Dec 20, 2020

ભાગવત રહસ્ય -૪૮૧

મહાભારતના વન-પર્વમાં યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ આવે છે. 
તેમાં યક્ષે યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછેલો કે –“આ દુનિયામાં મોટામાં મોટું આશ્ચર્ય શું છે?” 
ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો છે-કે-
'અહ્ન્યાનિ ભૂતાની ગચ્છન્તિ યમમંદિરમ,શેષા સ્થિરત્વમિચ્છન્ત્તી કિમાસ્ચર્યમતઃપરમ'.
(દરરોજ સેંકડો જીવો યમરાજને ઘેર જઈ રહ્યા છે,તે જોવા છતાં (તો પણ) બીજા બાકી રહી ગયેલા લોકો તો,એમ જ માને છે કે પોતે મરવાના જ નથી.અને એમ માની દુનિયામાં મનસ્વી રીતે રહે છે.આથી મોટું બીજું શું આશ્ચર્ય હોઈ શકે?)

પાંચમા યોગેશ્વરે ભગવાન નારાયણનું રૂપ બતાવ્યું.તે પછી નિમિરાજા એ કહ્યું કે-
અમને કર્મયોગ વિષે કંઈક કહો.કર્મ,અકર્મ અને વિકર્મમાં મને કંઇ સૂઝ પડતી નથી.  
ત્યારે છઠ્ઠા યોગેશ્વર આવિર્હોત્ર બોલ્યા કે-રાજા તેં કહ્યું છે તે યોગ્ય જ છે.
આ કર્મ,અકર્મ અને વિકર્મનો અર્થ કરવામાં ભલભલા વિદ્વાનો ગૂંચવાય છે.

કર્મમાં અકર્મને જુએ અને અકર્મ માં કર્મને જુએ,એટલે કે,
કર્મ ના ફળમાં આસક્તિ રાખ્યા વગર અનાસકત પણે જે કર્મ કરે છે તે શ્રેષ્ઠ છે.
કર્મ કરો પણ “મા ફલેષુ કદાચન” (ફળ ઉપર આપણો અધિકાર નથી) એમ સમજીને કર્મ કરો.
આ પ્રમાણે કર્મનું રહસ્ય સમજાવ્યું.

સાતમા યોગેશ્વર દ્રુમિલે ભગવાનની લીલાઓનું વર્ણન કર્યું અને અવતારોની કથા કહી.
આઠમા યોગેશ્વર ચમસે એ ભક્તિહીન પુરુષોની ગતિ નું વર્ણન કર્યું.
નવમા યોગેશ્વર કરભાજને પરમેશ્વરની પૂજાની વિધિઓ બતાવી.

છેવટે નારદજી વસુદેવજીને કહે છે કે-બહુત ગઈ થોડી રહી,સમય થોડો છે ને કામ ઘણું કરવાનું છે,
શ્રીકૃષ્ણ મારો દીકરો છે તેવી ભાવના ના રાખો,એ તો સાક્ષાત પરમાત્મા છે.

આ બાજુ દેવોએ ભગવાન પાસે આવી પ્રાર્થના કરી કે-પ્રભો આપ સ્વધામમાં પધારો.
ત્યારે પ્રભુ એ કહ્યું કે-મારે પણ હવે પૃથ્વીનો ત્યાગ કરવો છે.

દ્વારકામાં મોટા મોટા અપશુકનો થવા લાગ્યા.વૃદ્ધ યાદવો ભગવાન પાસે આવ્યા.ત્યારે પ્રભુએ તેઓને કહ્યું કે-
આપણને ઋષિઓનો શાપ થયો છે.હવે અહીં રહેવું ઇષ્ટ નથી.માટે આપણે પ્રભાસક્ષેત્રમાં જઈએ.

આ સાંભળી સર્વે પ્રભાસ જવાની તૈયારી કરવા લાગ્યા.
ઉદ્ધવે આ વાત સાંભળી,એટલે ઉદ્ધવજી સમજી ગયા છે કે-યાદવોનો સંહાર કરી,ભગવાન આ લોકોનો પરિત્યાગ કરશે.ઉદ્ધવજી ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે-
હું આપની શરણમાં આવ્યો છું.તમારા વિરહમાં હું કેવી રીતે જીવી શકીશ?
તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવીશ.

ત્યારે ભગવાન કહે છે કે-ઉદ્ધવ તું સાથે આવ્યો નથી તો તને સાથે ક્યાંથી લઇ જાઉં ?
ઉદ્ધવ હું તને માર્ગદર્શન કરીશ.
આમ કહી ભગવાન શ્રી કૃષ્ણે - ઉદ્ધવ ને ઉપદેશ આપ્યો. મહાત્માઓ તેને "ઉદ્ધવ-ગીતા" પણ કહે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE