉં.”
પરમાત્માના દ્વારે તો સહુને જવું જ પડે છે. નહિ જાઉં –તેમ કહેવું અભિમાન કહેવાય.
સુશીલાના સત્સંગથી સુદામાનું સૂક્ષ્મ અભિમાન દૂર થયું છે.

સુદામા વિચારે છે કે –આજ સુધી મારી પત્નીએ મને કંઈ કહ્યું નથી.ઘરમાં પંદર દિવસથી ખાવા કંઈ નથી,
છતાં સંતોષથી જીવન પુરુ કરે છે.એ બહુ લાયક છે એટલે મારાથી ભક્તિ થાય છે.આજે હું તેનું અપમાન કરું તે ઠીક નથી.એટલે સુદામા કહે છે-કે-મિત્રને મળવા જવા હું તૈયાર છું,પણ ઘણા વર્ષે ત્યાં જાઉં છું તો
મિત્ર માટે કાંઇ ભેટ તો લઇ જવી જોઈએ ને? ઘરમાં કાંઇ હોય તો આપો.

ઘરમાં કશું હતું નહિ.સુશીલા આજ દિન સુધી માગવા ગઈ ન હતી,આજે પરમાત્મા માટે માગવા ગઈ છે.
સુશીલા પડોશીના ઘેર ગઈ છે ત્યાંથી બે મુઠ્ઠી પૌઆ મળ્યા છે.તે એક ચીંથરામાં બાંધ્યા છે.
ધન્ય છે એ સુશીલાને કે એક પણ પૌઆનો દાણો તેણે ઘરનાં બાળક માટે રાખ્યો નથી.
“ભગવાન માટે જે લાવી છું તે સર્વ ઠાકોરજી ને અર્પણ કરવું છે”

સુશીલાએ વિચાર્યું કે –ત્યાં સોનાના મહેલ અને વૈભવ જોઈ તેઓ ગભરાશે,તો શરમને લીધે આ પૌઆ તેઓ
આપશે નહિ.એટલે કહ્યું કે-નાથ,આ પૌઆ આપતાં તમને સંકોચ થાય તો દ્વારકાધીશને મારું નામ દઈ ને કહેજો કે-તમારી ભાભીએ આ ભેટ મોકલાવી છે.હું ગરીબ છું પણ દ્વારકાનાથની ભાભી છું.

પત્નીના કહેવાથી અને શ્રીકૃષ્ણનાં દર્શન થશે –એમ વિચારી સુદામા દ્વારકા જવા નીકળ્યા છે.
શરીરનાં હાડકાં દેખાય છે,ફાટેલી પોતડી પહેરી છે.હાથમાં લાકડી અને બગલમાં પોટલી દબાવી છે.

સુશીલા વિચારે છે કે-આજે મારા પતિદેવ ને મેં બહુ ત્રાસ આપ્યો છે.પંદર દિવસથી ખાધું નથી,
શરીર દુર્બળ છે,તેઓ કેમ ચાલી શકશે? દ્વારકા બહુ દૂર છે,રસ્તામાં કાંઇ થાય તો તેમનું કોણ રક્ષણ કરશે?
મેં ભૂલ કરી છે,એમની જવાની ઈચ્છા નહોતી પણ મેં પરાણે મોકલ્યા છે.આજે મેં તેમને ત્રાસ આપ્યો,પણ
હું શું કરું?આ બાળકો બહુ ત્રાસ આપે છે,તેમની દશા મારાથી જોવાતી નથી.

સુશીલા એ સૂર્યનારાયણને પ્રાર્થના કરી છે કે-મારા પતિ કોઈ દિવસ કોઈને દ્વારે ગયા નથી પણ આજે દ્વારકા જાય છે,તે પંદર દિવસથી ભૂખ્યા છે,તેમની સાથે રહેજો અને તેમનું રક્ષણ કરજો. તેઓ સુખરૂપ ઘેર પાછા આવે,હું તો ગરીબ બ્રાહ્મણી છું,તમને શું આપું? પણ હું તમને વંદન કરું છું.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE