Nov 28, 2020

ભાગવત રહસ્ય -૪૬૦

સુદેવ બ્રાહ્મણે રુક્મીણીજી ને કહ્યું કે-'બેટા,દ્વારકાનાથ ને લઈને આવ્યો છું,પ્રભુએ તારો સ્વીકાર કર્યો છે.તું ચિંતા કરીશ નહિ,તું અંબાજીની પૂજા કરવા જઈશ,ત્યાં દ્વારકાનાથ રથને ઉભો રાખશે,અને તને રથમાં બેસાડીને દ્વારકા લઇ જશે'આ સાંભળી રુક્મિણીને બહુ આનંદ થયો છે,બ્રાહ્મણને વારંવાર વંદન કરીને પૂછે છે કે-હું તમારી શુ સેવા કરું ?તમને શુ આપું ?
બ્રાહ્મણ કહે છે કે-'મારે કોઈ વસ્તુની જરૂર નથી,મેં જે કાંઇ કર્યું છે તે તે કોઈ વસ્તુ લેવા માટે નહિ,મને કોઈ અપેક્ષા નથી.

મારા તને આશીર્વાદ છે,તારો જયજયકાર થાય,તું બધી રાણીઓમાં શ્રેષ્ઠ થઈશ.પ્રભુની માનીતી થઈશ'
સુદેવ-બ્રાહ્મણે કંઈ લીધું નથી,ઉપરથી આશીર્વાદ આપ્યા છે.રુક્મિણી વિચારે છે કે-પતિ તરીકે પરમાત્માને મેળવી આપે તેને હું શુ આપી શકું ? હું જન્મો જન્મ તેમના ઋણમાં રહીશ.

આ બાજુ શિશુપાલ,જરાસંઘ વગેરે રાજાઓ સાથે આવ્યો છે.શિશુપાલનું ડાબું અંગ અને ડાબી આંખ ફરકે છે,
તેને અપશુકન થાય છે.વળી શિશુપાલે જયારે સાંભળ્યું કે કૃષ્ણ આવ્યા છે એટલે તેને બીક લાગી છે.
જરાસંઘ તેને કહે છે કે-તું શા માટે ગભરાય છે? મે તેને એક વખત હરાવ્યો છે.
(સત્તર વખત શ્રીકૃષ્ણે તેને હરાવ્યો હતો તે, તે બોલતો નથી !!)
તે વખતે રુક્મિ ત્યાં આવ્યો છે અને કહે છે કે-મારી બહેન પાસે એક ચકલું પણ જઈ શકે નહિ તેવો
બંદોબસ્ત કર્યો છે.મારા બાર પહેલવાનો તેને ઘેરીને ચાલશે.તેમ છતાં કોઈ તોફાન થશે તો આપણે લડીશું.

બીજી બાજુ રુક્મિણીજી સ્નાન,શૃંગાર,તુલસીની પૂજા કરી માત-પિતાને પગે લાગે છે,
પિતાનું હૃદય ભરાયું છે,આ પુત્રી નથી પણ રાજલક્ષ્મી છે,મારી બહુ ઈચ્છા હતી કે તે ઘરમાં રહે તો સારું,
પણ કન્યા એ તો પારકું ધન છે.રુક્મિણી પાર્વતીજીના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યાં છે.
સોળ સખીઓથી ઘેરાઈને માતાજી નીકળ્યા છે.

કામી રાજાઓ રુક્મિણીને જોવા આવ્યા છે પણ તેમને દર્શન થતાં નથી.
પાર્વતીનું મંદિર પહાડ પર છે.રુક્મિણીજી માતાજીની પૂજા કરે છે પણ મૂર્તિમાં દર્શન થાય છે શ્રીકૃષ્ણનાં.!!!
આ છે અનન્ય ભક્તિ.સર્વ દેવમાં પોતાના ઇષ્ટદેવને જ જુએ તે છે અનન્ય ભક્તિ.
ગણપતિની પણ પૂજા કરીને રુક્મિણીએ માતાજીના ચરણમાં માથું મુક્યું છે,અને પ્રાર્થના કરે છે.
મા,હું તમારી રોજ પૂજા કરીશ,પણ શ્રીકૃષ્ણ મારા પતિ બને તેવું કરો.

પાર્વતીજીની માળા રુક્મિણીના માથા પર પડી છે,માતાજીએ આશીર્વાદ આપ્યા,શુભ શુકન થયાં છે.
રુક્મિણી પૂજા કરીને બહાર આવ્યા છે,કામાંધ રાજાઓ રુક્મિણીને કુભાવથી જુએ છે.
રુક્મીણીજી ને આ ઠીક લાગ્યું નહિ. માતાજીને થોડોક ક્રોધ આવ્યો છે.અને આંખમાંથી તેજ પ્રગટ કર્યું છે,
જે તેજ સહન ના થવાથી રાજોઓ ને મૂર્છા આવીને ખાડામાં પડ્યા છે.
ત્યારે પ્રભુએ દારુક સારથીને કહ્યું કે રથ ચલાવ,રુક્મિણીને રથ માં બેસાડીને રથ દ્વારકાના રસ્તે પડ્યો.
શિશુપાલને ખબર પડી અને જરાસંઘ વગેરે રાજાઓ ને લઇને લડવા નીકળ્યો છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE