કાળ-યવનને બ્રહ્માજીનું વરદાન હતું કે “યદુકુળમાં જન્મેલા કોઈ તને મારી શકશે નહિ” બ્રહ્માજીના તે વરદાનને સત્ય રાખવા,શ્રીકૃષ્ણ
જાતે કાળ-યવનને મારતા નથી.એટલે શ્રીકૃષ્ણ હાર્યા અને તેઓ રણ છોડીને ભાગવા
લાગ્યા,તેથી તેમનું નામ પડ્યું “રણછોડ”
દોડતાં દોડતાં શ્રીકૃષ્ણ,ગિરનારની ગુફામાં આવે છે
કે જ્યાં આગળ રહીને મુચુકુન્દ રાજા તપશ્ચર્યા કરતા હતા.શ્રીકૃષ્ણ જયારે ગુફામાં
પ્રવેશ્યા ત્યારે મુચુકુન્દ નિંદ્રામાં હતા,શ્રીકૃષ્ણે પોતાનું પીતાંબર, મુચુકુન્દ
પર ઓઢાડી અને પોતે સંતાઈ ગયા.કાળ-યવન શ્રીકૃષ્ણની
પાછળ પાછળ ગુફામાં આવ્યો,અને આ શ્રીકૃષ્ણ સૂતા છે એમ સમજી મુચુકુન્દને
લાત મારી.
આ મુચુકુન્દ રાજાએ દેવોને યુદ્ધમાં ખૂબ મદદ
કરેલી,તેઓ થાકી ગયેલા,અને તેમને આરામ કરવો હતો.
તેથી તેમણે દેવોને કહ્યું કે –મારે આરામ કરવો
છે,મારી નિંદ્રામાં કોઈ ભંગ ના કરે.દેવોએ વરદાન આપ્યું કે –
જે તમારી નિંદ્રામાં ભંગ કરશે,તેના પર તમારી નજર
પડશે,તો તે બળીને રાખ થઇ જશે.
કાળ-યવનની લાતથી મુચુકુન્દ જાગે છે અને કાળ-યવન
પર તેમની દૃષ્ટિ પડતાં જ તે રાખ થઇ ગયો.
મુચુકુન્દને ખબર પડી કે શ્રીકૃષ્ણ આવ્યા છે,એટલે
તેમણે શ્રીકૃષ્ણની સ્તુતિ કરી છે.
જીવને આ મનુષ્ય દેહ મળ્યો હોવાં છતાં વિષયોમાં
પ્રીતિ હોવાથી તે આપનાં ચરણારવિંદની સેવા કરતો નથી.
મનુષ્ય કેવો પ્રમાદી છે?સર્પ
દેડકાને ગળે છે,અર્ધું શરીર સર્પના પેટમાં ગયું છે,પણ તેનું મોઢું બહાર છે,બે
મિનિટ માં તો તે સર્પનો કોળિયો થવાનો છે,તેવામાં માખ ઉડતી ઉડતી આવે તો દેડકો માખ
પકડીને ખાવાનો પ્રયત્ન કરે છે,તે પોતાના મરણનો વિચાર કરતો નથી.સર્પના મુખમાં રહેલા દેડકા જેવી મનુષ્યની
સ્થિતિ છે,
નાથ,કૃપા કરો,સંસારના જડ પદાર્થોમાં મારું મન ના જાય.મને અનન્ય ભક્તિ
આપો.
મનુષ્યને બહારગામ જવાનું હોય તો બે-ચાર દિવસથી
તૈયારી કરે છે.
ઘરમાં લગ્ન હોય તો બે-ચાર મહિનાથી તૈયારી કરે છે.
પરંતુ જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી,તેની
તૈયારી કોઈ કરતુ નથી.
કાળ ક્યારે કોળિયો કરે તે કહી શકાતું નથી. પચાસ
પૂરાં થાય એટલે સમજવું કે અડધું શરીર (પેલા દેડકા ની જેમ) કાળના મુખમાં ગયું
છે.ફક્ત મોઢું બહાર છે.માણસ ગાફેલ રહે છે,તેથી તેનું મરણ બગડે છે.
શ્રીકૃષ્ણ મુચુકુન્દને કહે છે-કે-આ જન્મમાં તને
તેવી અનન્ય ભક્તિ મળવી મુશ્કેલ છે.જુવાનીમાં તે ઘણું
વિલાસી જીવન ગાળ્યું છે.કામનો માર ખાય તેને કાળનો માર અવશ્ય ખાવો જ પડે છે.
હજુ તારે એક જન્મ લેવો પડશે.તે જન્મમાં તને
બ્રાહ્મણ શરીર પ્રાપ્ત થશે
અને તને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે.મારા હાથે તમારાં અનેક
કર્યો થશે.
મુચુકુંદે તે પછી તપશ્ચર્યા કરી,અને બીજા જન્મમાં
બ્રાહ્મણ શરીર મેળવ્યું.
કહેવાય છે કે-દ્વાપર યુગનો મુચુકુન્દ રાજા તે
કળિયુગમાં નરસિંહ મહેતા તરીકે આવ્યા છે.
નરસિંહ મહેતા દ્વારકાધીશના લાડીલા છે,તેમનાં બાવન
કામ પ્રભુએ કર્યા છે.
મુચુકુન્દ રાજાની કથા સ્પષ્ટ બતાવે છે
કે-યુવાનીમાં વિલાસપૂર્વક જીવન ગળ્યું હોય,તો તેવા મનુષ્યને
આ જીવનમાં ભક્તિ-કે-અનન્ય
ભક્તિ મળવી મુશ્કેલ છે.તેણે ધીરે ધીરે સંયમ ને વધારી ને ભગવદ-મય
જીવન ગાળીને,તથા,સતત ઈશ્વરનું સ્મરણ કરવાથી,તેનો આવતો
જન્મ સુધરે છે.(આ જન્મ નહિ).
પણ જે યુવાનીમાં જ સંયમ વધારી,ભક્તિમય જીવન ગાળે
તેને તે જ જન્મમાં મુક્તિ મળે છે.
વૃદ્ધાવસ્થામાં ઈશ્વરભજન કરવાથી આવતો જન્મ સુધરે
છે,આ જન્મ નહિ.