Dec 12, 2020

ભાગવત રહસ્ય -૪૭૪

શ્રીકૃષ્ણ સુદામાને વળાવવા જાય છે.વિદાયવેળાએ સુદામાને કહે છે કે-'મિત્ર,તું બીજી વખતે આવે ત્યારે એકલો ના આવતો,ભાભીને પણ લાવજે,ઘેર જઈ ભાભીને મારા પ્રણામ કહેજે.' આખું જગત જેને વંદન કરે છે તે એક ગરીબ બ્રાહ્મણની પત્નીને પ્રણામ કરે છે.
'મારી મા યશોદા ગોકુળમાં હતો ત્યારે જેવા પૌંઆ આપતી હતી તેવી ભેટ મને ભાભીએ આપી છે' 

શ્રીકૃષ્ણે સુદામદેવને આલિંગન આપ્યું છે.આવો મિત્ર-પ્રેમ જગતમાં જોવા નહિ મળે.સુદામા વિદાય થયા છે.તેમની આંખો પ્રેમથી અશ્રુ-ભીની બની છે. ”લોકો મારા કૃષ્ણના વખાણ કરે છે તે ઓછાં છે”

સુદામા ગામમાં આવી પોતાની ઝૂંપડી શોધે છે.પણ ઝૂંપડી મળતી નથી.ઝૂંપડીની જગ્યાએ મોટો મહેલ
ખડો થઇ ગયો છે. અત્યંત આશ્ચર્ય થયું છે.આ શું ? સુદામા વિચારમાં પડ્યા છે.
ત્યાં સુશીલા દોડતાં આવ્યાં છે અને કહે છે કે તમારા મિત્રે આ બધું આપ્યું છે.

દ્વારકાનાથ જેવો કોઈ ઉદાર થયો નથી,આટલી સંપત્તિ આપી પણ આપતી વખતે એક અક્ષર બોલ્યા નથી.
અને સુદામા જેવો કોઈ બ્રાહ્મણ થયો નથી,અતિ નિર્ધનતા હોવાં છતાં કાંઇ માગ્યું નથી.
સુદામા પ્રાર્થના કરે છે,મારો કનૈયો એક અક્ષર બોલ્યો નહિ અને આપ્યું કેટલું?
મારે તો ધન જોઈતું નથી,પણ જન્મો જન્મ મને મારા શ્રીકૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય.
સુદામા ગરીબ હતા ત્યારે ભક્તિ કરતા હતા હવે અતિશય સંપત્તિમાં અતિશય ભક્તિ કરે છે.

અતિશય સંપત્તિમાં અતિશય ભક્તિ કરવી જોઈએ.જીવનમાં ભક્તિ કરવાની તક ગુમાવવા જેવી નથી.
જે તક ગુમાવે છે તેનું તકદીર ટૂંકું બને છે.

સુદામા ચરિત્ર નું રહસ્ય એવું છે કે-
પરમાત્મા જીવ માત્રના મિત્ર છે.જીવ સાથે નિસ્વાર્થ પ્રેમ કરનાર તો એક નારાયણ માત્ર છે.
ગંગાજીને તરસ લાગે નહિ,અગ્નિને ટાઢ વાય નહિ કે સૂર્યને દીવા ની જરૂર પડતી નથી.
તેમ આનંદમય પરમાત્માને કોઈ સુખ કે આનંદ મેળવવાની  ઈચ્છા થતી નથી.
તેમ છતાં તે સર્વ સાથે પ્રેમ કરે છે. જગતમાં તેમના જેવો પ્રેમ કરનાર અને ઉદાર કોઈ થયો નથી.
પોતાનો સો ટકા ભાગ આપનાર જગતમાં તે એક માત્ર છે.
બાકી,કોઈ રાજાની ખુશામત કરો તો પાંચ પચીસ હજાર રૂપિયા કે છેવટે અડધું રાજ્ય આપશે,સર્વસ્વ નહિ.
પરમાત્મા તો પોતાને શરણે આવેલા ને સર્વસ્વનું દાન કરે છે.

જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે તો ઈશ્વર તેને પોતાના જેવો ઈશ્વર બનાવે છે.
જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવ પણ ઈશ્વર બને છે.જીવમાત્રના સાચા મિત્ર-સાચા પિતા ઈશ્વર છે.
સુદામાએ પ્રભુ સાથે પ્રેમ કર્યો,પ્રભુ સાથે મૈત્રી કરી તો પ્રભુ એ સુદામા ને અપનાવ્યો છે.અને
સુદામા ને પોતાના જેવો બનાવ્યો છે.સુદામાને દ્વારકાપુરી જેવી સમૃદ્ધિ આપી છે.
ભગવાનને આપતાં જરાયે સંકોચ થતો નથી.

ભગવાન તો પોતાના ચરણ-કમળનું સ્મરણ કરનાર ને પોતાનું “સ્વ-રૂપ” આપી દે છે તો –
તુચ્છ ધન (સંપત્તિ) આપે તેમાં શું નવાઈ?

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE