Oct 7, 2020

ભાગવત રહસ્ય -૪૧૧

દશ પંડિતો વિદ્યાભ્યાસ કરીને પાછા ફરતા હતા.રસ્તામાં નદી ઓળંગીને બીજે પાર આવ્યા.“આપણામાંથી કોઈ રહી તો ગયો નથી ને ?” એમ સમજી તેઓએ ગણત્રી શરુ કરી.એક પછી એક પંડિત સંખ્યા ગણે છે પણ પોતાને તેમાં ગણે નહિ.એટલે સંખ્યા દશ ને બદલે.નવની જ થાય છે.પોતાનામાંથી એક નદીમાં તણાઈ ગયો એમ સમજીને પંડિતો રડવા લાગ્યા.ત્યાં એક મહત્મા પસાર થતા હતા,તેમણે પંડિતોને રડવાનું કારણ પૂછ્યું.
પંડિતો એ પોતાની મૂંઝવણ રજુ કરી.મહાત્માએ દશની સંખ્યા પુરી કરી બતાવી-“દશમો તું છે”

અજ્ઞાનને લીધે જીવ પોતાને ગણતો નથી.જ્ઞાની એ પુરા દશ ગણી બતાવ્યા.
સંખ્યા તો પુરી દશની જ હતી.પણ અજ્ઞાનને લીધે દશ જણા ગણાતા ન હતા.
વેદાંત માં આ “દશત્વમસી” નો “ન્યાય” બતાવ્યો છે.
એટલે કે અજ્ઞાનથી જે દેખાતું નથી તે જ્ઞાનથી દેખાવા લાગે છે.ભગવાનને ક્યાંય શોધવાના નથી 
પણ હૃદયની અંદર જ ખોળવાના (ઓળખવાના) છે.બહાર ફાંફાં મારવાની જરૂર નથી.

દક્ષિણમાં પુંડલીક નામનો મહાન ભક્ત થઇ ગયો.આ મહાનતા તેને માતા-પિતાની સેવા કરવાથી મળી.
પુંડલીક માતા-પિતાને પ્રભુ માની તેમની સેવા કરે છે.માતા-પિતા કુષ્ઠરોગથી પીડાતાં હતાં.
વૃદ્ધાવસ્થાને કારણે સ્વભાવ ચિડીયલ થઇ ગયેલા,માતા-પિતા ઘણીવાર પુંડલીકનું અપમાન કરે,
તેમ છતાં પુંડલીક નમ્રતાથી સેવા કરે છે,સેવા છોડતા નથી.

પુંડલીકની સેવા એટલી વધી કે દ્વારકાનાથને તેનાં દર્શન કરવાની ઈચ્છા થઇ.
દ્વારકાનાથ દ્વારકાથી પંઢરપુર,પુંડલીકની ઝૂંપડી ના દ્વાર પાસે આવ્યા.
ભગવાન કહે છે કે-તારા માતાપિતાની સેવાથી હું પ્રસન્ન થયો છું,અને તને દર્શન આપવા આવ્યો છું.
પુંડલિક ભગવાન ને કહે છે કે-હું મારા માતા-પિતાની સેવામાં હાલ રોકાયેલો છું,ઝુંપડીમાં તો જગ્યા નથી,
આપ બહાર ઉભા રહો,હું સેવા પતાવી ને પછી આપનાં દર્શન કરવા આવીશ.
પુંડલિકે વિચાર કર્યો કે-મને ભગવાન મળ્યા તે માતા-પિતાની સેવાથી મળ્યા.એટલે માતા-પિતા શ્રેષ્ઠ છે.
સાધન (માતા-પિતાની સેવા) હાથમાં છે તો સાધ્ય(પ્રભુ) ક્યાં જવાનું છે?
ભક્ત ભગવાનને કહી શકે છે કે તમે બહાર ઉભા રહો.

ભગવાનને ઉભા રહેવા પુંડલિકે એક ઈંટ બહાર ફેંકી.ભગવાન તે ઈંટ ઉપર ઉભા રહ્યા.
પુંડલિકને આવતાં વાર લાગી એટલે ભગવાન થાક્યા અને કેડ પર હાથ રાખ્યા.
મહાત્માઓ કહે છે કે-કેડ પર હાથ રાખી પ્રભુ એ સૂચવે છે કે -
જે મારા ચરણનો આશ્રય કરે છે તેમને માટે સંસાર-સાગર આટલો જ ઊંડો છે.કેડ સમાણો જ છે,
બાકી તો ઘણા આ સંસાર-સાગરમાં ડૂબી ગયા તેમનો પત્તો પણ નથી.
પુંડલિક માતા-પિતાની સેવા પતાવી બહાર આવે છે,અને પ્રભુ તેને માટે રાહ જોઈને ઉભા પણ છે.

રાસમાં ગોપીઓને અભિમાન થયું,તેથી ભગવાન અદ્રશ્ય થયા છે.
એક મહાપુરુષે વર્ણન કર્યું છે કે-ગોપીઓને થયું કે રાધાજી અને અમારામાં ફેર શું ?
રાસમાં જેવો રાધાજી ને આનંદ આવ્યો તેવો અમને આવ્યો,રાધાજી અને અમે એક છીએ.
પ્રભુને આ ગમ્યું નહિ,એટલે ભગવાન અંતર્હિત થયા છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE