Dec 19, 2020

ભાગવત રહસ્ય -૪૮૦

આત્મ-સ્વ-રૂપ ભગવાન સમસ્ત પ્રાણીઓમાં આત્મ-રૂપે=નિયંતા રૂપે રહેલા છે.(સ્થિત છે).જે મનુષ્ય ન્યૂનતા (ઓછું) કે અધિકતા (વધારે) ના જોતાં સર્વત્ર પરિપૂર્ણ ભગવત સત્તા જ જુએ છે,અને સાથોસાથ સમસ્ત પ્રાણી કે પદાર્થ,આત્મ-સ્વ-રૂપ ભગવાનનું જ સ્વ-રૂપ છે,એવું સમજે છે.વળી, જેને તેવો અનુભવ  થઈને આવી દૃષ્ટિ સિદ્ધ થઇ છે,
તે ભગવાન નો પરમપ્રેમી ઉત્તમ ભાગવત ભક્ત છે.(૧૧-૨-૪૫)

યોગેશ્વરની કથા ચાલે છે,તેમાં ત્રીજા યોગેશ્વર-અંતરિક્ષે માયાના લક્ષણો બતાવ્યાં.
રાજન,માયા ખોટી છે,માયાનો નાશ થાય છે,એટલે માયા સત્ય નથી.
આ માયાનો જીવ સાથે સંબંધ થયો એ પણ ખોટું છે.
જે માયાને છોડતો નથી,એ માયાના સ્વરૂપને સમજી શકતો નથી.
માયાને જે છોડે તે પરમાત્માના સ્વ-રૂપને સમજી શકે છે.

માયાને તરવાની ઈચ્છા હોય તેણે સ્વતંત્ર ના રહેતાં સદગુરૂને શરણે જવું,કે સતત સત્સંગ કરવો.
સદગુરૂની આજ્ઞા અનુસાર સાધન કરો,તો ધીરે ધીરે માયા છૂટે છે.

માયાને તરવાની ઈચ્છા છે તે સ્વાદ-અને-વાદ છોડે.તે પ્રત્યેક ઇન્દ્રિયથી સંયમ પાળે.
આંખથી અને મનથી પણ બ્રહ્મચર્ય પાળે.
શક્તિનો વિનાશ કરવાથી અનેક રોગો થાય છે.શક્તિના સંગ્રહથી રોગો આવતા નથી.

માયાને તરવાની ઈચ્છા છે તે મૌન પાળે. મનથી પણ જે ના બોલે તેને મૌન કહે છે.
(ખાલી જીભનું મૌન એ મૌન નથી) મનથી પણ જે ના બોલે ત્યારે મનને આરામ મળે છે.
માયાને તરવાની ઈચ્છા છે તે રોજ નિયમથી એકાંતમાં એક આસને બેસી ત્રણ કલાક
મહામંત્રનો જપ કરે,-કે-પ્રભુનું ધ્યાન કરે.

માયા એ છાયા (પડછાયા) જેવી છે.જો દીવા સામે ઉભા રહો તો છાયા પૂંઠ બાજુ જશે અને જો
દીવા સામે પૂંઠ ધરો તો છાયા આગળ આવશે.
ઈશ્વરની સામે ઉભા રહેવામાં આવે તો માયા પાછળ જશે અને પજવશે નહિ.પણ
ઈશ્વરથી વિમુખ થવામાં આવે તો માયા આગળ આવીને ઉભી રહેશે ને પજવશે.
માયાને તરવાની ઈચ્છા છે –તે કાયાથી,મનથી,વચનથી પણ કોઈનું દિલ ના દુભાવે.
સ્વધર્મમાં નિષ્ઠા રાખે,અન્ય ધર્મ પ્રત્યે કુભાવ પણ ના રાખે.

માયાને તરવાની ઈચ્છા છે તે રોજ ઈશ્વરને પ્રાર્થના કરે.”નાથ હું તમારો છું,મારા અપરાધોની ક્ષમા કરો”
વિવેક પૂર્વક વિચાર કરવાથી માયાનો મોહ ઓછો થાય છે.
માયાને તરવાનાં ઘણાં સાધનો છે પણ ભક્ત કેવળ ભક્તિને આશરે માયાને તરી જાય છે.
જેને માયાને તરવાની ઈચ્છા છે તે તે પ્રેમથી કૃષ્ણ-કીર્તન કરે.

જો કે વેદો કર્મ કરવાની આજ્ઞા કરે છે અને તે કર્મના ફળ રૂપે સ્વર્ગની લાલચ આપે છે.
પરંતુ તેઓ નો ઉદ્દેશ તો કર્મ છોડાવવાનો જ છે.

કળિયુગમાં મનુષ્યોનાં શરીર વિલાસી થયા છે,તેથી કળિયુગમાં યોગમાર્ગ અને જ્ઞાનમાર્ગથી
ઈશ્વર-પ્રાપ્તિ થવી બહુ જ મુશ્કેલ છે.કળિયુગ માં હરિકીર્તન (નામ) એ સહેલો ઉપાય છે.

સિદ્ધાંતો જાણે છે બધા,પણ જીવનમાં તે પુણ્યશાળી મનુષ્યો જ ઉતારી શકે છે.
જીવને પ્રભુના નામ નો જપ કરવો સહેલો છે કારણ કે જીભ જીવને આધીન છે.
ભગવાનનું નામ સર્વને સુલભ છે તેમ છતાં જીવો નરકમાં પડે છે ,આ મોટું આશ્ચર્ય છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE