Dec 27, 2020

ભાગવત રહસ્ય -૪૮૮-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

છેવટે ઉદ્ધવ શ્રીકૃષ્ણને પૂછે છે કે-આપે યોગમાર્ગ,ભક્તિમાર્ગ,જ્ઞાનમાર્ગ વગેરેનો ઉપદેશ આપ્યો પરંતુ જે પોતાના મનને વશ કરી શકે તેને જ આ યોગમાર્ગ સિદ્ધ થાય છે.અને આ માંકડા જેવા મનને વશ કરવું દુષ્કર છે.માટે જે મનુષ્યો મનને વશ
ના કરી શકે,તે,સિદ્ધિને સહેલાઈથી કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે બતાવો.

ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે-અર્જુને પણ મને આ જ પ્રશ્ન કરેલો.મન ને વશ કરવું કપરું છે 
પણ-અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ થઇ શકે છે.પરંતુ એ બધી ખટપટમાં ના પડવું હોય તો-
મને (ઈશ્વરને) પ્રાપ્ત કરવાનો સહેલો માર્ગ મારી (ઈશ્વરની) અવ્યભિચારી (અનન્ય) ભક્તિનો છે.
અને ભક્તિવાળો પુરુષ અનાયાસે જ્ઞાનવાળો,બુદ્ધિવાળો,વિવેકવાળો અને ચતુર બને છે.
અને અંતે મને (ઈશ્વરને) પ્રાપ્ત કરે છે.

ભક્તિ સ્વતંત્ર છે,તેને કોઈ અવલંબનની કે ક્રિયાકાંડની જરૂર પડતી નથી.તેને આધીન સર્વ છે.
જ્ઞાની હોય તેને પણ ઉપાસના માર્ગની જરૂર છે.અને કર્મયોગી ને પણ ઉપાસના માર્ગની જરૂર પડે છે.
જ્ઞાનયોગ અને કર્મયોગ માં આ ભક્તિયોગ મળે તો જ તે મુક્તિદાયક બને છે.અન્યથા નહિ.

જે મનુષ્ય સર્વ કર્મો ત્યજીને મને (ઈશ્વરને) પોતાનો આત્મા અર્પણ કરી દે છે,ત્યારે તેને સર્વોત્કૃષ્ટ 
બનાવવાની મને ઈચ્છા થાય છે.તે પછી  તેઓ મારી પોતાની સાથે એક થવાને યોગ્ય બને છે.અને
અંતે મોક્ષપણાને પામે છે.

ઉદ્ધવ ,તું પારકી પંચાત કરીશ નહિ કે જગત ને સુધારવાની પંચાત કરીશ નહિ,જગતને કોઈ સુધારી
શક્યું નથી,તું તારી જાતને સુધારજે. જગતને પ્રસન્ન કરવું બહુ કઠણ છે,પરમાત્માને પ્રસન્ન કરવા તેટલા 
કઠણ નથી.તારું ધન તું ગમે તેને આપજે પણ તારું મન મને (ઈશ્વરને) આપજે. ઈશ્વર જે રીતે મનને સાચવશે 
તેવું બીજું કોઈ સાચવી શકશે નહિ. માટે તું સર્વવ્યાપક નારાયણને શરણે જા.

ઉદ્ધવ મેં તને સર્વ બ્રહ્મજ્ઞાન કહ્યું છે,આ બ્રહ્મજ્ઞાન નું દાન જે બીજાને કરે છે,તેને હું પોતે મારું (ઈશ્વરનું)
સ્વ-રૂપ અર્પણ કરું છું.બોલ,હવે તરે બીજું કંઈ સાંભળવું છે?તારો શોક-મોહ દૂર થયો?
ત્યારે ઉદ્ધવ સાષ્ટાંગ પ્રણામ કરી ને કહે છે કે-મારે હવે વધુ કાંઇ સાંભળવું નથી 
પણ જે સાંભળ્યું છે તેનું મારે મનન કરવું છે.

શ્રીકૃષ્ણે ઉદ્ધવને આજ્ઞા કરી કે-તું અલકનંદાને કિનારે જા,બદ્રીકાશ્રમ જા.
અને ત્યાં ઇન્દ્રિયોનો સંયમ કરી,એકાગ્ર બુદ્ધિ કરી,મેં આપેલા બ્રહ્મજ્ઞાનનું ચિંતન કર.અને
મારામાં (ઈશ્વરમાં) ચિત્તને સ્થાપજે એટલે તું મને પામીશ.
બદ્રીકાશ્રમ યોગભૂમિ છે.ત્યાં પરમાત્મા સાથે યોગ જલ્દી સિદ્ધ થાય છે.

ઉદ્ધવે ફરીથી પ્રાથના કરી કે –તમે મારી સાથે આવો.
ત્યારે ભગવાન કહે છે કે-આ શરીરથી હું તારી સાથે આવી શકીશ નહિ,પણ,ચૈતન્ય-રૂપે,
ક્ષેત્રજ્ઞ-રૂપે હું તારી સાથે જ છું.(તારા આત્મામાં જ છું) હું તારો સાક્ષી છું.માટે તું ચિંતા ના કર.
તું મારું બહુ પ્રેમથી સ્મરણ કરીશ,ધ્યાન કરીશ તે જ સમયે હું તારી સમક્ષ પ્રગટ થઈશ.
બાકી આ માર્ગ એકલાનો જ છે. કોઈ સાથે આવી શકતું નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE