Dec 29, 2020

ભાગવત રહસ્ય -૪૯૦

શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે કે-તું એવી ભાવના રાખ કે હું તારી સાથે જ છું.
પરમાત્માનું સતત સ્મરણ રહે તે સિદ્ધિ જ છે.પણ ઉદ્ધવને હજુ સાંત્વના મળતી નથી.
તે કહે છે કે ભાવના કોઈ આધાર વગર થતી નથી,મને કોઈ આધાર આપો.
એટલે દ્વારકાનાથે પોતાની ચરણ પાદુકાઓ ઉદ્ધવને આપી.ઉદ્ધવને હવે થયું કે હું એકલો નથી.મારા પરમાત્માની ચરણ-પાદુકા,મારા પરમાત્મા -મારી પાસે જ છે.

ઠાકોરજીને નિત્ય સાથે રાખવાના એટલે પરમાત્માના સાનિધ્ય નો નિત્ય અનુભવ કરવાનો છે.
તુકારામજી એ કહ્યું છે કે-મારા વંશનો નાશ થવાનો હોય તો ભલે થાય,
મને ભોજન ના મળે તો ભલે ના મળે,પણ મારા ઠાકોરજી મારી સાથે નિત્ય રહે.

શહેરોનું સૌન્દર્ય કામ જનક છે,હિમાલયનું સૌન્દર્ય સાત્વિક છે.
ઉદ્ધવજી બદ્રીકાશ્રમ આવ્યા છે,અલકનંદાના કિનારે આવ્યા છે.ગંગાજીમાં સ્નાન કર્યું છે,
પાંડુકેશ્વરમાં ઉદ્ધવજી બેઠા છે.ઉદ્ધવજી કૃતાર્થ થયા છે,ઉદ્ધવજીને સદ્ગતિ મળી છે.

તે પછી એક અધ્યાયમાં યાદવોના સંહારની કથા કહી છે.
શ્રીધર સ્વામીએ શ્રીકૃષ્ણ ચરિત્રનો ઉપસંહાર સુંદર કર્યો છે.
દ્વારકાલીલાની સમાપ્તિ થઇ તે જ વખતે પંઢરપુરમાં પુંડલિક નામનો ભક્ત થયો છે.
પુંડલિકને કૃતાર્થ કરવા દ્વારકાનાથ વિઠ્ઠલનાથ થયા છે. જગતના જીવોનો ઉદ્ધાર કરવા 
દ્વારકાનાથ ઈંટ પર વિઠ્ઠલનાથ સ્વરૂપે વિરાજ્યા છે.

પુંડલિકને માતા-પિતાની સેવા કરવામાં સમય મળતો નહોતો,તેને ઘણીવાર ઈચ્છા થાય કે –
મારે દ્વારકાધીશના દર્શન કરવા છે.પણ તે દ્વારકા જઈ શકતો નહોતો.
અને વિચારે છે કે દ્વારકાધીશ મને અહીં આવીને દર્શન આપે તો સારું.

પુંડલિકની માત-પિતાની ભક્તિથી દ્વારકાધીશ પ્રસન્ન થયા છે અને તેને દર્શન આપવા પંઢરપુર આવે છે.
પુંડલિક માતા-પિતાની સેવામાં મશગૂલ છે,બહાર આવતા નથી,કહે છે મારી ઝૂંપડી બહુ નાની છે,
તેણે ઘરની બહાર ઈંટ ફેંકી અને કહ્યું કે આના ઉપર ઉભા રહો,હું માતા-પિતાની સેવા કરીને આવું છું.
દ્વારકાનાથ ઈંટ પર ઉભા રહ્યા છે,ઉભા ઉભા કેડપર હાથ રાખીને ઉભા છે,રાહ જુએ છે.

કેડ પર હાથ રાખી વિઠ્ઠલનાથ બોધ આપે છે કે-મારા શરણે આવનાર ને માટે સંસાર-સાગર આટલો જ
ઊંડો છે,કેડપૂર પાણીમાં કોઈ ડૂબી શકે નહિ.કરેલા પાપો નું પ્રાયશ્ચિત કરવા મારે શરણે આવો.
તમે મારા ચરણોનો આશ્રય કરશો તો તરી જશો.નહિતર આ સંસાર-સાગરમાં મોટામોટા ડૂબી ગયા છે.

શ્રીકૃષ્ણ ના સેવા-સ્મરણમાં જે તન્મય બને છે તે અનાયાસે સંસાર સાગરને તરી જાય છે.
દ્વારકાનાથ-વિઠ્ઠલનાથ એ સર્વે એક જ છે.અને ભક્તોના હૃદય માં તે વિરાજે છે.

અધ્યાય-૧૧ સમાપ્ત.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE