Dec 8, 2020

ભાગવત રહસ્ય -૪૭૦

પોષ સુદ સપ્તમીના દિવસે સુદામા દ્વારકાનાથને મળવા જવા નીકળ્યા છે.બહુ ઠંડી છે,શરીર થરથર કંપે છે,પંદર દિવસથી અન્ન શરીરમાં ગયું નથી,શરીર અત્યંત દુર્બળ અને અશક્ત છે.સુદામા રસ્તામાં વિચાર કરતા કરતા જાય છે કે દ્વારકાનાથનાં દર્શન થશે કે નહિ?દ્વારકા પહોચીશ કે નહિ?બે માઈલ સુધી ગયા છે પણ વિચારોમાં અને શરીરની અશક્તિને લીધે ચક્કર આવે છે,અને એક ઝાડ નીચે પહોંચતાં પહોંચતાં તેઓ પડી ગયા છે.મૂર્છા આવી છે.

આ બાજુ દ્વારકાનાથ ખબર પડી કે મારો સુદામો મને મળવા આવે છે.તપસ્વી બ્રાહ્મણ તપશ્ચર્યા છોડી મારે ઘેર આવે છે.તપસ્વી બ્રાહ્મણ કોઈના આંગણે જાય નહિ,પણ તે મારે આંગણે આવવા નીકળ્યો છે.ભગવાનને ચિંતા થઇ છે કે-દુર્બળ અશક્ત દેહે તે દ્વારકા કેવી રીતે પહોંચશે? તે ચાલતો આવે તે ઠીક નથી.એટલે પ્રભુએ ગરુડને આજ્ઞા કરી છે કે-સુદામાને ઉઠાવીને દ્વારકામાં મૂકી દે.

ગરુડજી જે ઝાડ નીચે સુદામા મૂર્છામાં પડ્યા હતા ત્યાં જઈ સુદામાને ઉઠાવી દ્વારકાના એક ઝાડ નીચે મૂકી દીધા છે. બે કલાક પછી સુદામાની મૂર્છા વળી અને તે જાગ્યા,લોકો ને પૂછે છે કે –આ ગામ કયું?
એકે જવાબ આપ્યો-દ્વારકા.

સુદામા વિચારે છે કે-શું આ દ્વારકા છે?લોકો તો મને બહુ ડરાવતા હતા કે દ્વારકા બહુ દૂર છે .દશ-બાર દિવસે પહોંચશો. પણ દ્વારકા તો દૂર નથી,હું તો સવાર નીકળ્યો અને સાંજે દ્વારકા પહોંચી ગયો.
સુદામાજીને ખબર નથી કે ગરુડજી તેમને ઊંચકી ને લાવ્યા છે.
મનુષ્ય ભગવાન માટે વીસ ડગલાં ચાલે તો પ્રભુ વીસ ગાઉ ચાલે છે.

સુદામા લોકોને પૂછે છે કે-મને કોઈ દ્વારકાનાથનો મહેલ બતાવશો?મારે તેમને મળવું છે.
લોકો પૂછે છે કે-તમારે શા માટે મળવું છે? તમે દ્વારકાનાથ ને ઓળખો છો?
સુદામા કહે છે કે- દ્વારકાનાથ મારા મિત્ર છે,અમે સાથે ભણતા હતા.
લોકો સુદામા સામે જોઈ ને હસે છે,લોકોને આશ્ચર્ય થાય છે,કે આવી ફાટેલી પોતડી પહેરનાર અને શરીરનાં
માત્ર હાડકાં જ દેખાય છે,તે શ્રીકૃષ્ણ નો મિત્ર કેમ હોઈ શકે ? લોકો સુદામાની વાત માનવા તૈયાર નથી.

એક જણે રસ્તો બતાવ્યો,આ રસ્તે તમે આગળ જાવ,આગળ સોળ હજાર મહેલો છે,
સહુથી પહેલો રુક્મિણીજીનો મહેલ છે.ત્યાં આગળ શ્રીકૃષ્ણ મળશે.
ભગવત સ્મરણ કરતા કરતા સુદામા રુક્મિણીજીના મહેલ પાસે આવ્યા છે.શ્રીકૃષ્ણ નો વૈભવ જોઈને 
રાજી થયા છે.સુદામાની આંખ માં પ્રેમ છે મત્સર (ઈર્ષા) નથી.મારા શ્રીકૃષ્ણના ઘરમાં સદા લક્ષ્મી વિરાજે.
મારો મિત્ર સુખી થાય તેવા હૃદયથી આશીર્વાદ આપ્યા છે.

આ કોઈ ભિખારી ભીખ માગવા આવ્યો છે એમ સમજી દ્વારપાળો સુદામાને દ્વાર પર અટકાવે છે.
કહે છે કે-અંદર જવાની મનાઈ છે,તમારે જે દક્ષિણા જોઈતી હોય તે માગી લો.માતાજીની આજ્ઞા છે કે-
જે કોઈ આવે તેનું યોગ્ય સન્માન કરવું.આપ આજ્ઞા આપો તમારી શી સેવા કરીએ?

સુદામા કહે છે કે-હું દ્વારકાનાથ પાસે માગવા આવ્યો નથી,હું તો દ્વારકાનાથને આપવા આવ્યો છું.
મને કોઈ વસ્તુની અપેક્ષા નથી.હું તો મારા મિત્રને મળવા આવ્યો છું.મારે દ્વારકાનાથને મળવું છે.
તમે શ્રીકૃષ્ણને જઈ ને ખબર આપો કે-તમારો બાળમિત્ર તમને મળવા આવ્યો છે.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE