Dec 11, 2020

ભાગવત રહસ્ય -૪૭૩

રુક્મિણી (લક્ષ્મીજી) જોડે ઉભાં છે તે કહે છે કે-નાથ,આ ગરીબ બ્રાહ્મણ તમને શું આપશે?તમારે તેને કંઈક આપવું જોઈએ.તમે આજ્ઞા કરો તો તમારા મિત્રને ઘેર ઘણું મોકલું.કૃષ્ણ કહે છે કે-મારે તેને કંઈ આપવું નથી,મારે તો મિત્રનું ખાવું છે,મને ભૂખ લાગી છે.લક્ષ્મીજી(રુક્મિણી) કહે છે કે –આ ગરીબ બ્રાહ્મણ તેની પાસે કંઈક હશે તો આપે ને?

શ્રીકૃષ્ણને હવે રુક્મિણી પ્રત્યે દુઃખ થયું છે જરા કોપાયમાન થયા છે.મારા મિત્રને ગરીબ કહેનારી તું કોણ?દેવી,આવું બોલવું હોય તો અત્રે તમારી જરૂર નથી.રુક્મિણી ગભરાણા છે.વિચારે છે કે-મેં તેમના મિત્ર ને ગરીબ કહ્યો તેથી તે મને કહે છે કે તું અહીંથી જા.મને પણ ઘરમાંથી કાઢી મૂકી આને ઘરમાં રાખશે કે શું? આજના શ્રીકૃષ્ણ જુદા છે.આવો મિત્ર-પ્રેમ કદી જોયો નથી. લક્ષ્મીજીએ માફી માગી છે.

સુદામાએ પૌઆની પોટલી બગલમાં દબાવેલી.સુદામાને આવા સૂકા પૌઆ આપતાં સંકોચ થાય છે.
ભગવાને ભેટ માગી એટલે સુદામા પોટલી વધારે છુપાવવા લાગ્યા.
ભગવાન મનમાં હસે છે કે તે દિવસે ચણા સંતાડી રાખેલા અને આજે પૌઆ છુપાવે છે.પણ
મારો કાયદો છે કે જે મને ન આપે તેને હું કદી આપતો નથી.આજે તો ઝૂંટવીને ખાવું પડશે.
સુદામા જ્યાં પોટલી છુપાવે છે ત્યાં તો ભગવાને “આ શું છે?” એમ કહી પોટલી ઝૂંટવી લીધી.
અને ભગવાન પૌઆ ખાવા લાગ્યા.

લૌકિક દ્રષ્ટિએ બે મુઠી પૌઆ હશે પણ તે સુદામાનું સર્વસ્વ હતું.
સુદામાના પ્રારબ્ધકર્મ પ્રમાણે તેઓ ગરીબ હતા.વિધાતાએ તેમના કપાળ પર લખ્યું હતું કે “શ્રીક્ષય”
(આ જીવ અતિ દરિદ્ર થશે) પ્રભુ જયારે સુદામાના કપાળ પર તિલક કરવા ગયેલા ત્યારે તેમણે તે વાંચેલું.
શ્રીકૃષ્ણે વિચાર્યું કે વિધાતાને લેખ લખતાં આવડ્યું નથી.મારા મિત્રના કપાળમાં આવું લખાય?
તે વિધાતાના લેખને હું ઉલટાવી દઉં.ભગવાને તે છેકી ને “યક્ષશ્રી” (કુબેરના ઘરના જેટલી સંપત્તિ)
કરી દીધું.”મારે મારા મિત્ર ને કુબેરના ઘરના જેટલી સંપત્તિ આપવી છે.”

સુદામાના પ્રારબ્ધ કર્મોને ક્ષીણ કરવા સુદામાના પૌઆ,ભગવાન આરોગે છે.
પરમાત્મા (સર્વાત્મા) જમ્યા એટલે આખું જગત જમ્યું. એટલે પરમાત્માએ પોતે જમીને આખું જગત જમાડવાનું પુણ્ય તેના નામે જમા કર્યું. જેનાથી સુદામાના સર્વ પ્રારબ્ધ કર્મો બળી ગયાં.

શ્રીકૃષ્ણ હવે સુદામાને કહે છે કે-મિત્ર,મારાં ભાભી યશોદા મા જેવાં છે.હું ગોકુળમાં હતો ત્યારે મારી મા
મને આવી રીતે આવા પૌઆ ખાવા આપતી હતી.ત્યાર પછી આજે ઘણા વખતે આવા પૌઆ ખાવા મળ્યા.
સુદામાના પૌઆ સૂકા ન હતા પણ પ્રેમમાં પલળેલા હતા.માત્ર એક મૂઠી પૌઆ ભગવાને આરોગી ગયા તેના બદલા માં ભગવાને દ્વારકા નું ઐશ્વર્ય સુદામાને ત્યાં મોકલ્યું છે.

સુદામાએ વિચાર્યું કે-મારે મારા દુઃખની વાત કહી મારા પ્રભુને હેરાન કરવા નથી,તેમણે કષ્ટ આપવું નથી.
ભગવાને વિચાર્યું કે-આ કંઈ કહેતો નથી તો મેં તેને શું આપ્યું તે મારે પણ તેને કહેવું નથી.

બીજે દિવસે સુદામા કહે છે કે-આજે મારે ઘેર જવું છે.સુદામાને આશા હતી કે મિત્ર,બેચાર દિવસ રોકાવાનો
જરૂર આગ્રહ કરશે.તેથી વિવેક ખાતર કહેલું કે –આજે જવું છે.
પ્રભુએ વિચાર્યું કે મેં ત્યાં સર્વ ઐશ્વર્ય મોકલ્યું છે,પણ સુશીલાએ ભોજન કર્યું નથી.તે ઉંબરામાં બેઠાં છે.
પતિની રાહ જુએ છે.મિત્રને આગ્રહ કરીશ તો મારાં ભાભી દુઃખી થશે.
એટલે શ્રીકૃષ્ણે કહ્યું કે મિત્ર,આજે જવું છે તો જાવ,મારો કોઈ આગ્રહ નથી.

પ્રભુએ વિચાર કર્યો કે-સુદામા નવું પીતાંબર પહેરીને જશે તો લોકો કહેશે કે-
અમારા ઘેર આવતા ન હતા પણ દ્વારકા જઈને પીતાંબર લઇ આવ્યા છે.માટે જેવો તે આવ્યો હતો તેવો જ
તેને અહીંથી મોકલવો છે.તેના હાથમાં પણ કશું આપવું નથી.મારે તેને ઘેર બેઠાં બેઠાં જ બધું આપવું છે.

બ્રાહ્મણ ને કંઈ આપ્યું નથી,પણ સુદામાને કંઇ ખોટું લાગ્યું નથી.
સુદામા બ્રાહ્મણ છે,પવિત્ર છે,નિરપેક્ષ (આશા વગરનો) છે.પોતાની ફાટેલી પોતડી પહેરીને જવા તૈયાર થયા છે.માલિક પરીક્ષા કરે છે કે-“જતાં જતાં પણ આ કંઈ માગે છે?”  પણ.......
સુદામા એ જીભ બગાડી નથી.!!!!!!! “ત્રિકમ પાસે કાંઇ ના માગ્યું રે ધનધન એની ટેક ને રે જી...”
----------------
સોમ-આ પ્રસંગ નું વર્ણન કરતાં લખે છે....

સુદામા ચાલ્યા દ્વારિકા આજ,દ્વારકાનાથ ના દર્શન કાજ,
ફાટેલી પોતડી,તૂટેલી લાકડી,સુદામાએ લીધી હાથ,
એક મુઠ્ઠી પૌવા બાંધ્યા પ્રભુ ને કાજ.................................સુદામા ચાલ્યા...
દ્વારકા જઈ સુદામા પૂછે પ્રભુ નું દ્વાર,
મારા મિત્ર ને મળવા આવ્યો આજ,
લોક સાંભળી હાંસી ઉડાવે સુદામાની આજ.........................સુદામા ચાલ્યા...
દ્વારપાલ સંદેશો આપજે મારા નાથ ને આજ,
મિત્ર તમારો મળવા આવ્યો સુદામા નામ, 

દ્વારપાલ સંદેશો દે દ્વારકાનાથ ને આજ...............................સુદામા ચાલ્યા.....
સુદામા સાંભળી પ્રભુએ કુદકો માર્યો તત્કાલ,
ખુલ્લા પગે દોટ મૂકી શરમ ના લાગી લગાર,
બંને હાથે બાથ ભીડી ભેટ્યા સુદામા ને ભગવાન................સુદામા ચાલ્યા...
મહેલે લાવી પલંગે બેસાડી દશા જુવે દીનાનાથ,
પાણી વિના પરાત માં ,
અશ્રુધાર થી પગ ધુવે ત્રિલોકીનાથ,..................................સુદામા ચાલ્યા...
રાહ જોવાણી નહિ રાણી ની લઇને આવતાં સોય,
પગનો ઊંડો કાંટો માલિક દાંત થી કાઢે આજ,

સુદામા કહે અરે પ્રભુજી જરા રાખો શરમ આજ.....................સુદામા ચાલ્યા....
માંઢે ચડી પ્રસાદ માગે ત્રણે લોક નો નાથ,
રાણીઓ ઠેકડી ઉડાવે શું આપશે મિત્ર ગરીબ આજ,
ક્રોધે ભરાઈ પ્રભુ કહે ચાલ્યા જાવો રાણી આજ.....................સુદામા ચાલ્યા...
મુઠ્ઠી પૌવા ઝુંટવી લઈને આરોગે ભગવાન,
મુખ થી સુદામાએ કશું ન માગ્યું, માયા કીધી નાથે આજ,
ભાગ્ય બદલ્યું,દળદળ ટાળ્યું સુદામાનું આજ......................સુદામા ચાલ્યા...
ફાટેલ પોતડીએ,તૂટેલ લાકડીએ સુદામા ને વળાવે આજ,
નથી બગાડી જીભ એ વિપ્રે,હરફ ના નીકળ્યો લગાર
પ્રભુ થી પણ ચડ્યો સુદામા,અયાચક ટેક જાળવી આજ.......સુદામા ચાલ્યા…


સોમ તા.૧૭-૧૦-૧૩ રાત્રે ૮-૩૦ કલાકે.
સૌજન્ય-http://www.somsangrah.com/2013/10/blog-post_19.html


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE