ભાગવતના આરંભમાં કહ્યું છે કે-ભાગવતમાં સમાધિભાષા પ્રધાન છે.ભાગવતમાં આવતા અમુક શબ્દોનો જેમ લૌકિક અર્થ કરવો તે યોગ્ય નથી,તેમ –“અધરામૃત” શબ્દનો પણ લૌકિક અર્થ લેવો તે યોગ્ય નથી.પૃથ્વીને “ધરા” કહે છે,કારણ કે તે સર્વને ધારણ કરે છે
સર્વનું પોષણ કરે છે.તેથી પૃથ્વી (ધરા) પરનું અમૃત તે ધરામૃત.અને જે અમૃત (ધરામૃત) નો કદી પણ નાશ થતો નથી તેવું જ્ઞાનામૃત (પ્રેમામૃત) તે-અધરામૃત.
કેટલાક ટીકાકારો કહે છે કે-ધરતી–ઇતિ-પાત્ર.વિલાસી લોકો જે અમૃત ભોગવે છે તેને કોઈ આધાર (પાત્ર) હોય છે.પણ જે –પાત્રને આધારે રહેતું નથી-તે-અધરામૃત.
ગોપી કહે છે કે-“અધરામૃત નું દાન કરો” એટલે કે –હે નાથ,અમને એવું જ્ઞાનામૃત-પ્રેમામૃતનું દાન કરો કે-
આપ ઈશ્વરથી હું અલગ છું એવું જ્ઞાન જ ના રહે.તમારી સાથે એક બનું તેવું અમૃત આપો.
આપની સાથે સતત સંયોગનું સુખ રહે, આત્મા અને પરમાત્માનો ભેદ ભૂલાઈ જાય તેવું જ્ઞાનામૃત આપો.
સતત સંયોગનું સુખ-એટલે કે-આત્મા- પરમાત્માની એકતા-એ અધરામૃત છે.
પ્રેમનો આરંભ દ્વૈત (બે) થી થાય છે અને તેની સમાપ્તિ અદ્વૈત (એક) થી થાય છે.
આ જ્ઞાનામૃત-અધરામૃત મળ્યું નથી ત્યાં સુધી હૃદય માં રહેલો વિયોગનો અગ્નિ બાળે છે.
માટે ગોપી સતત-નિત્ય સંયોગના અધરામૃતનું દાન માગે છે.
શ્રીકૃષ્ણ કહે છે કે-તમે આવું નિત્ય સંયોગ-રૂપી-અધરામૃત માગો છે તે આપવું કે ના આપવું
તે મારી ઈચ્છાની વાત છે.હું તમને આ દાન ના આપું તો ?
એક ગોપીને હવે ખોટું લાગ્યું છે.તે અતિપ્રેમના આવેશમાં કહે છે કે-
તમે બહુ રોફ ના કરો,યાદ,રાખજો કે છેલ્લો ઉપાય અમારા હાથમાં છે.
અમે જે તમને મનાવીએ છીએ તે અમારા માટે નહિ પણ તમારી કીર્તિને કલંક ના લાગે એ માટે છે.
તમે નિત્ય-સંયોગ રૂપી અધરામૃતનું દાન કરશો તો તમારી પ્રતિષ્ઠા વધશે.નહિતર -
જો,વિરહાગ્નિમાં અમે શરીરનો ત્યાગ કરીશું.અને તમારે માથે કલંક લાગશે.
અમે સાંભળ્યું છે કે-મરણ વખતે જેનું ચિંતન કરવામાં આવે છે તેને તે મળે છે.
અમારા મનમાં તમારા સિવાય કંઈ નથી,અમને ખાતરી જ છે કે છેલ્લા શ્વાસ સુધી તમારું
સ્મરણ ચિંતન કરતાં પ્રાણ ત્યાગીશું એટલે તમારી પ્રાપ્તિ થવાની જ છે.એ વખતે તમે જશો ક્યાં ?
પરંતુ તે જોઈને લોકો કહેશે કે –શ્રીકૃષ્ણ નિષ્ઠુર હતા.વાંસળી વગાડી ગોપીઓને બોલાવી,
ગોપીઓ બધું છોડીને આવી,તેમ છતાં પ્રભુએ તેમના પર કૃપા ના કરી. છેવટે શ્રીકૃષ્ણનું સ્મરણ
કરતાં કરતાં ગોપીઓએ શરીર નો ત્યાગ કર્યો.અને પ્રાણ ગયા પછી તેમને પરમાત્મા મળ્યા.
ગોપીઓનો પ્રેમ સાચો હતો પણ શ્રીકૃષ્ણ નિષ્ઠુર હતા.
હવે પ્રભુ પાસે કંઈ બોલવાનું રહ્યું જ નહિ.ગોપીઓના આ પ્રેમભર્યા વચનોથી પ્રભુની હાર થઇ છે.
મહાપ્રભુજીએ ગોપીઓનાં આ વચનોનો જયજયકાર ગાયો છે.અતિ-પ્રેમની આ જીત છે.
આ માત્ર ગોપી અને ઈશ્વર વચ્ચેનો સંવાદ નથી પણ જીવ અને ઈશ્વર વચ્ચેનો સંવાદ છે.
જીવની કસોટી કર્યા પછી ઈશ્વર જીવને અપનાવે છે.ગોપીઓની સર્વ રીતે પરીક્ષા કર્યા પછી જ
ગોપીઓ ના અદભૂત પ્રેમ આગળ ઈશ્વર પોતાની હાર સ્વીકારે છે અને
ગોપીઓને અદભૂત દિવ્યરસનું-અદ્વૈતરસનું-નિત્ય સંયોગના રસનું પાન કરાવ્યું છે.