Nov 4, 2013

ઉદ્ધવ ગીતા-5

સ્કંધ-૧૧ -૧૦
ઉદ્ધવ ને સત્સંગ નો મહિમા બતાવતાં શ્રીકૃષ્ણ કહે છે કે-
જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્યમાં આગળ વધેલા હોય એવા મહાપુરુષ નો સત્સંગ કર.સંતો ના સત્સંગ થી મનુષ્ય અને પ્રાણીઓ ના જીવન પણ સુધરે છે.
વૈષ્ણવ ના ઘરનો પોપટ,પ્રભુનું નામ બોલે છે અને કસાઈ ના ઘરનો પોપટ ગાળો બોલે છે.કુસંગ થી મનુષ્ય બગડે છે.મનુષ્ય સમાજ માં રહી મનુષ્ય થવું સહેલું છે,પણ બ્રહ્મ-જ્ઞાની થવું કઠણ છે.

પછી સંસાર-વૃક્ષ નું વર્ણન કર્યું છે.
સંસારવૃક્ષ ના બે બીજ છે.પુણ્ય અને પાપ.અગણિત વાસનાઓ તેનાં મૂળિયાં છે.
ત્રણ ગુણો સત્વ,રજસ અને તમસ તેનાં થડ છે.ઇન્દ્રિયો અને મન તેની ડાળીઓ છે.વિષયોરૂપી રસ છે.
સુખ-દુઃખ તેનાં બે ફળ છે.
વિષયોમાં ફસાયેલો રહેલો ભોગી  છે તે દુઃખ ભોગવે છે,વિવેકી યોગી પરમહંસો સુખ ભોગવે છે.

ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે-મનુષ્યો જાણે છે કે-વિષયો દુઃખ-રૂપ છે,તેમ છતાં તેઓ વિષયો કેમ ભોગવે છે?
વિષયો મનમાં જાય છે કે મન વિષયોમાં જાય છે ?

શ્રીકૃષ્ણ કહે છે કે-આ “રજોગુણી મન” મનુષ્યો ને વિષયોમાં ફસાવે છે.
પ્રથમ મન વિષયોમાં જાય છે,તે વિષયો નો આકાર મન ધારણ કરે છે.ને વિષયો મન માં વિરાજે છે.
એટલે કે મન તે વિષયાકર થાય છે, જે જીવ ને દુઃખ આપે છે,જીવ ને બાંધે છે.
બહાર નો  સંસાર દુઃખ આપતો નથી.પણ મન માં રહેલો સંસાર દુઃખ આપે છે.
સંસાર છોડીને ક્યાં જવાનું? સંસાર ને છોડવાનો નથી,સંસાર ને મનમાંથી કાઢવાનો છે.

વિષયો નું ચિંતન બાધક છે,ઈશ્વર નું સ્મરણ ના થાય તો વાંધો નહિ પણ વિષયો નું ચિંતન કરીશ નહિ.
મન ને વિષયો માં જતું અટકાવી,વશ કરી ઈશ્વરમાં સ્થાપી ને એકાગ્ર કરવું તે જ યોગ છે.
ઉદ્ધવ,કલ્યાણ નાં અનેક સાધનો છે,
કર્મ,યશ,સત્ય,દમ,શમ,ઐશ્વર્ય.યજ્ઞ,તપ,સાન,વ્રત,નિયમ,યમ,વગેરે.પણ સર્વ થી શ્રેષ્ઠ છે,ભક્તિ.
યોગ,સાંખ્ય,વિજ્ઞાન (જ્ઞાન-વિજ્ઞાન)ધર્મ,વેદાધ્યયન,તપ,ત્યાગ એ ઈશ્વર ને પ્રાપ્ત કરવા માટે એટલા
સમર્થ નથી જેટલી અનન્ય પ્રેમ-મયી ભક્તિ છે.(૧૧-૧૪-૨૦)
આમ ભક્તિ યોગ ની મહત્તા બતાવી.તે પછી ધ્યાનયોગ ની મહત્તા બતાવી.

ઉદ્ધવ,ચિત્ત ને કોઈ ધારણા કરી કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવું અને સતત તેને તે જગ્યાએ લાંબા સમય
સુધી ત્યાં ટકાવી રાખવું તેને ધ્યાન કહે છે.ધ્યાન કરતાં કરતાં ધ્યાન કરનાર (ધ્યાતા) ધ્યેય (ઈશ્વર) માં મળી જાય છે.ઈશ્વરમાં તન્મય થયેલા ને શરીર નું ભાન રહેતું નથી.
પરમાત્મા નું ધ્યાન કરતા જેને તન્મયતા થઇ છે તેનામાં પરમાત્મા ની શક્તિ આવે છે.

ભક્તિ થી સિદ્ધિઓ મળે છે,પણ તે સિદ્ધિઓથી દૂર રહેવું.સિદ્ધી નો ઉપયોગ કરવાથી પ્રસિદ્ધિ મળે છે.
તે પછી સાધન બરાબર થઇ શકતું નથી.પ્રભુ ભજન માં વિક્ષેપ થાય છે.
ગૃહસ્થ ને માયા જેમ સંસાર માં ફસાવે છે તેમ સાધુ ઓ ને માયા સિદ્ધિઓમાં ફસાવે છે.
વ્યર્થ સિદ્ધિઓ ની પ્રશંસા અને ભાષણો કરાવડાવે છે,
ઉદ્ધવ,વ્યર્થ ભાષણ કરવું નહિ,તું વાણી ને તોળીતોળી ને બોલજે.સિદ્ધિઓમાં ફસાઈશ નહિ.


 1
 2
 3
4
5
  6
  7
 Next