Nov 24, 2020

ભાગવત રહસ્ય -૪૫૬

કાળ-યવનનો નાશ કરી અને મુચુકુન્દને મુક્તિનો ઉપદેશ આપી,પ્રભુ દ્વારકા પધાર્યા છે.
મથુરામાં ભગવાનનું એક પણ લગ્ન થયું નથી,દ્વારકા આવ્યા પછી બધાં લગ્નો થયા છે.
મહાપુરુષો કહે છે કે-એક એક ઇન્દ્રિયોના દ્વાર ઉપર કાબુ મેળવો,બ્રહ્મ-વિદ્યાને પ્રાપ્ત કરો,તે પછી લગ્ન કરો.યોગ વિનાનો ભોગ રોગી બનાવે છે.તપશ્ચર્યા (યોગ) ન હોય તો ભોગ,શરીર ને રોગી બનાવશે.ઇન્દ્રિયના ગુલામ થઇને લગ્ન ના કરો,જીતેન્દ્રિય થઇને લગ્ન કરો.તેથી ગૃહસ્થાશ્રમ પહેલાં બ્રહ્મચર્યાશ્રમ બતાવ્યો છે.

રુકિમણી એ મહાલક્ષ્મી છે.મહાલક્ષ્મી એ માત્ર જીતેન્દ્રિય નારાયણને જ મળે,શિશુપાલને નહિ.
એ રુકિમણી-હરણની કથાનું તાત્પર્ય છે.
શિશુપાલ એટલે શિશુનું લાલન-પાલન કરવામાં જ જેનું જીવન,જેનું ધન અને સમય પૂરાં થાય છે તેવો કામી પુરુષ. સંસારનું સુખ જેને જોઈએ છે અને સંસારનું સુખ જેને મીઠું લાગે છે તે શિશુપાલ.

લક્ષ્મીજીના સ્વામી (ધણી) પરમાત્મા છે. જીવ લક્ષ્મીજીનો બાળક છે.
લક્ષ્મીજી ને માતા માની ઘરમાં રાખવામાં આવે અને તેનો વિવેકથી ઉપયોગ કરવામાં આવે,તો,
કોઈ દિવસ ઘરમાં  તે નારાયણને લઇ આવશે.
જીવ (મનુષ્ય) લક્ષ્મીજીનો વિવેકથી “ઉપયોગ” કરી શકે પણ “ઉપભોગ” કરી શકે નહિ.

ઉપયોગ અને ઉપભોગમાં ફરક છે.
શરીરને આવશ્યક (જરૂરી) “વિષયો” (વિવેકથી) ઇન્દ્રિયોને આપે તે –“ઉપયોગ” અને
ઇન્દ્રિયો જે માગે તે તેને આપી સ્વેચ્છાચારી થઇ ઇન્દ્રિયોને આધીન થઇ વિષયો ભોગવે તે –“ઉપભોગ”

સંપત્તિ (ધન) અને શક્તિનો વિવેકથી સદુપયોગ કરે તે-“દેવ” અને અવિવેકથી દુરુપયોગ કરે તે-“દૈત્ય”
મનુષ્ય જીવન નો ઘણો ભાગ સંતતિ અને સંપત્તિ પાછળ જાય છે.મનુષ્ય સમયનો પણ દુરુપયોગ કરે છે.
પરમાત્માએ જો વધારે આપ્યું હોય તો તેનો સદુપયોગ કરવાની મનુષ્યની ફરજ (જવાબદારી) બને છે.
લક્ષ્મીજી એકવાર નારાજ થાય તો પછી તે જીવની દુર્ગતિ થાય છે.

શાસ્ત્ર માં લક્ષ્મી ના ત્રણ પ્રકારો બતાવ્યા છે.(૧) લક્ષ્મી  (૨) મહાલક્ષ્મી (૩) અલક્ષ્મી

(૧) લક્ષ્મી- નીતિ (ધર્મ) અને અનીતિ (અધર્મ) થી જે ધન પ્રાપ્ત કર્યું હોય તે લક્ષ્મી.
     આવા મનુષ્યોનું થોડું ધન ભોગ-વિલાસમાં અને થોડું ધન સદુપયોગમાં જાય છે.
(૨) મહાલક્ષ્મી- માત્ર નીતિ (ધર્મ)થી જ અને મહેનતથી,જે ધન મેળવેલું છે-તે મહાલક્ષ્મી.
    આવા મનુષ્યોનું ધન વિવેકથી આવશ્યક જગાએ જ વપરાય છે,અને સદુપયોગમાં પણ વપરાય છે.
(૩) અલક્ષ્મી- અનીતિનો-અધર્મનો-પાપનો પૈસો,એ અલક્ષ્મીનું સ્વરૂપ છે.
    આવા ધનનો ઉપયોગ માત્ર વિલાસ પાછળ જ જાય છે.તે આવે છે,જાય છે,રડાવે છે,નાશ કરે છે.
    તે મજા કરાવે-થોડું સુખ –થોડો સમય આપે-પણ શાંતિ આપતું નથી.

મનુષ્ય જયારે મરે છે ત્યારે માત્ર ધર્મને જ સાથે લઇ જાય છે. બીજું કંઈ સાથે જતું નથી.
ધર્મ અને નીતિથી મેળવેલી મહાલક્ષ્મી જ જીવનમાં શાંતિ આપે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE