Oct 27, 2020

ભાગવત રહસ્ય -૪૨૮

યશોદાજીને થોડો આનંદ થયો છે કે-આજે લાલો તેમને સમજાવે છે.મા એ લાલાને છાતી સરસો ચાંપ્યો છે. યશોદા કહે છે કે-બેટા, મને કંઈ થતું નથી પણ આવતી કાલે તું મથુરા જવાનો છે,તેથી મને રડવું આવે છે.બેટા,મને છોડીને તું જઈશ નહિ,તારો વિયોગ મારાથી સહન થશે
નહિ.મને બીજું કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી,પણ બસ મારી એક જ ઈચ્છા છે કે-
મારા લાલા ને હું આખો દિવસ આનંદમાં નિહાળું,મારો કનૈયો મારી આંખથી દૂર ના જાય.
તારા આધારે મારું જીવન છે,મને છોડીને તું મથુરા જઈશ નહિ.

કનૈયો માતાજીને સાંત્વન આપે છે કે-મા,તું ચિંતા ના કર,મને પણ જવાની ઈચ્છા નથી,પણ નંદબાબાની આજ્ઞા થઇ છે એટલે મારે જવું પડશે.મા,હું જવાનો છું,તેથી શું થયું ? મા,હું જરૂર પાછો આવીશ.

“પાછો જરૂર આવીશ” એમ કહ્યું છે,પણ ક્યારે આવીશ તે કહ્યું નથી,અને યશોદાજીએ પૂછ્યું પણ નહિ.
યશોદાજીને તો લાલાએ જેવું કહ્યું કે હું પાછો આવીશ એટલે આનદના અતિરેકમાં પૂછવાનું ભૂલી ગયા છે.
યશોદાજીને મનથી એવી ખાત્રી છે કે લાલો, જે બોલે છે તે સાચું બોલે છે,
લાલો જો કહે છે કે તે પાછો આવશે તો તે જરૂરથી પાછો આવશે.
અને એટલે જ લાલાને મળવાની આશાએ એ તો ત્યાર પછી,તે પ્રાણ ટકાવી શક્યા હતાં.

યશોદાજી એ વિચાર્યું,કે-મારી આંખમાંથી આંસુ નીકળે તે લાલાથી સહન થતું નથી,તે બહુ પ્રેમાળ છે,એટલે માતાજી એ દુખના વેગ ના સમાવ્યો છે.અને લાલાને મનાવી સુવાડવા લઇ ગયા છે.પથારી માં સૂતા છે પણ મા ને ચેન પડતું નથી.આજે હવે શ્રીકૃષ્ણે મા ના હૃદયમાં ભીતર પ્રવેશ કર્યો છે,હવે કનૈયો તેમને બહાર નહિ પણ ભીતર માં દેખાશે.પેલી બાજુ દેવકી-વસુદેવ અગિયાર વર્ષ થી કારાગૃહ માં શ્રીકૃષ્ણ નું ધ્યાન કરે છે,
જો હવે શ્રીકૃષ્ણ ત્યાં ના જાય તો તેમના પણ પ્રાણ જવાની તૈયારી માં છે.

પ્રાતઃકાળ થયો છે,યશોદાજી કનૈયાને અને બલરામને જગાડે છે,સ્નાન કરાવ્યું. અને માએ કનૈયાનો છેલ્લો શૃંગાર કર્યો છે,શૃંગાર કરતાં મા ની આંખમાંથી આંસુ નીકળે છે,”આ મનોહર મુખડું હવે ક્યારે જોવા મળશે”
મા ને રડતાં જોઈ કનૈયો પણ રડે છે.મા એ વિચાર્યું કે-“ હું રડું છું તો કનૈયો પણ રડે છે,તેને બહુ દુઃખ થાય છે, એટલે તેના દેખતાં મારે હવે રડવું નથી.હું એકલી રડીશ.” યશોદાજીએ આજે છેલ્લી વખત પોતાના હાથે
સામગ્રી તૈયાર કરી અને લાલાને ખવડાવે છે. અક્રૂર રથ લઇ આંગણામાં તૈયાર ઉભા છે.

ગોપીઓને આ વાતની ખબર પડી છે,ત્યારે તેઓ દોડતી આવી છે.ગોપીઓના મંડળમાં રાધાજી પણ છે.
રાધાજીની આઠ વર્ષની ઉંમર છે, (શ્રીકૃષ્ણની ઉંમર તે વખતે ૧૧ વર્ષની હતી)
સાદો શૃંગાર છે,મુખ પર દિવ્ય તેજ છે.રાધાજીને હજુ સુધી કોઈ વખત કૃષ્ણ વિયોગ થયો નથી.એટલે વિયોગની વાત સાંભળતાં જ મૂર્છા આવી છે.અને મૂર્છામાં બોલે છે-કે-હે કૃષ્ણ અમારો ત્યાગ નહિ કર,અમને છોડીને ના જાવ.કેટલીક ગોપીઓ રાધાજીની સેવા કરે છે,અને કેટલીક રથને ઘેરી ને ઉભી છે અને અક્રૂરને ફરિયાદ કરે છે.

“હે અક્રૂર,તું અમારા કનૈયાને લેવા આવ્યો છે?તું શું ગોકુલને ઉજ્જડ કરવા આવ્યો છે ?પણ લાલાના દર્શન વગર અમે જીવી શકીશું નહિ,અક્રૂર,તું કનૈયાને ના લઇ જા.તને અમારી દયા પણ આવતી નથી?”
એક ગોપી તો અતિ વ્યાકુળ થઇ ને કહે છે-કે-આ મૂવાનું નામ કોણે પાડ્યું છે? તારી ફોઈએ તારું નામ બરોબર પાડ્યું નથી,અક્રૂર તું તો મહા ક્રૂર છો,તું અમારા કનૈયાને લેવા આવ્યો છે,તું અમને રડાવવા આવ્યો છે.અક્રૂર તું કહે તો તારા ઘરનું હલકામાં હલકું કામ કરવા અમે તૈયાર છીએ.પણ અમારા લાલા ને તું ના લઇ જા.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE