Dec 14, 2020

ભાગવત રહસ્ય -૪૭૫

તે પછી એક વખત સૂર્યગ્રહણનો સમય આવ્યો છે.કુરુક્ષેત્રમાં વ્રજવાસીઓ,યાદવો,
વસુદેવ,દેવકી સર્વ એક સાથે એકઠાં થયા છે.સર્વ સાથે શ્રીકૃષ્ણનું એક સાથે મિલન થયું છે. પરમાનંદ થયો છે.ગોપીઓનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ નિહાળી ને પ્રભુની પત્નીઓ પોતાની જાતને ધિક્કારવા લાગી.“અમને આ ગોપીઓ જેવો પ્રેમ ક્યારે પ્રાપ્ત થશે?” ભગવાનની રાણીઓ એ રાધાજીની પ્રશંસા સાંભળી હતી,તેઓ વિચારતી કે રાધાજીમાં એવી શી વિશેષતા છે ?  

એક દિવસની વાત છે.રાણીઓએ રાધાજીને એકાંત માં બોલાવ્યા.રાણીઓ તેમને અનેક જાતના પ્રશ્નો પૂછે છે. શ્રીજી (રાધાજી) તો સાવ ભોળાં છે.તેમને તો માત્ર પ્રેમ સિવાય બીજું શું આવડે? બધા પ્રશ્નોના જવાબ તે
કેમ કરીને આપે?રાણીઓ વિચાર કરે છે કે-લોકો આમનાં કેમ વખાણ કરે છે ?
તે પછી રાધાજી માટે દૂધ લાવ્યાં.રાધાજીએ દૂધ પીવાની ના પાડી.રાણીઓ એ ખૂબ આગ્રહ કર્યો એટલે 
રાધાજી માની ગયાં. રાધાજી એ જોયું કે દૂધ વધારે ગરમ છે.કેમ પીવાશે ? પણ સંકોચને લીધે કંઈ
બોલી શક્યાં નહિ અને ગરમ ગરમ દૂધ પી ગયાં.

તે દિવસે રાત્રે રુક્મિણીજી ભગવાનની ચરણસેવા કરવા ગયાં.જોયું તો ભગવાનના પગમાં મોટા મોટા ચીરા પડ્યા છે.તેમણે પ્રભુ ને પૂછ્યું કે-તમે બહાર તો ક્યાંય ગયા નથી,તેમ છતાં તમારા પગમાં આ ચીરા
કેમ પડ્યા છે ? શ્રીકૃષ્ણે વાત ટાળી.”દેવી તે જાણીને તમને શું કામ છે?”
રુક્મિણી કારણ જાણવાનો આગ્રહ કરે છે. એટલે શ્રીકૃષ્ણને ગુપ્ત વાત કહેવી પડી.

શ્રીકૃષ્ણ પૂછે છે કે-તમે આજે રાધાજીને ખૂબ ગરમ દૂધ પાયેલું?
રુક્મિણીજી જવાબ આપે છે-હા,પણ તેને અને આ ચરણના ચીરા ને શું સંબંધ?
શ્રીકૃષ્ણ કહે છે કે-દેવી તમે જાણતાં નથી.પરંતુ રાધાજી પોતાના હૃદયમાં નિરંતર મારા ચરણોને રાખે છે.
તમે ખૂબ ગરમ દૂધ પાયું તેથી મારા ચરણમાં ચીરા પડી ગયા.

શ્રીકૃષ્ણ અને રાધાજી અભિન્ન છે.(જુદા જુદા નથી)
શ્યામસુંદરના હૃદયમાં રાધાજી નિત્ય વસે છે અને રાધાજીના હૃદયમાં શ્યામસુંદર નિત્ય વસે છે.
વસુદેવ-દેવકીએ નંદ-યશોદાને ખૂબ આગ્રહ કરીને રોક્યા છે.
છેવટે વર્ષા ઋતુ આવી.એટલે નંદ-યશોદા અને વ્રજવાસીઓ જવા માટે તૈયાર થયા છે.
નંદબાબા અને યશોદાજીએ શ્રી-કૃષ્ણ અને બલરામને વારંવાર છાતીએ લગાડ્યા છે.
બધા ખૂબ રડ્યા છે.છેવટે વ્રજવાસીઓ કુરુક્ષેત્રથી વિદાય થયા છે.

એક દિવસ પ્રભુ માત-પિતા પાસે આવ્યા.અને પૂછે છે કે-તમારા મનમાં કાંઇ ઈચ્છા છે? 
જે ઈચ્છા હોય તે મને કહો. હું તે પૂર્ણ કરીશ.
દેવકી એ કહ્યું કે-મને કહેતાં શરમ આવે છે પણ મારા મનમાં એક સૂક્ષ્મ વાસના (ઈચ્છા) રહી ગઈ છે.
મારાં જે બાળકોને કંસે મારી નાખ્યાં હતાં તે બાળકોને જોવાની મારી ઈચ્છા છે.

આવો જ પ્રશ્ન જયારે શ્રીકૃષ્ણે યશોદાને પૂછેલો, ત્યારે યશોદાજીએ કહેલું કે-
મારી એક જ ઈચ્છા છે કે,મારો લાલો ચોવીસ કલાક મારી પાસે રહે,મારી નજરથી દૂર ના થાય 
અને હું તેના નિરંતર દર્શન કર્યા કરું.હું તને નિહાળું અને તું મને નિહાળે-એ જ મારી ઈચ્છા.

શ્રીકૃષ્ણ આજે વિચારે છે કે-ક્યાં યશોદાજી અને ક્યાં દેવકી?
વાસના (ઈચ્છા) ની કેવી બલિહારી છે કે-જન્મ આપનાર મા માં વાસના રહી ગઈ છે.
પ્રભુ સુતળ-પાતાળ માંથી પોતાના છ ભાઈઓને લઇ આવે છે અને દેવકીજી તેમના દર્શન કરે છે.
અંતે દેવકીજી કહે છે કે-તારા પિતાએ માંગેલું તે જ હું માગું છું કે મારું મરણ સુધરે.

શરીર છોડતાં હજાર વીંછીઓ એક સાથે કરડે તેવી વેદના થાય છે.
આવી વેદનામાં પ્રભુ નું નામ જીભ પર રહે,પ્રભુની કૃપા રહે-તેવા મનુષ્ય નું જ જીવન ધન્ય છે.
ઈશ્વર જેના પુત્ર છે તેના માત-પિતાને પણ બીક છે કે મારું મરણ સુધરશે કે નહિ?

જે એક એક ક્ષણને સુધારે,વાસના(ઈચ્છા) નો વિનાશ કરે અને પ્રભુનું નામ નિરંતર જીભ પર રાખે,
તેનું મરણ સુધરે છે. સુખ ભોગવવાની “ઈચ્છા” એ વાસનાનું કારણ બને છે.વાસના મરણને બગાડે છે.
પ્રભુએ દેવકી-વસુદેવને આ દિવ્ય તત્વજ્ઞાન સમજાવ્યું.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE