Oct 23, 2020

ભાગવત રહસ્ય -૪૨૫

અક્રૂરજી  ભગવાન સાથે સંબંધ જોડે છે.”શ્રીકૃષ્ણ ના પિતા વસુદેવનો હું પિતરાઈ ભાઈ છું.” મહાત્માઓ કહે છે કે-ઈશ્વર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડો.
પરમાત્મા સાથે સંબંધ જોડ્યો હશે,તો તેમના પર પ્રેમ થશે. 
ભગવાનને પિતા માનો,સખા માનો,સ્વામી માનો,પુત્ર માનો-પણ
કંઈક ને કંઈક સંબંધ જોડો.સંબંધ જોડવાથી તે પોતાના લાગશે.

જગતના સામાન્ય સંબંધોમાં પણ સંબંધ વગર સ્નેહ થતો નથી,લાગણી થતી નથી,સ્મરણ થતું નથી.
ગામમાં ઘણાંને તાવ આવે પણ બધાં માટે લાગણી નથી.પણ સંબંધીને તાવ આવે તો લાગણી થાય છે.તુલસીદાસજી કહેતા-કે હું તો મારા રામજીનો સેવક છું.

પરમાત્મા શ્રીકૃષ્ણ સાથે સંબંધ જોડેલો હોય તો અંતકાળમાં બહુ શાંતિ મળે છે.અંતકાળે પરમાત્મા લેવા
આવે છે.જગત જોડે બહુ સંબંધ જોડ્યો હોય તો અંતકાળે ગભરામણ થાય છે કે હવે હું ક્યાં જઈશ?
લાખોની સંપત્તિ વારસામાં મળી હોય તેવો પુત્ર પણ,કોઈ વખત  અણીના સમયે છોડી જાય છે.
ત્યારે ભગવાન કોઈ દિવસ દગો આપતા નથી.ભગવાન અંતકાળે દોડતા આવે છે.
જીવ દગાખોર છે તે માત્ર સુખમાં જ સાથ આપે છે જયારે પરમાત્મા તો દુઃખમાં પણ સાથ આપે છે.

ભગવાનને પિતા માનતાં સંકોચ થતો હોય તો - શ્રીકૃષ્ણ કહે છે કે-હું તો બાળક (પુત્ર) થવા પણ તૈયાર છું.
કોઈ બીજા દેવ એવા નથી કે જે પુત્ર થવા તૈયાર થાય!!
પણ બાલકૃષ્ણ લાલાજી તો એવા છે જે પુત્ર પણ થાય,પિતા પણ થાય અને વખત આવે દાદા પણ થાય.
પરમાત્મા સાથે જીવ જેવો સંબંધ બાંધે છે તે સંબંધથી પરમાત્મા તેને મળે છે.
જે ભાવથી જીવ ઈશ્વરનું સ્મરણ કરે તે જ ભાવથી ઈશ્વર તેને અપનાવે છે.
ગીતામાં ભગવાન કહે છે કે-કોઈ પણ ભાવથી મને જ ભજ,બીજાને નહિ.(બૈરી-છોકરાંને નહિ)
કુટુંબ માટે તો કાગડો પણ જીવે છે,ઈશ્વર માટે જીવે તેનું જીવન સાર્થક છે.

અક્રૂર શ્રીકૃષ્ણ ના વિચારોમાં તન્મય થયા છે.
જે માર્ગથી શ્રીકૃષ્ણ ગાયોને ચરાવવા જાય છે,તે નંદગામ પાસે રથ આવ્યો છે.
ધરતી પર શ્રીકૃષ્ણ ના ચરણ ચિહ્નો જોઈ અક્રૂર વિચારે છે કે- અહીં માલિક ચાલતા ગયા છે,તો મારાથી રથમાં બેસીને કેવી રીતે જવાય ? તે રથમાંથી નીચે કુદી પડ્યા છે.અને ચાલતાં ચાલતા ગોકુલ જાય છે.
અક્રૂર વ્રજ રજમાં આળોટે છે. પ્રભુના ચરણ પડેલી વ્રજરજનો બહુ મહિમા છે.
પરમાત્મા માટે અક્રૂરજી આજે પાગલ થયા છે.
જીવ પરમાત્માને મળવા જાય ત્યારે પરમાત્મા માટે પાગલ બનીને જાય તો પરમાત્મા મળે છે.

સામાન્ય જીવ પૈસા માટે પાગલ થાય છે ત્યારે તેને પૈસા મળે છે,પાગલ થયા વિના ,રાત-દિવસ પરિશ્રમ કર્યા વગર પૈસો મળતો નથી, તો પરમાત્મા તો ક્યાં થી મળે?
અક્રૂર તન્મય બન્યા છે. “મારા માલિક આ રસ્તે ચાલતા ગયા છે,હું ચાલતો જાઉં એ પણ ઠીક નથી,હું તો
મારા પ્રભુ ને દંડવત પ્રણામ કરતો જઈશ.વંદન કરતો કરતો જઈશ” “વંદન ભક્તિ” ના આચાર્ય અક્રૂરજી છે.

આજે એવું થયું છે કે –બિલકુલ અક્રૂરજીની ઈચ્છા મુજબ જ શ્રીકૃષ્ણ ગોપ-બાળકોથી ઘેરાઈને ગૌશાળામાં 
ઉભા છે.અક્રૂરને દુરથી દર્શન થયા છે.શ્રીકૃષ્ણ નું અંગ મેઘ ના જેવું શ્યામ છે,આંખો કમળ જેવી વિશાળ છે.
અક્રૂરજીને જેવાં દર્શન થયાં કે તેમની આંખો ભીની થઇ છે અને શરીરમાં રોમાંચ થયો છે.ગળું ભરાઈ ગયું છે,
પ્રેમથી ગળગળા થઇ ગયા છે અને બોલવું ઘણું હતું પણ કશું બોલી શકાણું નથી.
મુખમાંથી કોઈ શબ્દ નીકળતો નથી,લાકડી ઢળી પડે તેમ અક્રૂરજી ઢળી પડ્યા છે.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE