Oct 4, 2020

ભાગવત રહસ્ય -૪૦૮

જો રાસલીલામાં લૌકિક કામાચાર હોય તો દેવો,ગંધર્વો,બ્રહ્માજી,નારદજી વગેરે આ રાસલીલા જોવા ના આવ્યા હોત.આ રાસલીલા ખુલ્લા મેદાનમાં થઇ છે,બંધ ઓરડામાં નહિ.ભાગવતનો શ્રોતા છે પરીક્ષિત.જે મૃત્યુ ને કાંઠે બેસીને આ કથા સાંભળે.જેને સાત દિવસમાં મુક્તિ અપાવવાની છે,તેને લૌકિક કામની વાતો સંભળાવવાની હોય નહિ.
વળી શુકદેવજી-કે જેનાં કેવળ દર્શન માત્રથી અપ્સરાઓ ના કામનો નાશ થયો છે,તેવા મહાપુરુષ આ કથા કરવા બેઠા છે.અપ્સરામાં પણ જેમણે સ્ત્રીત્વ નહિ પણ “બ્રહ્મ” ના દર્શન થાય છે,તેવા શુકદેવજી,પૂર્ણ નિર્વિકાર અને નિષ્કામ છે. અરે,જેમની લંગોટી પણ છૂટી ગઈ છે તેવા મહાયોગી આ કથા કરે છે.જો રાસલીલામાં લૌકિક કામ હોય તો શુકદેવજી આ કથા કરી શકે જ નહિ.

વ્રજમાં રાસલીલા રમાય છે,પણ વ્રજ માં એવો નિયમ છે કે-અગિયાર વર્ષથી નાની ઉંમરનાં બાળકો ને જ
રાસલીલામાં પ્રવેશ છે.કારણકે અગિયાર વર્ષ પછી શરીરમાં કામ-વિકાર ચાલુ થાય છે.એટલે અગિયાર વર્ષથી વધારે ઉંમરના બાળકો ને રાસમાં પ્રવેશ મળતો નથી.
(શ્રીકૃષ્ણે પણ રાસલીલા કરી તે વખતે તેમની ઉંમર અગિયાર વર્ષ કરતાં નાની હતી)

પુરુષત્વ એ અભિમાન –અહમનું સૂચક છે,અને ઈશ્વરના ઘરમાં પુરુષને –એટલે કે અહમને સ્થાન નથી.
ગોપી બનીને –નમ્ર બનીને –અહમને છોડી ને જે જાય છે તેને જ ઈશ્વરના ઘરમાં પ્રવેશ મળે છે.
એક માત્ર નારદજીને દુઃખ થયું છે.હું પુરુષ થઈને આવ્યો,પણ જો સ્ત્રી થઈને આવ્યો હોત તો –
રાસ-રસનું દાન મળત.નારદજી ને ખબર નથી કે વ્રજમાં તો-“પુરુષ એક પુરુષોત્તમ,ઔર સબ વ્રજનારી હૈ”
તે વખતે રાધાજીની નજર નારદજી પર પડી છે.
વૃંદાવનનાં અધિશ્વરી દેવી રાધાજી છે.વૃંદાવનમાં આવેલો કોઈ જીવ દુઃખી ના થાય તેની –
રાધાજી કાળજી રાખે છે. નારદજી રાધાજીને કહે છે-કે-ગોપીઓ જેવો આનંદ મને મળે તેવી ઈચ્છા છે.

રાધાજી કહે છે કે-રાધાકુંડમાં તમે સ્નાન કરો તમને રાસ-લીલામાં પ્રવેશ મળશે.
નારદજી એ રાધાકુંડમાં સ્નાન કર્યું,અને નારદ આજે નારદી (સ્ત્રી) બન્યા છે.
નારદજી એ વિચાર્યું કે –જો સાડી પહેરવાથી પરમાત્મા મળતાં હોય તો સાડી પહેરવામાં શું વાંધો છે ?
આજ સુધી અભિમાનમાં બહુ મર્યો,હું પુરુષ,હું શાસ્ત્રી,હું કથાકાર,હું કીર્તનકાર..આ બધા હું-પણામાં
જ હું મર્યો તેથી બહુ દુઃખી થયો.

નારદજી પોતાના “સ્વ-રૂપ” માં સ્થિર થઇ અને શુદ્ધ ભાવે રાસલીલામાં પધારે છે.
ગોપીઓ એ જેમ “સ્ત્રીત્વ” છોડ્યું હતું,તેમ નારદજી એ પોતાનું “પુરુષત્વ” છોડી દીધું,
એમ પણ કહી શકાય.સંસારનો ધર્મ છોડી પ્રભુના માર્ગે જવું,તે જીવનો ધર્મ છે.
હું “સ્ત્રી” છું,હું “પુરુષ” છું, હું “શરીર” છું –તેવો ખયાલ છે ત્યાં સુધી પરમાત્મા પાસે જીવ જઈ શકતો નથી.
બીજી રીતે જોઈએ તો પણ-પુરુષ એ “અહંભાવ”  નું પ્રતિક છે અને સ્ત્રી એ નમ્રતા નું પ્રતિક છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE