Dec 21, 2020

ભાગવત રહસ્ય -૪૮૨ (ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

ભગવાન શ્રીકૃષ્ણે હવે ઉદ્ધવને ટૂંકાણમાં જ્ઞાનનો ઉપદેશ કરે છે.(મહાત્માઓ તેને "ઉદ્ધવ-ગીતા" પણ કહે છે) સાંદીપની ગુરૂ એ જે દક્ષિણા માગેલી –કે “જ્ઞાન કોઈ યોગ્ય વ્યક્તિ ને આપી આગળ વધારજે” આજે તેમણે તે આજ્ઞા પુરી કરીને સ્વધામ જતાં પહેલાં જ્ઞાન ઉદ્ધવને આપી ને ગયા છે.શ્રીકૃષ્ણ કહે છે કે-ઉદ્ધવ,આ બધો માયાનો ખેલ છે.
ભ્રમ છે,સંસાર અસત્ય છે અને માત્ર આત્મા જ સત્ય છે.

એમ કહી તેમણે ત્યાગ-સંન્યાસનો ઉપદેશ આપ્યો.
ઉદ્ધવ કહે છે કે-ત્યાગનો માર્ગ મુશ્કેલ છે મને કોઈ સહેલો માર્ગ બતાવો.મને જ્ઞાન આપો,કૃપા કરો.
ત્યારે ભગવાન કહે છે કે-ઉદ્ધવ,મેં તારા પર કૃપા કરેલી જ છે,મનુષ્ય જન્મ આપ્યો તે શું ઓછી કૃપા છે?
હવે તું જ તારા પર કૃપા કરજે.”આત્મ” કૃપા વગર ઈશકૃપા સફળ થતી નથી.
ઉદ્ધવ, તારી જાતનો ઉદ્ધાર તું જાતે જ કરજે.તું જ તારો ગુરૂ થા.”આત્મનો ગુરુરાત્મૈવ”

આત્મા જ આત્માનો ગુરૂ છે.
ઈશ્વરે તો મનુષ્ય નો જન્મ આપીને કૃપા કરી જ છે,પણ હવે જીવે પોતે પોતાની પર કૃપા કરવાની છે.
જીવનનું એક લક્ષ્ય નકકી કરી તેને માટે સાધન કરવામાં આવે તો જરૂર સફળતા મળે છે.
ઘણાને તો જીવનના લક્ષ્યની જ ખબર નથી.
માનવજીવનનું લક્ષ્ય છે પરમાત્માને પ્રાપ્ત કરવાનું.પ્રભુનું ભજન કરવામાં આવે તો પ્રભુ મળે છે જ.

પ્રભુ કહે છે કે-ઉદ્ધવ,હવે એવો સંકલ્પ કર કે મેં સંસારનો બહુ અનુભવ કર્યો,હવે આ જન્મમાં મારે
આત્મ-સ્વ-રૂપ પરમાત્માના દર્શન કરવા છે.આ જન્મમાં જ મારે પરમાત્માના ચરણોમાં જવું છે.
હવે ભયંકર કલિકાલ આવશે.વિધિપૂર્વક કર્મ થશે નહિ.ભવિષ્યમાં મનુષ્ય જન્મ મળે તો પણ સંગનો દોષ લાગશે.ઉદ્ધવ તું જ તારો ગુરૂ છે,તને તારી જાત પર લાગણી ના થાય ત્યાં સુધી બીજા ને તારા પર કેમ 
લાગણી  થાય? ઉદ્ધવ,અંદરની લાગણી ન થાય ત્યાં સુધી જીવન સુધરતું નથી.માટે તું જ તારો પોતાનો 
ગુરૂ થઇ જીવન સુધારવાનો પ્રયત્ન કર.
ઉદ્ધવ,પરમાત્મા (આત્મા)  સિવાય જે પણ દેખાય છે તેને તું મિથ્યા માન.
તારું હું ધન માગતો નથી,પણ તારું મન માગું છું.સર્વમાં એક ઈશ્વરના દર્શન કરજે.

ઉદ્ધવ કહે છે કે-પ્રભુ, મને આત્મ-તત્વનો ઉપદેશ કરો.આપના વગર કોણ તે ઉપદેશ કરી શકશે?
ત્યારે ભગવાન કહે છે કે-અનેક પ્રકારનાં શરીરો નું મેં નિર્માણ કર્યું છે.પરંતુ તે બધામાં મને માનવ શરીર
અત્યંત પ્રિય છે.આ મનુષ્ય-શરીરમાં એકાગ્રચિત્ત વાળો પુરુષ ઈશ્વરનો સાક્ષાત અનુભવ કરી શકે છે.

આ સંબંધ માં એક પ્રાચીન ઇતિહાસ કહેવામાં આવે છે.
એ અવધૂત દત્તાત્રેય અને યદુરાજાના સંવાદના રૂપમાં છે.
ઉદ્ધવ,આવા પ્રશ્નો યદુરાજા એ શ્રી દત્તાત્રેયને કરેલા.
યદુરાજાએ ત્રિકાલદર્શી અવધૂત બ્રાહ્મણ (દત્તાત્રેય) ને સહ્યાદ્રી પર્વતની તળેટીમાં નિર્ભય વિચરતાં જોયા.

ત્યારે યદુરાજા એ તેમને પ્રશ્ન કર્યો કે-આપનું શરીર પૂર્ણ છે તેવું મારું પણ નથી.હું જોઉં છું કે સંસારના મોટા ભાગના લોક કામ અને લોભ ના દાવાનળમાં બળી રહ્યા છે,પરંતુ તે આપને અસર કરતા નથી.
આપ મુક્ત છે,અને આપના સ્વરૂપમાં કેવળ સ્થિર રહો છે.આપને આપના આત્મામાં અનિર્વચનીય
આનંદનો અનુભવ શી રીતે થાય છે?આપની પાસે શું કીમિયો છે?

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE