Dec 3, 2020

ભાગવત રહસ્ય -૪૬૫

ચિત્રલેખાએ પોતાની યોગ-વિદ્યાના બળથી,પલંગ સાથે અનિરુદ્ધને ઉઠાવ્યો છે.અને આકાશ માર્ગે તે જવા લાગી. અહીં સુદર્શન અને નારદજી વાતો કરે છે ત્યાં ઉપરથી પુષ્પ ની માળા પડી,સુદર્શને ઉપર જોયું,તો તેને વિમાન જેવું દેખાયું.તે નારદજી ને પૂછે છે કે-મહારાજ,મહેલમાં કાંઇ ચોરી તો નથી થઈને ? સવાર પડ્યું,જુએ તો અનિરુદ્ધ ના મળે.
સર્વને આ વાતની જાણ થઇ.શ્રીકૃષ્ણે સુદર્શનને પૂછ્યું-કે-રાતે શું કરતો હતો ? સુદર્શને કહ્યું કે-નારદજી જોડે સત્સંગ કરતો હતો.ભગવાને તેને ઠપકો આપ્યો.“તારી નોકરી છોડી સત્સંગ કરવાની તારે શી જરૂર હતી ?”

ચિત્રલેખા અનિરુદ્ધને અંતઃપુરમાં લઇ આવે છે.બાણાસુરને આ વાતની ખબર પડતાં અનિરુદ્ધને કેદ કરે છે.
શ્રીકૃષ્ણને ખબર પડી કે અનિરુદ્ધને બાણાસુરે કેદ કર્યો છે એટલે તેમણે શોણિતપુર પર ચડાઈ કરી છે.
બાણાસુર શિવજીનો ભક્ત હોવાથી શિવજી પણ લડવા આવ્યા છે.
બાણાસુર શિવજીનો સેવક હોવાથી તેને માર્યો નથી.પણ તેને હજાર હાથ હતા,તેમાંના ૯૯૬ કાપી નાખ્યા છે.સુદર્શન ચક્રથી કોઈ બચ્યો હોય તો તે બાણાસુર છે.
બાણાસુર શિવભક્ત હતો અને તેમના પિતા બલિ મહા વૈષ્ણવ હતા.

તે પછી,નૃગરાજાના ઉદ્ધારની કથા છે.સકામ કર્મ પાપનો નાશ કરે નહિ પણ કર્મો જો પ્રભુ-પ્રિત્યર્થે
કરવામાં આવે તો જ પાપનો નાશ થાય છે,તેવું તે કથાનું રહસ્ય છે.
તે પછી દાઉજી એ દ્વિવીદ વાનર,પૌન્ડુંક અને કાશીરાજાનો વધ કર્યો તેની કથા છે.
પછી દુર્યોધનની કન્યા લક્ષ્મણાનો વિવાહ શાંબ સાથે થયો તે પ્રસંગ કહી સંભળાવ્યો.

એક દિવસ નારદજીને કૃષ્ણ નો ગૃહસંસાર જોવાની ઈચ્છા થઇ.
નારદજીને થયું કે-એક-બે સ્ત્રીઓના ધણી ની દુર્દશા થાય છે,ત્યારે આ તો ૧૬૧૦૮ રાણીઓ છે.
આ રાણીઓ સાથે શ્રીકૃષ્ણ કેવી રીતે રહેતા હશે?ક્યારે કોને મળતા હશે?
સર્વને રાજી કેવી રીતે રાખતા હશે ?
શાસ્ત્ર કહે છે-કે-બ્રહ્મચારી કે સંન્યાસીએ ગૃહસ્થીના ઘરનો વિચાર કરવો ના જોઈએ,
જે રસ્તે જવું નહિ તેનો શા માટે વિચાર કરવો ?પણ આ તો નારદજી છે,
તેમણે વિચાર કર્યો કે- ભગવાન ના ઘરમાં કલહ જગાડું તો હું નારદ ખરો.
જે મહેલમાં ભગવાન વિરાજતા ના હોય તે મહેલમાં જઈ ને તે રાણીને ભરમાવીશ.

નારદજી ભગવાનનો ગૃહ સંસાર જોવા દ્વારકા આવ્યા છે.રુક્મિણીના મહેલમાં ગયા તો,
શ્રીકૃષ્ણે ઉભા થઇ,નારદજી નું ગૃહસ્થ ના ધર્મ અનુસાર સ્વાગત કર્યું છે.નારદજીના ચરણ ધુએ છે,
પૂજા કરે છે.નારદ બ્રાહ્મણ અને અતિથી હોવાના કારણે ભગવાન તેમની પૂજા કરે છે.
પ્રભુ તો સર્વ જાણે છે છતાં,નારદજીને પૂછે છે કે-બોલો,કેમ પધારવું થયું ?ક્યારે આવ્યા ?

ત્યાંથી બીજા મહેલમાં જાય છે તો ત્યાં શ્રીકૃષ્ણ,ઉદ્ધવજી જોડે પાસા રમે છે,શ્રીકૃષ્ણે ઉભા થઇ સ્વાગત કરીને પૂછ્યું કે-નારદજી ક્યારે આવ્યા ? નારદજી આશ્ચર્ય માં પડ્યા છે કે-હજુ થોડી  વાર પહેલાં રુક્મિણીના મહેલમાં સ્વાગત કરેલું અને મને પૂછે છે કે-ક્યારે આવ્યા ?


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE