પણ મનુષ્ય તો વિચારે છે કે-બે વર્ષ આવો ધંધો સારો ચાલશે તો મોટર લાવીશ અને બંગલો બનાવીશ.કેવળ સુખ ભોગવવાના આવા વિચારો કરવાથી,આત્મશક્તિનો નાશ થાય છે,જીવ ધારે તે થતું નથી,પણ ઈશ્વર જે ધારે તે થાય છે.(ધાર્યું ધણીનું થાય છે).
આત્મામાં જે શક્તિ છે તે પરમાત્માની છે, (આત્મા અને પરમાત્મા એક છે.)
તેથી તો કહ્યું છે-કે-“તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ.” (મારું મન હંમેશા શુભ સંકલ્પો કરે)
વેદાંત કહે છે-કે-કોઈ પણ વિચાર કર્યા વિના મનને સંકલ્પ વગરનું બનાવો.તો શાંતિ મળશે.
કોઈ પણ સંકલ્પ કર્યા વગર શાંતિથી બેસો તો મનની શક્તિ વધે છે,તે પછી પ્રકાશ દેખાય છે.
પણ મન સંકલ્પ વગરનું થતું નથી.મનને સંકલ્પ વગરનું કરવું કઠણ છે.કારણકે –મન સંકલ્પ કર્યા વગર
રહી શકતું નથી.તેથી ભક્તિમાર્ગના આચાર્યો કહે છે કે-સંકલ્પ કરો તો ભગવાનના માટે જ કરો.
એકદમ સંકલ્પનો ત્યાગ થઇ શકતો નથી,પણ-
મન ને પ્રતિકૂળ સંકલ્પમાંથી હટાવી ,અને અનુકૂળ સંકલ્પમાં સ્થિર કરવું જોઈએ.અને અનુકૂળ સંકલ્પ તે
“ભગવદ સંકલ્પ” છે. જેનાથી મન સુધરે છે.લૌકિક સંકલ્પોથી મન બગડે છે.
રોજ એવી ભાવના કરવાની કે -પરમાત્મા તેમનો વરદ હસ્ત મારા મસ્તક પર પધરાવે છે.
પ્રભુએ હજુ અક્રૂરજીના માથા પર હાથ પધરાવ્યો નથી,પણ અક્રૂરજી હજુ શુભ સંકલ્પ કરે છે,અને
તેમના બધા શુભ સંકલ્પો પ્રભુએ પૂર્ણ કર્યા છે.
અક્રૂર વિચારે છે કે-પરમાત્મા તો સર્વના પિતા છે,પણ તેઓ વસુદેવના ત્યાં પ્રગટ થયા છે.
હું વસુદેવનો પિતરાઈ ભાઈ થાઉં છું,જો કે હું પાપી છું અને લાયક નથી,પણ ઉંમરમાં વૃદ્ધ છું,એટલે,
તેથી મારા ભગવાન મને નામથી નહિ પણ “કાકા” કહી ને બોલાવશે. અને મને જયારે મારા ભગવાન
“કાકા” કહી ને બોલાવશે ત્યારે બહુ આનંદ થશે.હું ધન્ય થઇ જઈશ.
મારા કૃષ્ણ મને “કાકા ઉભા થાવ” તેમ નહિ કહે ત્યાં સુધી હું ઉઠીશ નહિ.એ એકવાર મને “કાકા” કહીને
સંબોધન કરશે એટલે મારો જન્મ સફળ થશે.એ જેને એકવાર અપનાવે છે પછી તેને છોડતા નથી.
મોટા મોટા રાજાઓ ને જગત ભૂલી ગયું છે.જેને બહુ માન મળે તો તે રાજી થાય છે,તેનામાં અહમ આવે છે,
અને તેના પુણ્ય નો નાશ થાય છે.
જગતમાં કોઈ માન આપે તો બહુ રાજી થવું નહિ કે કોઈ માન ના આપે તો નારાજ થવું નહિ.
માન અપમાનની અસર જેના પર ના થાય તે જ ભક્તિ કરી શકે છે.(નિર્માનમોહા,જીત સંગ દોષા)
માત્ર પ્રભુ જેને માન આપે છે,તેનું જીવન સફળ થાય છે.ભગવાન જેને માન ના આપે તેનું જીવન વૃથા છે.
જીવમાત્રને માન ની ભૂખ છે.પરમાત્મા જેને માન આપે ત્યારે જ તે માનની ભૂખ શાંત થાય છે,બાકી,
જગતમાં બહુમાન મળે તો તે ભૂખ શાંત થતી નથી.વધુને વધુ માનની આશા રહે છે,અને
જગત જો સારું બોલે તો,સદભાવ જાગે અને જેવું ખરાબ બોલે એટલે કુભાવ આવે છે.
જગત માન પણ આપે અને અપમાન પણ આપે.
પણ પ્રભુ હંમેશા માન જ આપે છે,પ્રભુ માન આપે તો જીવન ધન્ય બને છે.માટે જ,અક્રૂરજીની જેમ,
પ્રભુ માન આપે તેવા જ કર્મો કરવા જોઈએ અને પ્રભુ માન આપે તેવા જ સંકલ્પ કરવા જોઈએ.