Oct 20, 2020

ભાગવત રહસ્ય -૪૨૨

આ બાજુ નારદજી કંસ રાજાને ઘેર ગયા.અને કંસ પાસે જઈને કહ્યું-કે-
આ વસુદેવે દગો કર્યો છે,લોકો જેને નંદબાબાનો કનૈયો કહે છે,તે નંદબાબાનો પુત્ર નથી 
પણ દેવકીનો આઠમો પુત્ર છે અને તે જ તારો કાળ છે.
કંસ કહે છે કે-મેં તો તેમને કેદમાં રાખ્યા હતા,તો તે ગોકુળ ગયા કેવી રીતે ?
નારદજી કહે છે કે-તું બહુ ભોળો છે,તને ખબર નથી,વસુદેવે તારી સાથે કપટ કર્યું છે,તેઓ ભોયરા વાટે ગોકુળમાં ગયેલા.દેવકીનો આઠમો પુત્ર નંદજીને ત્યાં મૂકી આવ્યા અને યશોદાજીની પુત્રી ને અહીં લઇ આવ્યા.શ્રીકૃષ્ણ દેવકીના પુત્ર છે અને બલરામ રોહિણીના પુત્ર છે.તેઓએ તારા ઘણા સેવકોને મારી નાખ્યા છે.

કંસે કહ્યું-કે-હા,મારા જેટલા રાક્ષસો ગોકુળ ગયા તેટલા મરી ગયા છે,તેથી મને શંકા તો હતી જ,કે કનૈયો મારો કાળ લાગે છે.નારદજી કહે છે કે-તું શંકા રાખીશ નહિ,હું સાચું કહું છું તે જ તારો કાળ છે.
કંસને પહેલાં તો વસુદેવ પર ક્રોધ આવ્યો છે,અને વસુદેવને મારવા તૈયાર થયો છે.
નારદજીને સળગાવતાં આવડે તેમ ઓલવતાં પણ આવડે છે. તે કંસને સમજાવે છે કે-
વસુદેવ ને મારવાનો કોઈ અર્થ નથી,તેને મારવાથી તને શું લાભ ? તારો કાળ તો શ્રીકૃષ્ણ છે.
તું વસુદેવને મારીશ તો શ્રીકૃષ્ણ ત્યાંથી ભાગી જશે,અને કોઈ દિવસ છુપી રીતે આવીને તને મારશે.

નારદજી ત્યાંથી ગોકુળમાં શ્રીકૃષ્ણ પાસે આવ્યા છે. અને શ્રીકૃષ્ણને કહ્યું-
હું બધી તૈયારી કરાવીને આવ્યો છું,તમે હવે કંસને મારજો,અને તમે જયારે મથુરાના રાજા થશો,
દ્વારકાના રાજા થશો,ત્યારે તમારો ઘર સંસાર જોવા આવીશ.નારાયણ,નારાયણ.

કંસ વિચાર કરે છે કે-મારા કાળને કેવી રીતે મારવો ? તેણે ગોર મહારાજને બોલાવ્યા.
ગોર મહારાજે આવી ને કહ્યું-તમે ધનુષ્યયજ્ઞ કરો,તેનાથી યજમાનનું આયુષ્ય વધે છે,અને શત્રુઓનો
વિનાશ થાય છે.પાંચ દિવસનો આ યજ્ઞ નિર્વિઘ્ને પુરો થાય તો યજમાનનું આયુષ્ય વધે છે ને જો કોઈ
વિઘ્ન આવે તો યજમાન મરે છે.

તે વખતે કંસના મોટા મોટા પહેલવાનો ચાણુર અને મુષ્ટિક ત્યાં આવ્યા, તે મલ્લોએ કહ્યું કે-
પાંચ દિવસમાં શું વિઘ્ન આવવાનું હતું? અગિયાર વર્ષનો છોકરો તમને શું મારવાનો?
તમારા કાળને અમે મારીશું.તમે એકવાર તેને મથુરામાં બોલાવો,મારામાં અગિયાર હજાર હાથીનું બળ છે,
મારું વજન તે શું સહન કરી શકવાનો ?વાતો કરતાં કરતાં તેને અખાડામાં લઇ જઈશ અને હું જ તેને
માટી ભેગો માટી બનાવી દઈશ.

કંસે વિચાર્યું કે –આ યજ્ઞનું નિમિત્ત બહુ સારું છે.આ નિમિત્તે હું નંદબાબાને મથુરા આવવાનું આમંત્રણ આપીશ. સાથે બલરામ-શ્રીકૃષ્ણને પણ લાવવાનું કહીશ.નંદજી મથુરા આવશે,અને મારો કુવલયાપીડ હાથી,  
કનૈયાને પગ તળે કચડી નાખશે.કદાચ જીવશે તો મારા પહેલવાનો તેને અખાડામાં ખેંચી જશે, અને
માટી ભેગો માટી બનાવી દેશે. વસુદેવે કપટ કર્યું છે,તેથી કપટથી જ હું તેમના બાળકને મારી નાખીશ.

કંસે યજ્ઞની તૈયારી કરી ષડયંત્ર રચ્યું છે,અને તેના પહેલવાનોને કહ્યું કે-કૃષ્ણ અહીં આવે એટલે તેને મારી નાખજો.તે મારો કાળ છે,તેના હાથે મારું મરણ છે,એક વખત તે મરી જાય પછી હું સુખ ભોગવીશ.
કાળ સમીપ આવે,મૃત્યુની છાયા પડે,એટલે સ્વભાવ બદલાય છે,પુણ્યશાળી અતિ પુણ્ય કરે છે, અને
પાપીનો સ્વભાવ અતિ ક્રોધી બને છે.
કંસ વિચાર કરે છે કે-નંદબાબાને આમંત્રણ આપવા કોને મોકલું ?છેવટે અક્રૂર પર નજર પડી છે.
અક્રૂર વયોવૃદ્ધ છે,તે મારો વિશ્વાસઘાત નહિ કરે અને નંદબાબા તેમનો વિશ્વાસ પણ કરશે.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE