Dec 2, 2020

ભાગવત રહસ્ય -૪૬૪

શ્રીકૃષ્ણ રુક્મિણીને કહે છે કે-'દેવી તમને થશે કે- મારી જરૂર નહોતી તો મને શું કામ લેવા આવ્યા ?પણ હું તમારા માટે નહિ પણ રાજાઓને મારું પરાક્રમ બતાવવા આવ્યો હતો.
દેવી,હજુ કશું બગડી ગયું નથી' આમ કહી 'પોતે મનથી રુક્મિણીનો ત્યાગ કર્યો છે' તેવું રુક્મિણીને બતાવે છે.આ સાંભળી રુક્મિણી ગભરાયાં છે,”નાથ,મારો ત્યાગ ના કરો” એમ કહેતાં તેમને મૂર્છા આવી ગઈ છે.

પ્રભુએ વિચાર્યું કે હવે દવાની અસર થઇ છે.ચતુર્ભુજ નારાયણે બે હાથથી રુક્મિણીજીને ઉઠાવી પલંગ પર સુવાડ્યાં,એક હાથે પંખો નાખે છે ને એક હાથે પસીનો લૂછે છે.શ્રીકૃષ્ણને બધું નાટક કરતાં આવડે છે.અને રુક્મિણીને કહે છે કે-દેવી,હું તો મશ્કરી માં કહેતો હતો,બાકી તું તો મને પ્રાણથી પ્યારી છે.

રુક્મિણીને ખબર પડી ગઈ કે-મારું અભિમાન દૂર કરવા પ્રભુએ આ લીલા કરી છે.
તેમનામાં દૈન્ય આવ્યું છે. રુક્મિણીમાં અભિમાન હતું ત્યારે ભગવાને કહ્યું કે હું તારા માટે લાયક નથી,
અને હવે રુક્મિણી કહે છે કે હું તમારે માટે લાયક નથી,હું તમારી રાણી નહિ પણ દાસી છું.મારો ત્યાગ ના કરો. જીવ સર્વ પ્રકારે અભિમાન છોડી ને દીન બની પ્રભુ ને શરણે આવે છે,ત્યારે પ્રભુ તેને માન આપે છે.

આ અધ્યાય નો ભાવ દિવ્ય છે.સ્ત્રી કે પુરુષ એ બાધક નથી પણ તેમનામાં રહેલી આસક્તિ બાધક છે.
સાધારણ માનવ ભય વગર પાપ છોડતો નથી,તેથી પુરાણોમાં –નરકો-નાં વર્ણન કરેલાં છે.
જીવમાં અભિમાન આવે અને પોતાને જ શ્રેષ્ઠ માનવા લાગે,ત્યારે પ્રભુ માનવના જીવનમાં ભય ઉત્પન્ન
કરે છે. “ભય બિન પ્રીતિ નાહી” પ્રભુ તેની ઉપેક્ષા કરે છે,
અને જયારે જીવ અભિમાન છોડે તો ભગવાન તેને પોતાના કરતાં પણ મોટો બનાવે છે.
અનેકવાર કથામાં આવે છે કે ભગવાનની હાર અને ભક્તની જીત થાય છે.

હવે પછી ઉષા-અનિરુદ્ધના લગ્નની કથા આવે છે.
બાણાસુર મહાન શિવ-ભક્ત છે.તેને ઉષા નામની કન્યા હતી.
ઉષાને સ્વપ્નમાં અનિરુદ્ધ દર્શન થાય  છે અને સ્વપ્નમાં અનિરુદ્ધ સાથે તેનાં લગ્ન થાય છે.
ઉષાની સખી હતી ચિત્રલેખા.તે ઉષાને કહે છે કે-તું ચિંતા ના કર,જગતમાં જ્યાં પણ તે પુરુષ હશે ત્યાંથી
તેને ઉઠાવી ને લઇ આવીશ.ચિત્રલેખા તેને ચિત્ર  બતાવે છે,પણ જયારે અનિરુદ્ધનું ચિત્ર બતાવે છે ત્યારે
ઉષા શરમાય છે,ચિત્રલેખાને ખબર પડી ગઈ,એટલે તે દ્વારકા અનિરુદ્ધનું હરણ કરવા આવી છે.

પણ દ્વારકાને ફરતો સુદર્શન ચક્રનો પહેરો છે.ચિત્રલેખા વિચારમાં પડી,ત્યાં નારદજી મળ્યા છે.
તે નારદજી ને કહે છે કે તમે મને મદદ કરો,સુદર્શન જોડે વાતે વળગો.હું ચોરી કરવા જાઉં છું.
નારદજી કહે છે કે-તું કોની ચોરી કરવા જાય છે?
ચિત્રલેખાએ કહ્યું કે -હું અનિરુદ્ધની ચોરી કરવા જાઉં છું.

અનિરુદ્ધ એ મનના માલિકદેવ છે,ચિત્રલેખા એટલે ચિત્ર-વિચિત્ર સંકલ્પ કરનારી બુદ્ધિ છે.
બુદ્ધિ મનને પકડવા જાય છે.પણ તે કયારે પકડી શકે? જયારે નારદ એટલે કે બ્રહ્મચર્યની મદદ મળે ત્યારે.

નારદજી સુદર્શન સાથે વાતો કરવા પ્રયત્ન કરે છે.
સુદર્શન કહે છે કે મારે આખી રાત પહેરો ભરવાનો છે,મને અત્યારે ફુરસદ નથી.
નારદજી કહે છે કે-તું પહેરો ભરે તે ઠીક છે,પણ કોઈ વૈષ્ણવ આવે તો તેની સાથે સત્સંગ-ભજન પણ
કરવું જોઈએ.તું શું રક્ષણ કરવાનો હતો ? રક્ષણ કરનાર એક શ્રીકૃષ્ણ છે.તારું આ અજ્ઞાન સત્સંગ વગર
જશે નહિ.સુદર્શન નારદજી જોડે સત્સંગ કરે છે તે તકનો લાભ લઈને ચિત્રલેખાએ મહેલમાં પ્રવેશ કર્યો.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE